ગુરુવારે બપોરે લગભગ 1:40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. એરલાઇને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પુષ્ટિ આપી છે કે વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો.
પ્લેન ક્રેશમાં બચેલા યુવાન સાથે PM મોદીએ કરી વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. સવારે લગભગ 9 વાગ્યે પ્રધાનમંત્રીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને મળ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ સિવિલમાં પ્લેન ક્રેશમાં બચેલા યુવાન સાથે વાત કરી હતી. અને કઈ રીતે પોતાનો જીવ બચાવ્યો તેની સમગ્ર બાબત પીએમ મોદીને કરી હતી.
'ટેક્ ઓફ્ની 30 સેકન્ડ બાદ ખૂબ જ મોટો અવાજ થયો અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું
સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિશ્વાસે જણાવ્યું કે, 'ટેક્ ઓફ્ની 30 સેકન્ડ બાદ ખૂબ જ મોટો અવાજ થયો અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું હતું. બધું જાણે આંખના પલકારામાં થઇ ગયું. વિમાન ક્રેશ બાદ હું ઊભો થયો ત્યારે મારી આસપાસ મૃતદેહના ઢગલા હતા. હું ખૂબ જ ડરી ગયો હતો અને ઊભો થઇને તુરંત જ તે સ્થળથી દોડવાનું શરૂ કરી દીધું.
મારી આસપાસ વિમાનના પાર્ટ્સ વિખરાયેલા પડયા હતા. અચાનક જ કોઇએ મને પકડયો અને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડયો હતો.' વિશ્વાસ રમેશ છેલ્લા 20 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા છે. દીવમાં તે પરિવારના સદસ્યોને મળવા માટે આવેલા હતા. તેમની સાથે વર્ષીય ભાઇ અજય કુમાર રમેશ પણ મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ તેમનો મોડી સાંજ સુધી કોઇ પત્તો મળ્યો નહોતો. વિશ્વાસ રમેશે જણાવ્યું કે, 'અમે પારિવારિક કારણોસર દીવ આવ્યા હતા. મારી સાથે મારા ભાઇ પણ પ્રવાસ કરી રહ્યા હતા. પરંતુ હવે તે મળી રહ્યા નથી. પ્લીઝ, મારા ભાઇને શોધવામાં મદદ કરો. '