Home / World : 2861 people lost their lives due to Corona in 28 days worldwide,

વિશ્વભરમાં 28 દિવસમાં કોરોનાથી 2861 લોકોએ જીવ ગુમાવ્યા, USમાં અઠવાડિયામાં 350થી વધુ મોત 

વિશ્વભરમાં 28 દિવસમાં કોરોનાથી 2861 લોકોએ જીવ ગુમાવ્યા, USમાં અઠવાડિયામાં 350થી વધુ મોત 

Corona Updates : દક્ષિણ એશિયામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના કેસ અંદાજે 700 જેટલા વધીને 1000થી વધુ થઈ ગયા છે ત્યારે અમેરિકામાં કોરોના વાયરસથી પ્રત્યેક સપ્તાહે 350 થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે તેમ અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન વિભાગે જણાવ્યું હતું. બીજીબાજુ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દાવો કર્યો છે કે દુનિયામાં 28 દિવસમાં કોરોનાથી 2861 લોકોનાં મોત નીપજ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાના સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) વિભાગના જણાવ્યા મુજબ કોરોના વાયરસથી ગયા મહિને પ્રત્યેક સપ્તાહે સરેરાશ 350 લોકોનાં મોત નીપજ્યાં હતા. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં નર્સિંગ લિડરશિપના પ્રોફેસર સીન ક્લાર્કે કહ્યું કે, કોરોના હવે વૈશ્વિક મહામારી નથી રહ્યો, પરંતુ તે હજુ પણ જીવલેણ છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં દુનિયામાં કોરોનાથી 70 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ મે 5, 2023ના રોજથી કોરોનાને વૈશ્વિક મહામારી ગણાવવાનું બંધ કરી દીધું છે. જોકે, WHO એ જણાવ્યું હતું કે, છેલ્લા 28 દિવસમાં કોવિડ-19 થી અમેરિકામાં 2100 સહિત 2861 લોકોનાં મોત થયા છે. છેલ્લા કેટલાક સમયમાં કોરોના પીડિત દર્દીઓનું હોસ્પિટલમાં દાખલ થવાનું અને ઈમર્જન્સી વિભાગની મુલાકાતોનું પ્રમાણ વધી ગયું છે.

ડયુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના પ્રોફેસર ડૉ. ટોની મૂડીએ જણાવ્યું કે, હકીકત એ છે કે આપણે હજુ પણ કોરોનાથી મોત થતાં હોવાનું જોઈ રહ્યા છીએ. એનો અર્થ એ છે કે કોરોના વાયરસ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને લોકો તેના સંપર્કમાં આવી રહ્યા છે.

પાંચ વર્ષ પછી પણ કોરોનાથી હજારો લોકોનાં મોત
નિષ્ણાતોએ જણાવ્યું કે, અમેરિકન સરકારે કોરોના મહામારીને જાહેર સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કર્યાના પાંચ વર્ષ પછી પણ કોરોનાથી હજારો લોકોનાં મોત થઈ રહ્યાં છે.  વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેનટ્રમાં પ્રિવેન્ટિવ મેડિસિનના પ્રોફેસર ડૉ. વિલિયમ શાફનરે જણાવ્યું કે, કોરોના વાયરસ હવે આપણા જીવનનો ભાગ બની ગયો છે. કોવિડ હવે ક્યાંય જઈ રહ્યો નથી અને તેનાથી હજુ પણ પ્રત્યેક વર્ષે સેંકડો લોકોનાં મોત થઈ રહ્યા છે.

કોવિડ-19 ના નવા વેરિઅન્ટ
સીડીસીના જણાવ્યા મુજબ કોવિડ-19 ના નવા વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે, જે ચીનમાં વાયરલ ચેપના મોટા ઉછાળા સાથે સંકળાયેલા છે. અમેરિકન એરપોર્ટ્સ પર પણ નવા વેરિઅન્ટ્સના કેસ નોંધાયા છે. વોશિંગ્ટન સ્ટેટ, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક સિટી વિસ્તાર અને વર્જિનિયામાં વિદેશી પ્રવાસીઓના આગમનમાં સીડીસી એરપોર્ટ સ્ક્રિનિંગ કાર્યક્રમ મારફત નવો વાયરસ એનબી.1.8.1 ડીટેક્ટ થયો છે.

ગ્લોબલ ઈનિશિયેટીવ ઓન શેરિંગ ઓલ ઈન્ફ્લુએન્ઝા ડેટા (જીઆઈએસએઆઈડી) પર ઉપલબ્ધ ડેટા દર્શાવે છે કે મોટાભાગના કેસ જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, ચીન અને અન્ય દેશોમાંથી આવેલા પ્રવાસીઓમાં ડીટેક્ટ થયા છે. અમેરિકામાં એપ્રિલ 22 થી મે 12 વચ્ચે કોરોના વાયરસ અંગેનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઓહાયો, રોડ આઈલેન્ડ અને હવાઈ સહિત અમેરિકાના અન્ય રાજ્યોમાં પણ NB.1.8.1 વેરિઅન્ટના કેસ નોંધાયા હતા. આ કેસ એરપોર્ટ કેસોથી અલગ નોંધાયા છે તેમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું. અમેરિકામાં અતિ જોખમી જૂથના લોકોમાં કોરોનાની બીમારીથી મોતનું જોખમ હજુ પણ ઊંચું છે. અમેરિકામાં રસીકરણનો નીચો દર, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને સારવારની અછત કોરોનાના ફેલાવા માટે જવાબદાર છે.

કોરોના હવે સિઝનલ ફ્લૂ સમાન, ગભરાવાની જરૂર નથી : સીએમ રેખા ગુપ્તા

દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. જોકે, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો લોકોને વિશ્વાસ અપાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના હવે એક સિઝનલ ફ્લૂ સમાન છે અને તેના અંગે કોઈપણ પ્રકારની ઈમર્જન્સી જેવી સ્થિતિ નથી. કોરોના અંગે હવે કોઈ ચેતવણી જેવી સ્થિતિ નથી. તે શરદી-ખાંસીની જેમ સામાન્ય વાયરલ સંક્રમણ સમાન છે. તેમણે લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી અને સમજદારીથી કામ લેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આપણી હોસ્પિટલો સંપૂર્ણપણે સાવધ છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. દિલ્હી સરકારે ગયા સપ્તાહે જ હોસ્પિટલોને તૈયાર રહેવા નિર્દેશ આપ્યા હતા, જેમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને વેક્સીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. નિષ્ણાતોએ પણ કહ્યું કે, કોરોના હવે સંપૂર્ણપણે નિયંત્રિત છે અને સિઝનલ બીમારી સમાન ધીમે ધીમે સામાન્ય ફ્લુ જેવી થઈ ગઈ છે. જોકે, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

 

Related News

Icon