
સુરત શહેરના પુણા વિસ્તારમાંથી ફરી એકવાર બાળકમજૂરીના કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. પુણા પોલીસ સ્ટેશનની ટીમે ખફીયા માહિતીના આધારે રેડ ચલાવી શ્રમમાં ફસાયેલા સગીર બાળકોને મુક્ત કરાવ્યા છે. પુણા વિસ્તારમાં કેટલાક ઈસમો સગીર વયના બાળકો પાસેથી લાંબા સમય સુધી મજૂરી કરાવતાં હતા. બાળકોને યોગ્ય ભથ્થું આપ્યા વિના વધુ કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું અને તેમના હક્કોનું ઉલ્લંઘન થતું હતું.
બે ઝડપાયા
પુણા પોલીસ ટીમે વ્યવસ્થિત યોજના પ્રમાણે ઓપરેશન ચલાવી અને સ્થળ પર તાત્કાલિક રેડ કરી. આ દરમિયાન કુલ ૬ સગીર બાળકોને મજૂરીના ચુંગાલમાંથી મુક્ત કરાવાયા છે. આ કેસમાં પોલીસ દ્વારા દિલીપસિંગ વરદીસિંગ રાજપૂત અને સુરેસિંગ નાથુસિંગ ખરવડ નામના બે ઈસમોની અટકાયત કરવામાં આવી છે. બંને આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરક્ષિત સ્થળે બાળકોને મોકલાયા
પુણા પોલીસ દ્વારા બાળકોના શોષણના આ મામલે નીચે મુજબ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-146 તથા બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986 ની કલમ-3 અને કલમ-14(1) જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) અધિનિયમ, 2015 ની કલમ-79 મુજબ પોલીસની આ કામગીરીને કારણે બાળકમજૂરી સામે સખત સંદેશો ગયો છે. બાળકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે અને તેમની કાઉન્સિલિંગ તથા પુનર્વસન માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.