
Mallikarjun Kharge : કોંગ્રેસ પાર્ટી દ્વારા 64 વર્ષ બાદ ગુજરાતમાં અમદાવાદ ખાતે આજથી રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયુ છે. ત્યારે પ્રથમ દિવસે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરદાર પટેલ અને તેના વારસા મુદ્દેની લડતની આગને ફરી પ્રજ્વલિત કરી હતી. સરદાર-નહેરુનો મુદ્દો ફરી છંછેડતા આક્ષેપ લગાવ્યો હતો કે, સંઘ અને ભાજપ નેહરૂ અને સરદાર પટેલને એક બીજાના દુશ્મન તરીકે ચિતરી રહ્યા છે. પરંતુ ખરેખર સરદાર પટેલ અને જવાહરલાલ નેહરૂ એક સિક્કાની બે બાજુ સમાન છે.
ગાંધી વિચારધારાથી વિરૂદ્ધના લોકો ગાંધી સાથે સંકળાયેલી સંસ્થાઓ પર કબ્જો જમાવી બેઠા છેઃ મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન પાર્ટી અઘ્યક્ષ Mallikarjun Khargeએ ગંભીર આક્ષેપો સાથે ભાજપ અને સંઘ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લડવૈયાઓ સામે આરએસએસ અને ભાજપનું આયોજનબદ્ધ કાવતરું છે. તેઓને ન ગણનારા સંઘ પરિવાર કે જે પોતે આઝાદીની લડતમાં કોઈ યોગદાન ધરાવતો નથી. ત્યારે ભાજપ અને સંઘ સરદાર પટેલ તેમજ જવાહરલાલ નેહરૂને એક બીજાના દુશ્મન તરીકે ચિત્રે છે.
સરદાર-નેહરૂ ખરેખર એક સિક્કાની બે બાજુ સમાન
નેહરૂ અને સરદાર બંને પોતાને એક બીજા સાથે ખૂબ જ આનંદીત મહેસૂસ કરવા ઉપરાંત સાથે એકબીજા સાથેનું જોડાણ સાનુકુળ માનતા હતા. સરદાર-નેહરૂ ખરેખર એક સિક્કાની બે બાજુ સમાન હોવા છતાં ભાજપ-આરએસએસ દ્વારા તેઓને એક બીજાના દુશ્મન તરીકે ગણવાનું કાવતરુ કરવામાં આવ્યું છે. ભાજપ અને સંઘ દ્વારા એવી ભ્રામક વાતો ફેલાવવામાં આવે છે કે, સરદાર પટેલે જે માન-સમ્માનને હકાદર હતા તે કોંગ્રેસ દ્વારા અપાયું નથી. સરદાર પટેલની વિચારધારા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વિચારધારાથી વિપરીત હતી અને તેમણે સંગઠન પર પ્રતિબંધ પણ મુક્યો હતો.
ભાજપ-આરએસએસ પાસે સ્વતંત્રતાની લડતમાં યોગદાન બતાવવા કંઈ નથી
ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલને સમ્માન આપવા માટે અનેક કાર્યક્રમો કરવામા આવ્યા છે અને તેના દ્વારા કોંગ્રેસને સરદાર પટેલને હાંસિયામા ધકેલી દેવા માટે દોષીત ઠેરવવામા આવ્યા છે. કોંગ્રેસ વિરૂદ્ધ એવું ચિત્ર ઉભું કરવામા આવ્યું છે, એવો માહોલ ઉભો કરવામા આવ્યો છે કે સરદાર પટેલના વારસાને કોંગ્રેસ દ્વારા જાળવવામા આવ્યો નથી. જ્યારે બીજી બાજુ ભાજપ-આરએસએસ પાસે સ્વતંત્રતાની લડતમાં યોગદાન બદલ કશું જ લોકો સમક્ષ બતાવવા માટે નથી.
સરદાર પટેલ અમારા દિલોમાં છે અને અમારા વિચારોમાં જીવંત
કોંગ્રેસ અધ્યક્ષે આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ અને સંઘ પરિવાર દ્વારા ગાંધી સાથે સંકળાયેલી સંસ્થાઓ પર કબ્જો જમાવવામા આવી રહ્યો છે. પરંતુ ખરેખર તેઓ ગાંધી વિચારધારાથી વિરૂદ્ધના છે. ભાજપ-સંઘ દ્વારા વારાણસીમાં સર્વ સેવા સંઘ પણ લઈ લેવામા આવ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં શું થયુ તે તમામ જાણે છે. આવા લોકો ગાંધીજીની લાકડી અને ચશ્માને ચોરી શકે છે પરંતુ ગાંધીજીની વિચારધારાને નહીં અનુસરી શકે. ગાંધીજીના વિચારોનો વારસો એ ખરા અર્થમાં મુડી છે અને જેને કોંગ્રેસ પાર્ટી સાચવીને બેઠી છે. સરદાર પટેલ અમારા દિલોમાં છે અને અમારા વિચારોમાં જીવંત છે. અમે તેઓના વારસાને આગળ લઈ જઈ રહ્યા છીએ.