
સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલની બિલ્ડિંગમાં રોડ તરફ મહેશ પાઉંભાજી, મઢીની ખમણી જેવી રેસ્ટોરન્ટ અને દુકાનો આવેલી છે તેની ઉપરની ગેલેરીનો સ્લેબ અચાનક સોમવારે રાત્રે તૂટી પડ્યો હતો. આ દુકાનો, રેસ્ટોરન્ટમાં રોજ સૈંકડો-હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. જો દિવસ દરમિયાન ગેલેરીનો સ્લેબ તૂટ્યો હોત તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સદ્દનસીબે રાત્રિના સમયે સ્લેબ તૂટતાં મોટી જાનહાનિ ટળી છે.
રાત્રિના સમયે સ્લેબ પડ્યો
અઠવાલાઈન્સ પર આવેલી મિશન હોસ્પિટલની બિલ્ડિંગના રોડ તરફના ભાગ પર કમર્શિયલ દુકાનો અને રેસ્ટોરન્ટ આવેલી છે. અહીં રોજ સૈંકડો, હજારો લોકોની અવરજવર રહેતી હોય છે. આ બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ગઈકાલે સોમવારે રાત્રિના સમયે અચાનક તૂટી પડ્યો હતો. ગેલેરીનો સ્લેબ તૂટ્યો ત્યારે રેસ્ટોરન્ટ અને દુકાનો બંધ હતી. અહીં લોકોની અવરજવર નહોતી. તેથી કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, દુકાનદારોને મોટું નુકસાન થયું છે.
ગેલેરીનો ભાગ તૂટ્યો
દરમિયાન સ્થાનિક દુકાનદારે કહ્યું કે, જ્યારથી મેટ્રોનું કામ શરૂ થયું છે ત્યારથી અમે પરેશાન છે. ગેલેરીનો સ્લેબ તૂટ્યો તે પહેલાં મેટ્રોની કામગીરીના લીધે બિલ્ડિંગમાં ધ્રુજારી અનુભવાઈ હતી. ત્યાર બાદ સ્લેબ તૂટ્યો હતો. આ ઉપરાંત દુકાનદારોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મેઈન રોડ પર આવેલી બિલ્ડિંગમાં ગેલેરીનો સ્લેબ તૂટ્યો હોવા છતાં તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી. પાલિકા અધિકારી-કર્મચારી કે ફાયરના જવાનો આવ્યા નથી. દુકાનદારો જાતે જ સ્લેબનો કાટમાળ દૂર કરી રહ્યાં છે.