
- કોમોડિટી કરંટ
- ચોખા તથા કેસરમાં નોંધપાત્ર તેજીનો ઉછાળો
ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ભર ઉનાળે ચોમાસા જેવા માહોલને કારણે ગત અઠવાડિયે કોમોડિટી બજારમાં મોટે ભાગે સુસ્તીનો માહોલ રહ્યો છે. તલ, કઠોળ, બાજરી ઉપરાંત ચીકુ, કેરી જેવા પાકોમાં મોટી નુકશાની થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપક છે. ચાલુ વર્ષે ઉનાળામાં મગ અને અડદના તેમજ બાજરી પણ ઉત્તર ગુજરાતમાં નોધપાત્ર વાવેતર થયા છે. આ ઉપરાંત મકાઈ, એરંડા, ઘાસચારો, રાગી, જુવાર, શેરડી તથા તમાકુના પાકને પણ ભારે નુકશાન થયું છે. રાજ્ય વિવિધ કૃષિ બજારોમાં પણ માવઠાની આગાહીઓની જાહેરાતો કરી વેપારીઓને કૃષિ માલોની સાચવણીના સૂચનો કર્યા હતા. તેમ છતાં યાર્ડમાં માલો પલળી જઈ નુકશાનીના અહેવાલો છે.
બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેના યુધ્ધના કારણે તણાવ ચરમ સીમાએ હોવાથી અનેક કૃષિ ઉત્પાદનોની આયાત તથા નિકાસને ભારે ધક્કો પહોચ્યો છે. પાકિસ્તાની માર્ગ બંધ હોવાથી ભારતથી ખાસ કરીને મસાલા, સુકામેવા, તેલીબીયા અને તેના ઉત્પાદનો જેમાં હળદર, જીરા, ઘાણા, વરીયાળી, ઇલાયચી, કાજૂ, મગફળી, નાળિયેલ, કાબુલી ચણા, દાળો તથા ઓઈલ મીલ સહિતની ચીજોની નિકાસ ઉપર ભારે અસર પડી હોવાની આશંકા છે.
પશ્ચિમ એશિયા તથા ખાડી વિસ્તારના દેશોમાં ભારતીય ઉત્પાદનોની વિશેષ માંગ રહેતી હોય છે. પાકિસ્તાની માર્ગ બંધ હોવાથી ઇરાન, સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત, બહેરીન, જોર્ડન તેમજ સોવિયત ગણ રાજ્યોમાં ભારતી માલની પહોચ મુશ્કેલ તથા કઠીન બની ગઈ છે. નિકાસ માટે માર્ગ લાંબો થવાથી શિપમેન્ટ ખર્ચ વધતાં નિકાસકારોના માર્જીન પણ ઘટી રહ્યા છે. જેના લીધે કેટલાય સોદાઓનું જોખમ વધી ગયું હોવાની ગણત્રી છે. અગાઉ એવી અપેક્ષા હતી કે જૂન માસમાં ઇદના પર્વને કારણે મે માસમાં મસાલાની સારા પ્રમાણમાં નિકાસ થશે પરંતુ અચાનક માહોલ બદલાઈ જતાં માલની પેમેન્ટ પણ ફસાઈ જવાની આશંકાને કારણે નિકાસ ઉપર ભારે અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગત સપ્તાહ દરમ્યાન જીરૂ, હળદર, ઘાણા, ઇલાયચી, મરી જેવી ચીજોમાં મંદીનો માહોલ છવાયો છે. જીરામાં બજાર સતત ઘટાડા તરફી જઇ રહી છે. બજારોમાં આવકો ધીરે ધીરે ઓછી થવા સામે લોક્લ તથા વિદેશી માંગના આભાવે બજારો તુટી રહ્યા હોવાથી હાલમાં તેજીની સંભાવના નહિવત હોવાની વ્યાપક ચર્ચા છે. હળદરમાં પણ સીમિત આવકો સામે નબળીમાંગને કારણે વેપારોમાં સુસ્તી છવાઈ છે. કાળા મરીમાં પણ નફારૂપી વેચવાલીના પ્રેસર સામે માંગ નબળી રહેતાં બજાર પ્રતિ કિલોએ ૫ થી ૧૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
દરમ્યાન ભારત-પાકિસ્તાન વચ્ચેના યુધ્ધના સાઉદી આરબ, ભારતીય ચોખાના મોટા પ્રમાણમાં વપરાશ કરનાર સાઉદી આરબ, ઇરાન, કતાર જેવા દેશોની ડિમાન્ડમાં નોધપાત્ર વધારો થતાં ચોખા બજારમાં ૮ થી ૧૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. યુધ્ધના કારણે ચોખાની નિકાસ અટકી જશે તેવી ભીતિને કારણે આયાતકાર દેશોની ખરીદીનું પ્રમાણ નોંધપાત્ર વધતાં સરેરાશ પ્રતિ કિવન્ટલે ૫૦૦ રૂપિયાનો ઉછાળો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાસમતી ચોખાની બજાર સપ્ટેમ્બર ૨૦૨૪ થી તુટવાની શરૂઆત થઈ હતી. પરંતુ જે તે સમયે સરકારે મીનીમમમાં એક્સપોર્ટ પ્રાઈસ નક્કી કરતાં વિદેશી આયાતકારો ભારતને બદલે પાકિસ્તાનથી ખરીદી શરૂ કરતાં છેવટે સરકારે નિયમ રદ કર્યો હતો.
ભારત પાકિસ્તાન બોર્ડર બંધ થતાં કેસર બજારમાં લાલચોળ તેજી પકડાતાં ભાવો પ્રતિ કિલોએ પાંચ લાખ રૂપિયાની સપાટી સુધી ઉછળ્યા છે. કેસર સૌથી મોઘી મસાલા કોમોડિટી છે. ભારતમાં વર્ષે દહાડે ૫૫ ટન આસપાસની ડિમાન્ડ રહે છે. કાશ્મીરમાં પાંચ થી સાત ટન જેટલું કેસરનું ઉત્પાદન થાય છે. બાકીનું કેસર અફઘાનીસ્તાન તથા ઇરાનથી આયાત થાય છે. એક કિલો કેસરની કિમત પચાસ ગ્રામ સોના બરાબર છે.
દક્ષિણ તથા પશ્ચિમ ભારતમાં કેસરની ડિમાન્ડ વધુ રહે છે. આજકાલ કાશ્મીરમાં સીમેન્ટની ફેક્ટરીઓ ખુલી રહી હોવાથી કેસરના ઉત્પાદન ઉપર નોધપાત્ર અસર પડી રહી છે. પહેલગામ હુમલા અગાઉ સારી કર્વોલીટીના કેસરની કિમતો સવાચારથી સાડાચાર લાખ રૂપિયે કિલોની હતી. પરંતુ ત્યારબાદ સ્થિતિ બદલાતાં બોર્ડર બંધ થતાં કેસર બજારમાં અચાનક લાલચોળ તેજી પકડાઈ છે.