સુરતના માં આજે એક માનવતા અને જાગૃતતા દર્શાવતી ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં આવેલા અંજલી ફાટક પાસે ટ્રાફિક પોલીસ ડ્યૂટીમા હતા. ત્યારે અચાનક એક વૃદ્ધ વ્યક્તિ ઢળી પડ્યા હતાં. તપાસ કરતા ખબર પડી કે વૃદ્ધને હાર્ટઅટેક આવ્યો છે. જેથી ઘટનાને ગંભીરતાથી લેતાં સર્કલ 12ના TRB જવાન હર્ષ સુરેન્દ્રભાઈ અને રાજ પ્રદીપભાઈએ તરત જ આ વૃદ્ધ વ્યક્તિને મદદ માટે દોડી ગયા. બંને જવાનોએ તરત CPR (કાર્ડિયોપલમોનરી રિસસિટેશન) આપી અને તાત્કાલિક પ્રાથમિક સારવાર શરૂ કરી. CPR દરમ્યાન વૃદ્ધના શ્વાસમાં જરાક સ્થિરતા આવી અને ત્યારબાદ એમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
લોકોએ કામગીરી બિરદાવી
ઘટનાના સમયે અન્ય ટ્રાફિક જવાનોએ પણ સમજદારી દાખવીને ટ્રાફિક નિયંત્રણમાં રાખ્યો હતો. ડોકટરોના મતે, જો તરત CPR ન આપવામાં આવત તો વૃદ્ધનો જીવબચાવવો મુશ્કેલ હતો. પોલીસના જવાનોએ ફરજની સાથે માનવતાનો પણ દાખલો આપ્યો છે.આ ઘટના એક મહત્ત્વનો સંદેશ આપે છે કે ટ્રાફિક જવાનો માત્ર વાહન વ્યવહાર જ નહિ, પણ માનવ જીવન બચાવવાની ભૂમિકા પણ ભજવી શકે છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા TRAFFIC POLICEના આ કાર્યને વખાણવામાં આવ્યું હતું.