
કોંગ્રેસના કાર્યકરોએ આજે દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ ચાર્જશીટ દાખલ કર્યા છે. જેનો કોંગ્રેસ પાર્ટી દેશભરમાંવિરોધ કરી રહી છે.
પાર્ટીનો આરોપ છે કે કેન્દ્ર સરકાર રાજકીય વિરોધીઓને દબાવવા માટે EDનો દુરુપયોગ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ રાજ્ય મુખ્યાલયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીઓ સામે અને સંબંધિત રાજ્યોમાં જિલ્લા સ્તરે કેન્દ્ર સરકારની કચેરીઓ સામે કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોનું આયોજન કરી રહી છે.
પીએમ મોદી અને અમિત શાહ ડરાવવાનું કરે છે કામ
નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ ચાર્જશીટમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેના નામનો સમાવેશ કર્યો છે. ચાર્જશીટ દાખલ થયા બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગઈકાલે કહ્યું હતું કે, પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ ધાકધમકીનો આશરો લઈ રહ્યા છે.
શું છે આખો મામલો?
આ કેસની સુનાવણી 25 એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. કોર્ટે ED પાસેથી આ મામલાની કેસ ડાયરી પણ માંગી છે. 2012 માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલે સોનિયા, રાહુલ અને તેમની સહયોગી કંપનીઓ સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ, તપાસ દરમિયાન ટાંચમાં લેવાયેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ED એ દિલ્હી, લખનૌ અને મુંબઈમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોનો કબજો લેવા માટે નોટિસ જારી કરી હતી.
EDની ચાર્જશીટ બાદ કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પાર્ટીના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, જે એજન્સી દ્વારા લડાઈ કોર્ટમાં લઈ જવામાં આવી છે તેનો ઈરાદો ફક્ત વિપક્ષને હેરાન કરવાનો છે. ગુજરાતમાં કોંગ્રેસનું સત્ર ચાલુ થયું છે, રાહુલ ગાંધી મોડાસા પહોંચ્યા અને અહીં ચાર્જશીટ દાખલ થઈ. આ ઘટનાક્રમને સમજવો જોઈએ. ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનની સફળતા બાદ ED સફાળી જાગી છે.
કોંગ્રેસના નેતા સચિન પાયલટે કહ્યું કે, 'આ રાજકીય રીતે પ્રેરિત કેસ છે.' અમને ન્યાય વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે. અમે આની સામે કાનૂની લડાઈ લડીશું.