સીરિયામાં 14 વર્ષના ગૃહયુદ્ધ બાદ પરિસ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. અમેરિકાએ સીરિયા પરથી તમામ પ્રતિબંધો દૂર કર્યા છે અને હવે આ ઇસ્લામિક દેશ ફરીથી સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યો છે. આર્થિક પ્રવૃત્તિઓ અને સુરક્ષામાં પણ સુધારો થયો છે.ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના નવા રાષ્ટ્ર પ્રમુખ અહમદ અલ શારા સાથે મુલાકાત કરી આ અંગે જાહેરાત કરી હતી. ઇઝરાયલ અને સીરિયા વચ્ચે પણ સીધી વાતચીત થઈ છે. મધ્ય-પૂર્વના રાજકીય નિષ્ણાતો મુજબ, અમેરિકાએ સીરિયા પરથી તમામ પ્રતિબંધો દૂર કરવા મામલે એવો સોદો કર્યો હશે કે તેણે ઇઝરાયલ સાથે સંબંધો સુધારવા પડશે. જેના ભાગરૂપે સીરિયા એ દિશામાં આગળ વધી રહ્યું છે. જો આવું કંઈક થાય તો તે વૈશ્વિક રાજકારણમાં મોટો ફેરફાર હશે કારણ કે સીરિયા અને ઇઝરાયલ 1948થી યુદ્ધ કરી રહ્યા છે.આ કરાર સાથે 77 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત આવશે. બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સીધી વાતચીત થઈ છે. બંને દેશ 2020થી અબ્રાહમ અકોર્ડમાં સામેલ છે.

