
ગુજરાતમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવા જઇ રહ્યાં છે. તે ભાજપને 2017ની જેમ જ ગુજરાતમાં પડકાર આપવાની યોજના બનાવી રહ્યાં છે. જોકે, તેમના પ્લાનને લઇને ગુજરાત કોંગ્રેસમાં બધા ખુશ નથી. રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસના અધિવેશન દરમિયાન કેટલાક નેતા હૉલ છોડીને બહાર જતા રહ્યાં હતા, તેમનું કહેવું હતું કે હવે સહન કરવું મુશ્કેલ છે કારણ કે આ પ્લાન નિરાશાજનક છે.
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રસ્તાવને લઇને અસંતોષ
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રસ્તાવને લઇને નેતાઓમાં અસંતોષ જોવા મળ્યો છે. ઇન્ડિયા કન્વેશન સેન્ટરમાં ગુજરાતને લઇને નવો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં રાજ્યમાં જાતિગત જનગણના, અનુસૂચિત જાતિ અને જનજાતિઓ, પછાત અને લઘુમતીઓ પર વધુ ધ્યાન આપવાની વાત કહેવામાં આવી છે. કોંગ્રેસ ગુજરાતમાં સામાજિક ન્યાયને આગળ કરીને ચાલવા માંગે છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતા તેને ભૂલ માની રહ્યાં છે, તેમનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ પણ આ ભૂલ કરી હતી.
મળતી માહિતી અનુસાર એક નેતાએ કહ્યું, માધવસિંહ સોલંકીએ KHAM એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી,મુસ્લિમ ફોર્મુલા અપનાવવાને કારણે પાર્ટીને 1985માં 149 બેઠક મળી હતી. જોકે, તેનાથી પાટીદાર અને સવર્ણ અલગ થઇ ગયા હતા. 1990માં તેનું પરિણામ જોવા મળ્યું અને પાર્ટીને માત્ર 32 બેઠક મળી હતી. પાર્ટીના એક પદાધિકારીએ કહ્યું, આ રીતનો ઇતિહાસ સામે છે. મારૂ માનવું છે કે રાહુલ ગાંધીએ ગુજરાતને જાતિ આધારિત રાજનીતિથી અલગ જ રાખવા જોઇએ.
સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા પરેશ ધાનાણીએ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. રાહુલ ગાંધીનું માનવું છે કે આ ફોર્મુલાથી ગુજરાતમાં રિકવર કરવામાં તેમને ઘણી મદદ મળશે. કોંગ્રેસને ગત વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી ઓછી 17 બેઠકો મળી હતી. કેટલાક કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે આ રીતના દાવાથી ભલુ થવાનું નથી.
ગુજરાતમાં જાતિ આધારિત રાજકારણનો ઇતિહાસ
ગુજરાતનું રાજકારણ સ્વતંત્રતા પછીના સમયથી જાતિ આધારિત રહ્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાતમાં લાંબા સમય સુધી શાસન કર્યું પરંતુ 1990ના દાયકાથી ભારતીય જનતા પાર્ટી (BJP)નું રાજ્યમાં પ્રભુત્ત્વ રહ્યું છે.આ બંને પક્ષોએ જાતિના સમીકરણોનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા માટે કર્યો છે.
પાટીદારોનો પ્રભાવ: પાટીદાર સમાજ, જે ગુજરાતની લગભગ 16% વસ્તી ધરાવે છે, રાજકીય રીતે ખૂબ પ્રભાવશાળી રહ્યો છે. ઐતિહાસિક રીતે, પાટીદારોએ ગુજરાતના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓએ સ્વતંત્રતા સંગ્રામમાં અને પછી રાજકારણમાં પટેલ સમાજનો દબદબો સ્થાપિત કર્યો. 1970ના દાયકામાં ચીમનભાઈ પટેલે પણ રાજકીય રીતે મહત્ત્વની ભૂમિકા ભજવી. પાટીદારોની સમૃદ્ધિ અને સંગઠનશક્તિને કારણે તેઓ રાજકીય પક્ષો માટે મહત્ત્વના રહ્યા છે. જોકે, 2015માં હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું, જેણે રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવ્યો.આ આંદોલને દર્શાવ્યું કે સમૃદ્ધ હોવા છતાં, પાટીદાર સમાજ અનામતની માંગણી કરી શકે છે, જે રાજકીય પક્ષો માટે નવી ચૂનોતી બની.
ઓબીસી (OBC) સમાજની ભૂમિકા: ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી લગભગ 52% છે, જે તેમને રાજકીય રીતે ખૂબ મહત્ત્વના બનાવે છે. ઓબીસી સમાજમાં કોળી, બારીયા, ડફેર જેવી અનેક જાતિઓ સામેલ છે. 2022માં વિધાનસભા ચૂંટણી પહેલાં ઓબીસી સમાજને રિઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પ્રયાસો કર્યા હતા, જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27% અનામત આપવાની માંગનો સમાવેશ થતો હતો. ઓબીસી સમાજની મોટી વસ્તીને કારણે તેમના મતો ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
દલિત અને આદિવાસી સમાજ: ગુજરાતમાં દલિતોની વસ્તી લગભગ 7% અને આદિવાસીઓની વસ્તી 11% છે. આ બંને સમાજો માટે વિધાનસભામાં અનુસૂચિત જાતિ માટે 13 અને અનુસૂચિત જનજાતિ માટે 26 બેઠકો આરક્ષિત છે.