
આજ કાલ લોકો ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ન કરતાં હોય તેવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. જો તમે પણ એવા લોકોમાંના એક છો જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તો તમને જણાવી દઈએ કે દેશની બે મોટી ખાનગી બેંકો તેમના ક્રેડિટ કાર્ડ નિયમોમાં કેટલાક ફેરફાર કરી રહી છે.
આ નવા ફેરફારો 1 જુલાઈ, 2025થી અમલમાં આવશે. આ બે બેંકોના નામ એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંક છે. આ બંને બેંકો તેમના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે.
એચડીએફસી બેંકના નવા ક્રેડિટ કાર્ડ નિયમો
એચડીએફસી બેંક દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક છે. આ બેંકના નવા ક્રેડિટ કાર્ડ નિયમો અનુસાર, જો એચડીએફસી બેંકનો ગ્રાહક ડ્રીમ11, રમીકલ્ચર, જંગલી ગેમ્સ અથવા એમપીએસ જેવા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર મહિનામાં 10,000 રૂપિયાથી વધુ ખર્ચ કરે છે, તો તેણે કુલ ખર્ચના 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ 4,999 રૂપિયાથી વધુ ન હોઈ શકે. નવા નિયમો અનુસાર, ગેમિંગ વ્યવહારો પર કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવશે નહીં.
તમારા એચડીએફસી ક્રેડિટ કાર્ડથી પેટીએમ, મોબીક્વીક, ફ્રી ચાર્જ અથવા ઓલા મની જેવા થર્ડ-પાર્ટી વોલેટમાં મહિનામાં 10,000 રૂપિયાથી વધુ ઉમેરવા પર પણ આ જ ચાર્જ લાગુ પડશે. આ ઉપરાંત, આ 1 ટકા ચાર્જ યુટિલિટી પેમેન્ટ પર પણ લાગુ પડશે.
જો તમારું બિલ ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ છે. તો આમાં વીમા ચુકવણીનો સમાવેશ થતો નથી. આ સાથે, એચડીએફસી બેંકે ભાડું, ફ્યુઅલ અને શિક્ષણ સંબંધી નાણાકીય વ્યવહારો માટે ચાર્જ મર્યાદામાં પણ ફેરફાર કર્યો છે. આના પર વસૂલવામાં આવતો ચાર્જ પણ પ્રતિ વ્યવહાર ૪,૯૯૯ રૂપિયાથી વધુ નહીં હોય.
આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડ માટે નવા નિયમ
આઇસીઆઇસીઆઇ બેંક પણ દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક છે. આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડના નવા નિયમો અનુસાર, હવે ફક્ત તે ગ્રાહકોને જ મફતમાં ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની સુવિધા મળશે, જેમણે છેલ્લા ક્વાર્ટરમાં તેમના કાર્ડમાંથી ઓછામાં ઓછા 75,000 રૂપિયા ખર્ચ કર્યા છે. આ સુવિધા ફક્ત 3 મહિના માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, બેંકે તેની કેટલીક અન્ય સેવાઓના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે.
આઇસીઆઇસીઆઇ બેંક હવે રોકડ ડિપોઝિટ, ચેક ડિપોઝિટ અને DD અને PO ટ્રાન્ઝેક્શન માટે અલગથી ચાર્જ લેશે. આઇસીઆઇસીઆઇ બેંકના ગ્રાહકોએ હવે દરેક 1,000 રૂપિયા માટે 2 રૂપિયા ચૂકવવા પડશે, પરંતુ લઘુત્તમ ચાર્જ 50 રૂપિયા અને મહત્તમ ચાર્જ 15,000 રૂપિયા રહેશે.
3 મફત એટીએમ વ્યવહારો પછી, આઇસીઆઇસીઆઇ બેંકે નાણાકીય વ્યવહારો માટે 23 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહારો માટે 8.5 રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે.