
Chhota Udepur News: ગુજરાતમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં છોટાઉદેપુરમાંથી એક ગંભીર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. બેફામ ટ્રક ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલા રાહદારીને ટક્કર મારી હતી જેમાં રાહદારીનું મોત થયું હતું. છોટાઉદેપુરમાં નસવાડીના કિસ્મત ટોકીઝ વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી રોડની સાઈડમાં ઉભેલા 25 વર્ષીય અજયભાઇ નિવલાભાઈને ટક્કર મારતા પીડિતનું ઘટના સ્થળે મોત થયું હતું.
પાવીજેતપુર તાલુકાના થાંભલા ગામના પિતા અને પુત્ર ખેતી કામના ઓજારની ખરીદી માટે નસવાડી આવ્યા હતા. જ્યાં કામ પતાવીને ઘરે જવા માટે નસવાડીના કિસ્મત ટોકીઝ વિસ્તારમાં બસની રાહ જોઈને પિતા-પુત્ર એક ગલ્લાના બાકડા ઉપર બેઠા હતા. આકરો તાપ હોવાથી પુત્રએ પિતાને બાકડા ઉપર બેસાડ્યા અને રોડ ઉપર એસટી બસ નીકળે તો તેને હાથ કરવા માટે પુત્ર રોડની સાઇડમાં ઉભો હતો. જ્યાં ટ્રકે યુવકને અડફેટે લેતાં તેનું મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.