Home / Gujarat / Gandhinagar : BJP will get a new president soon

ભાજપને ટૂંક સમયમાં મળશે નવા અધ્યક્ષ, આ નેતાના ગુજરાત પ્રવાસની જોવાઈ રહી છે રાહ

ભાજપને ટૂંક સમયમાં મળશે નવા અધ્યક્ષ, આ નેતાના ગુજરાત પ્રવાસની જોવાઈ રહી છે રાહ

ભાજપે પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ પહેલા વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની નિમણૂંક તેજ બનાવી છે. ભાજપ દેશના (37) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોતાનું સંગઠન ધરાવે છે. રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ માટે ભાજપના બંધારણ મુજબ ઓછામાં ઓછા 50 ટકા પ્રમુખોની નવી નિમણૂક થવી જરૂરી છે. છેલ્લા બે દિવસમાં નવા પ્રદેશ પ્રમુખો નિમાઈ રહ્યા છે. તે જોતાં ગુજરાતમાં સીઆર પાટીલના સ્થાને જલદીથી નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જેપી નડ્ડાના સ્થાને નવા કેન્દ્રીય અધ્યક્ષની પસંદગી થશે

ભાજપમાં લાંબા  અંતરાલ બાદ હવે પ્રદેશ પ્રમુખોની નિમણૂંક થઈ રહી છે. ભાજપના આંતરિક બંધારણ મુજબ દેશમાં પ્રદેશ પ્રમુખો પૈકી 50 ટકાની નિયુક્તિ બાદ કેન્દ્રીય અધ્યક્ષની વરણી થાય છે. અર્થાત 19 રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પછી જેપી નડ્ડાના સ્થાને નવા કેન્દ્રીય અધ્યક્ષની પસંદગી થશે. જેપી નડ્ડાના સ્થાને નવી નિયુક્તિ પછી ગુજરાતમાં સીઆર પાટીલના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થાય તેવી સંભાવના છે. જો આ પ્રક્રિયામાં ત્રણ મહિનાનો સમય વિતી જશે તો ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પાલિકા-પંચાયત ચૂંટણી પછી મળશે.

20મી જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ તરીકે પાંચ વર્ષ પૂરા કરશે

ભાજપે ગુજરાત નિરીક્ષણ અને ચૂંટણી અધિકારી તરીકે નિમેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત ક્યારે આવે તેની રાહ જોવાઈ રહી છે. તેઓ ગુજરાત આવતાં જ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંકની પ્રક્રિયા તેજ થશે. જણાવી દઈએ કે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ 18 દિવસ પછી એટલે કે 20મી જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ તરીકે પાંચ વર્ષ પૂરા કરશે. કેન્દ્રીય અધ્યક્ષની નિમણૂંક બાદ જ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ મળે તેવી સંભાવના છે. 

ભાજપ હાઈકમાન્ડે 1 જુલાઈના રોજ મહારાષ્ટ્ર, હિમાચલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બિનહરીફ પ્રદેશ પ્રમુખ પસંદ કર્યા છે. આ સિવાય મધ્યપ્રદેશમાં હેમંત વિજય ખંડેલવાલે પણ બિનહરીફ નામાંકન ભર્યું. જો કે, બુધવારે તેની જીતની સત્તાવાર જાહેરાત કરાશે. જણાવી દઈએ કે, ટૂંક સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પણ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ

મહારાષ્ટ્રમાં રવીન્દ્ર ચવ્હાણને બિનહરીફ રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ પસંદ કરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌને આ વાતની ઉત્સુકતા હતી કે, મહારાષ્ટ ભાજપની કમાન કોણ સંભાળશે, પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. રવીન્દ્ર ચવ્હાણ પહેલા જ મહારાષ્ટ્ર ભાજપાના કાર્યકારી અધ્યક્ષના પદ પર હતા એટલા માટે ભાજપમાં સહમતિ હતી કે તેઓ આ પદ માટે અનુકૂળ વ્યક્તિ છે. યોજનાના અનુસાર, તેમનું નામ પ્રદેશ પ્રમુખની પસંદગી માટે દિલ્હી મોકલાયું હતું. આ પ્રક્રિયામાં કોઈ અન્ય નેતાએ આવેદન નથી કર્યું, એટલા માટે આજે રવીન્દ્ર ચવ્હાણને બિનહરીફ ભાજપના પ્રદેશ પ્રમુખ ચૂંટાયા છે.

ઉત્તરાખંડના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટ

ઉત્તરાખંડમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પદ પર મહેન્દ્ર ભટ્ટ સતત બીજી વખત ચૂંટાયા છે. પ્રદેશ પ્રમુખ પદ પર નામાંકનની પ્રક્રિયામાં માત્ર ભટ્ટનું જ નામાંકન થયું હતું. રાષ્ટ્રીય પરિષદ સભ્ય માટે પૂર્વ મુખ્યમંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંક, ત્રિવેન્દ્ર સિંહ રાવત, તીરથ સિંહ સહિત આઠ વરિષ્ઠ નેતાઓને પસંદ કરાયા છે.

હિમાચલ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કોની પસંદગી?

હિમાચલ પ્રદેશમાં રાજીવ જિંદલને ત્રીજી વખત પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં પીએનવી માધવ અને તેલંગાણામાં રામચંદર રાવની પસંદગી થઈ છે. મિઝોરમના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ડૉ. કે. બેઇચુઆને બનાવાયા છે. આંદામાન અને નિકોબારના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ અનિલ તિવારીને બનાવાયા છે. 

મધ્યપ્રદેશના નવા ભાજપ પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાર!

મધ્યપ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાર હશે. જોકે, તેની સત્તાવાર જાહેરાત બાકી છે. બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આજે ખંડેલવાલે ભાજપ કાર્યાલયમાં પોતાનું નામાંકન પત્ર જમા કર્યું. જણાવી દઈએ કે, ખુદ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ ખંડેલવાલના પ્રસ્તાવક બન્યા અને તેમનું નામાંકન પત્ર જમા કરાવ્યું.

Related News

Icon