
બ્રાઝિલનું સસ્તુ રૂ અને ઘરઆંગણે નીચા ઉત્પાદનને પરિણામે 2024-25ની વર્તમાન રૂ મોસમમાં દેશમાંથી રૂની નિકાસ ઘટી 15 લાખ ગાંસડી રહેવા અંદાજ છે.
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ) દ્વારા જારી કરાયેલા અંદાજ પ્રમાણે, વર્તમાન મોસમમાં રૂની નિકાસ 13.36 લાખ ગાંસડી ઓછી થશે જે ગઈ મોસમમાં 28.35 લાખ ગાંસડી રહી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાઝિલનું રૂ સસ્તામાં મળી રહ્યું છે અને ભારતના રૂની સરખામણીએ સાત ટકા નીચા ભાવે ઉપલબ્ધ છે. આ ઉપરાંત દેશનું રૂ ઉત્પાદન વર્તમાન મોસમમાં 11 ટકા જેટલુ નીચું જોવાઈ રહ્યું છે, જેને કારણે આપણી રૂ આયાતમાં વધારો થયો છે, તેમ સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું.
2024-25ની વર્તમાન મોસમમાં રૂની આયાત ગઈ મોસમની સરખામણીએ 17.80 લાખ ગાંસડી વધી 33 લાખ ગાંસડી રહેવા અપેક્ષા છે. 2023-24ની મોસમમાં 327.45 લાખ ગાંસડીની સરખામણીએ વર્તમાન મોસમમાં રૂનું ઉત્પાદન 291.35 લાખ ગાંસડી રહેવા ધારણા છે.
એપ્રિલના અંત સુધીમાં રૂનો કુલ પૂરવઠો 325.89 લાખ ગાંસડી રહ્યો હતો જ્યારે વપરાશ આ ગાળામાં 185 લાખ ગાંસડી થયો છે અને નિકાસ 10 લાખ ગાંસડી થઈ છે. સપ્ટેમ્બરના અંતે સમાપ્ત થનારી વર્તમાન રૂ મોસમમાં રૂનો એકંદર વપરાશ 307 લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાયો છે. મિલો રૂને બદલે મેન મેડ ફાઈબરનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહી હોવાથી રૂના વપરાશમાં ઘટાડો જોવાઈ રહ્યો છે.
એપ્રિલના અંત સુધીમાં કુલ 130.89 લાખ ગાંસડી સ્ટોક સિલક રહ્યાનો અંદાજ છે જેમાંથી 35 લાખ ગાંસડી મિલો પાસે અને 95.89 લાખ ગાંસડી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ટ્રેડરો, જિનર્સ વગેરે પાસે હોવાનું પણ જણાવાયું હતું.