Home / : Cleanliness of Giraffe

Zagmag :સ્વચ્છતા તો જીરાફભાઈની!

Zagmag :સ્વચ્છતા તો જીરાફભાઈની!

- મેહુલ સુતરિયા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક ખૂબ મોટું જંગલ હતું. જંગલમાં વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, કાબર, મોર, હરણ, પોપટ, ચકલી જેવા પશુ-પંખીઓ રહેતાં હતાં.

આ જંગલમાં એક જીરાફભાઈ પણ રહેતા હતા. જીરાફભાઈ તો સ્વચ્છતાના ખૂબ આગ્રહી. જંગલમાં તેમના ઘર પાસે સહેજ પણ ગંદકી ન થવા દે. આખા જંગલમાં જીરાફભાઈનું ફળિયું એકદમ ચોખ્ખુંચણક જોવા મળે.

જીરાફભાઈને સવાર-સાંજ જંગલમાં ફરવા જવાની ટેવ. જીરાફભાઈ જ્યારે પણ જંગલમાંથી નીકળતા હોય ત્યારે તેમને ઠેર-ઠેર કચરાના ઢગલાં દેખાય. આ જોઈને જીરાફભાઈને ખૂબ દુ:ખ થતું. જીરાફભાઈ જંગલના પશુ-પંખીઓની આ કુટેવ સુધારવા માંગતા હતા.

જીરાફભાઈ તો એક દિવસ સવારે ઝાડુ લઈને પહોંચી ગયા જંગલમાં! જીરાફભાઈ તો ઝાડુ લઈને જ્યાં ગંદકી હતી તે જગ્યાને સાફ કરવા માંડયા. આ જોઈને કાબરબેન, મેનાબેન, પોપટભાઈ, બિલ્લીબેન બધા ભેગા થઈ ગયા અને જીરાફભાઈ શું કરે છે તે જોવા લાગ્યા!

બિલ્લીબેન બોલ્યા,'જીરાફભાઈ, આટલા મોટા જંગલને તમે એકલા કેટલા દિવસ સુધી સાફ કરતા રહેશો?' આ સાંભળી જીરાફભાઈ બોલ્યા,'પ્યારા બિલ્લીબેન, આ આખા જંગલને હું મારું ઘર માનું છું અને મારા ઘરને અને તેની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાની મારી ફરજ છે.'

જીરાફભાઈની વાત સાંભળી બધા પશુ-પંખીઓ હસવા લાગ્યા. પણ જીરાફભાઈને આની કોઈ અસર ન થઈ. જીરાફભાઈ તો એમના નિત્યક્રમ મુજબ જંગલમાં જતા અને ઝાડુથી કચરો સાફ કરતા જાય અને ગાતા જાય:

સ્વચ્છતાની હું વાત લાવ્યો,

જંગલ કેરી સુંદરતા લાવ્યો!

જીરાફભાઈના સ્વચ્છતાના શ્રમદાનથી થોડા જ સમયમાં જંગલની આખી સૂરત બદલાઈ ગઈ. જે પશુ-પંખીઓ જીરાફભાઈની ઠેકડી ઉડાવતા હતાં તેઓને હવે તેમની ભૂલ સમજાઈ ગઈ.

તેઓ બધા ભેગા થઈને જીરાફભાઈ પાસે ગયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી અને તેઓ પણ જીરાફભાઈના આ પરોપકારના શ્રમયજ્ઞમાં જોડાશે તેવું નક્કી કર્યું.

જીરાફભાઈ પશુ-પંખીઓની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા અને બધાનો આભાર માન્યો. બીજા દિવસે જીરાફભાઈ અને બધાં પશુ-પંખીઓ હાથમાં ઝાડુ લઈને ગાવા લાગ્યાં:

સ્વચ્છતાની અમે વાત લાવ્યા,

જંગલ કેરી સુંદરતા લાવ્યા!

આ જોઈને જંગલના બીજા પશુ-પંખીઓ પણ જીરાફભાઈ અને અન્યો દ્વારા ચાલતા સ્વચ્છતાના આ યજ્ઞકાર્યમાં જોડાઈ ગયા.

હવે જંગલ ખૂબ સુંદર લાગે છે અને જંગલમાં ક્યાંય ગંદકી જોવા નથી મળતી.

તો મારા જિંગલ જિંગલ ઝગમગ બાળમિત્રો, જીરાફભાઈએ જેમ સારા કાર્યની શરૂઆત બીજાઓની રાહ જોયા વગર પોતાનાથી કરી દીધી એ જ રીતે આપણે પણ સારા કાર્યની શરૂઆત આપણાથી કરી દેવી જોઈએ. સારા કાર્યનું પરિણામ હંમેશા સારું જ આવે છે...

Related News

Icon