
ડોક્ટરની ક્લિનિકલ જાહેરાતને અવગણીને વીમા ક્લેઈમ નકારનાર રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને સુરત જિલ્લા ગ્રાહક ફોરમે કડક પાટો ફેરવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે દર્દીને દાખલ કરવો કે નહીં તેનો નિર્ણય માત્ર તબીબ જ લઈ શકે. વીમા કંપની નહીં. કોર્ટે આ આધારે દર્દીને રૂપિયા 1.42 લાખની રકમ ચૂકવવાનો કંપનીને આદેશ આપ્યો છે. જેનો રાજ્ય ગ્રાહક કમિશને પણ સમર્થન કર્યું છે.
ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા
કિશનદાસ તુલસીવાળાને 2016માં શ્વાસ લેવામાં તકલીફ અને છાતી દુખાવાની ફરિયાદ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર પછી રિલાયન્સ કંપનીએ તેમનો ક્લેઈમ “બિનજરૂરી દાખલાત” તરીકે રદ કર્યો હતો. જ્યારે દર્દી તરફે વકીલોએ દલીલ કરી કે, સારવારના પ્રકાર અને જરૂરીયાત અંગેનો નિર્ણય માત્ર તબીબ લઈ શકે છે.
ક્લેઈમ નામંજૂર કરાયો
દર્દી પોતાની મરજીથી દાખલ થતો નથી. કોર્ટે જણાવ્યું કે વીમા કંપનીએ યોગ્ય તપાસ કર્યા વિના અને સારવાર આપનાર તબીબનો સંપર્ક કર્યા વિના ક્લેઈમ રદ કર્યો જે દંડનીય છે. આ ચુકાદો ખાસ કરીને એવા વીમેદારો માટે આશાનું કિરણ સમાન છે જેમના ક્લેઈમ આધારો વિના નામંજૂર કરવામાં આવે છે.