
1995થી 2004 દરમિયાન પોતાની ટોળકી સાથે મળી 100થી પણ વધારે હત્યા કરનારા કુખ્યાત સિરિયલ કિલર ડૉક્ટર દેવેન્દ્ર શર્માને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. જુન 2023માં બે મહિનાની પેરોલ પર છૂટી જેલમાંથી બહાર આવેલો ડોક્ટર રાજસ્થાનમાં દૌસામાં એક આશ્રમ બનાવી બાબા બની ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે BAMS ડોક્ટર દેવેન્દ્રની દૌસામાંથી ધરપકડ કરી છે. ડોક્ટરે એક દશકા સુધી રાજસ્થાનમાં પોતાની હોસ્પિટલ ચલાવી તેમાં કિડનીના કૌભાંડો પણ આચર્યા હોવાનું જણાયું છે. 1998થી 2004 દરમિયાન તેણે ડૉક્ટર અમિત સાથે મળી ગેરકાયદે 125 દર્દીઓ પર કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન્સ પણ કર્યા હતા. 2004માં તેની ધરપકડ થતાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું કૌભાંડ છતું થયું હતું.
દેવેન્દ્ર શર્મા સામે હત્યાના 21 કેસમાં ચાર્જશીટ દાખલ, એકમાં આજીવન જ્યારે બીજા કેસમાં ફાંસીની સજા
સિરિયલ કિલર ડૉક્ટર દેવેન્દ્ર શર્મા સામે હત્યાના 21 કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઇ ચૂકી છે. દિલ્હીમાં સાત કેસોમાં શર્માને આજીવન કારાવાસની અને એક કેસમાં ફાંસીની સજા પણ થઇ ચૂકી છે. આમ છતાં નવ જુને તેને બે મહિનાની પેરોલ પર છોડવામાં આવ્યો હતો. એ પછી તે પેરોલ જમ્પ કરી ફરી પાછો સરેન્ડર થયો નહતો. તે રાજસ્થાનના દૌસામાં આશ્રમ બનાવી ત્યાં બાબા બની ગયો હતો. જ્યાં તે લોકોનો ફરી ઇલાજ કરવા અને તેમને દવા આપવા માંડ્યો હતો.
પેરોલ જમ્પ કરી ગયેલાં શર્માને ઝડપવા પોલીસે છ મહિના સુધી જયપુર, દિલ્હી, અલીગઢ, આગ્રા અને પ્રયાગરાજમાં તેની શોધ ચલાવી હતી. દરમિયાન તે દૌસામાં હોવાની જાણ થતાં પોલીસે ત્યાં જઇ તેની ધરપકડ કરી હતી. ઉલટતપાસમાં તેણે જણાવ્યું હતું કે તે 2020માં પણ આવી જ રીતે પેરોલ મેળવી ગાયબ થઇ ગયો હતો. એ સમયે પોલીસે તેને જેલ અધિકારીઓને સોંપી દીધો હતો. બિહારમાં BAMS કરનાર શર્માના પિતા સિવાનમાં એક ફાર્મા કંપનીમાં નોકરી કરતાં હતા. 1984માં શર્માએ ભણતર પુરૂ કરી દૌસામાં પોતાનું જનતા ક્લિનીક શરૂ કરી દીધું હતું. જ્યા તેણે 11 વર્ષ ડોક્ટરી કરી હતી. એ પછી તેના ક્લિનીક પર ટાવર લગાવવાના બહાને તેની સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતાં તેને ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
ડોક્ટર હત્યા કરી લાશને મગરોને ખવડાવતો
શરૂઆતમાં શર્મા બનાવટી ગેસ એજન્સીના નામે છેતરપિંડી કરતો હતો. બાદમાં તેણે પોતાની ટોળકી બનાવી લીધી હતી. તે ટેક્સી અને ટ્રક બુક કરી ડ્રાઇવરોની હત્યા કરી તેમના શબ મગરોને ખવડાવી દઇ તેમના વાહનો બજારમાં વેચી મારતો હતો. શર્માના જણાવ્યા અનુસાર તેને 30 હત્યા સુધીની ગણતરી યાદ છે એ પછી તેણે ગણતરી પણ રાખી નથી કે તેના હાથે કેટલા મોત થયા છે.