Home / Gujarat / Gandhinagar : Clumsy management of Women's Economic Development Corporation exposed

ડેકોરેશનના નામે મલાઈનો વેપલો, મહિલા આર્થિક વિકાસ નિગમનો અણઘડ વહિવટ ખુલ્લો પડ્યો

ડેકોરેશનના નામે મલાઈનો વેપલો, મહિલા આર્થિક વિકાસ નિગમનો અણઘડ વહિવટ ખુલ્લો પડ્યો

ગુજરાત સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરનારા સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ કદાચ મહિલા આર્થિક વિકાસ નિગમ તરફ સરકારનું ધ્યાન ગયું નહીં હોય. એટલે જ બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ગંધ આવી રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

૩ વર્ષમાં જનતાના 12 કરોડથી વધુ રૂપિયાનો અણઘડ વહીવટ જોવા મળ્યો

વાત જાણે એમ છે કે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી જનતાના કરોડો રૂપિયાનો અંધાધૂંધ વહિવટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 વર્ષથી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડના અનેક કાર્યક્રમોમાં અને ખાસ કરીને છેલ્લા ૩ વર્ષમાં જનતાના 12 કરોડથી વધુ રૂપિયાનો અણઘડ વહીવટ જોવા મળ્યો છે. અમદાવાદમાં સીજી રોડ પાસે આવેલી એક ડેકોરેટર્સ કંપની પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડના જવાબદાર અધિકારીઓનો અખૂટ પ્રેમ હોય તેમ તેમને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે.

3 કાર્યક્રમોમાં 1.20 કરોડ વધુ ચુકવાયા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સાપુતારા, બોપલ અને સુરત ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે નિગમના જવાબદાર અધિકારીએ છેલ્લા ત્રણ વર્ષમાં  જનતાના 12 કરોડથી વધુ રૂપિયાનો અણઘડ વહીવટ કર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. સાપુતારા ખાતે આયોજિત કાર્યક્રમમાં 19,76,729 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અમદાવાદ- બોપલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 54,11,950 રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો જ્યારે સુરત ખાતે આયોજિત કાર્યક્રમ માટે ડેકોરેટર્સને 47,48,427 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. આ ત્રણેય જગ્યાએ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમ માટે અંદાજે 1 કરોડ ૨૦ લાખ રૂપિયાથી વધુ રકમનો જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો છે. 

 આ ત્રણેય કાર્યક્રમના આયોજન માટે એજન્સીએ બિલિંગમાં જે ભાવ ભર્યા છે તેટલા રૂપિયામાં તો સરકાર પોતે પણ નવી વસ્તુ ખરીદી શકે. અરે નવી ખરીદી કરે તો પણ આટલો ખર્ચો ન આવે.  

  • કાપડની દિવાલ એક રનીંગ મીટરનો 500 રૂપિયા ભાવ, જ્યારે નવી દિવાલ માટે કાપડ ખરીદી ભાવ 30 રૂપિયા મીટર
  • ફ્લેક્સ બેનર એક ચોરસ ફુટનો ભાવ 150 રૂપિયા, જ્યારે બજાર કિંમત ₹40 રૂપિયા ચોરસ ફૂટ
  • મુવી સિરીઝ એક રનિંગ મીટરનો ભાવ 175 રૂપિયા, બજાર ખરીદી ભાવ ₹40 રનિંગ મીટર
  • એગ્રોનેટ એક ચોરસ ફૂટનો ભાવ 8 રૂપિયા, નવીન ખરીદી કિંમત 3 રૂપિયા ચોરસ ફૂટ
  • એલ્યુમિનિયમ જર્મન રૂમ (ગ્રીન રૂમ ) એક ચોરસ ફૂટનો ભાવ 125 રૂપિયા, એક્ચ્યૂલ ભાવ ₹25 ચોરસ ફૂટ
  • પેવર બ્લોક 1 ચોરસ ફૂટનો ભાવ ₹500 રૂપિયા, નવા પે બ્લોક ખરીદીનો ભાવ ₹ 40 ચોરસ ફુટ
  • પ્લાયવુડ દિવાલ 450 રૂપિયા ચોરસ ફૂટ, નવીન પ્લાયવુડ ખરીદી ₹50 ચોરસ ફૂટ
  • ગ્રીન આર્ટિફિશિયલ ગ્રાસ એક ચોરસ ફૂટના ₹1,000, જ્યારે નવીન ગ્રાસની ખરીદી ₹30 ચોરસ ફુટ
  • ટ્રસ્ટ મંડપ એક ચોરસ ફૂટના ₹100, જ્યારે બજારભાવ 15 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ

આ આંકડા જોઈને તમે જ સમજો. કદાચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચેમ્બર કે સરકારી બંગલામાં કામ કરવાનું હોય તો પણ આટલી મોંઘી વસ્તુઓનો ઉપયોગ નહિ થતો હોય ત્યારે સવાલ એ ઉઠે કે ખરેખર આટલો ખર્ચ જનતા માટે થયો છે ખરો? 

GR માં ફેરફાર કરવા ધમપછાડા 

છેલ્લા કેટલાય વર્ષોથી આજ કંપનીને રીન્યુ  કરવામાં આવી રહી છે. આટલા મસમોટા ભાવ હોવા છતાં આજ કંપની પર "વિશાળ" પ્રેમ કેમ ? ડેકોરેટર્સ વિભાગના જ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે કે આમ તો ટેન્ડર રીન્યુ કરવા માટે કોઈ GRની જોગવાઈ નથી છતાંય આ કંપની તેમજ અધિકારીઓને ફાયદો થાય તે માટે થઈને આ કંપનીને ત્રણ વર્ષ માટે સતત ટેન્ડર રીન્યુ કરવામાં આવ્યું.  સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિગમના આ અધિકારી લિમિટેડ કંપની જ ટેન્ડર ભરે તે માટે GR માં ફેરફાર કરવા ધમપછાડા કરી રહી છે. 

વહીવટમાં મલાઈ મેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું

રાજ્યમાં જ્યાં આવા પ્રકારનો પ્રજાના પૈસાનો ધુમાડો થતો હોય ત્યારે અધિકારીઓ તો સતર્ક હોય જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર IAS અધિકારીઓ આ કરોડો રૂપિયાના વહીવટમાં મલાઈ મેળવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આમ આ કંપની દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી કોન્ટ્રાક્ટ મેળવીને કરોડો રૂપિયાનો વહીવટ કરી રહ્યા છે. જેમાં સરકારી અધિકારીઓ, IAS સહિત જવાબદાર અધિકારીઓનું મેળાપીપણું હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે આટલા મોટા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય અને તેનું બિલ પણ ચેક કર્યા વગર પાસ થઈ જાય. એટલે એવું કહી શકાય કે આમાં સરકારી બાબુઓ પણ મલાઈ મેળવી રહ્યા છે.

Related News

Icon