Home / GSTV શતરંગ : Missing woman, skeleton and police system: A story mixed with humor and tragic interest

શતરંગ / ગુમ મહિલા, હાડપીંજર અને પોલીસ તંત્ર: હાસ્ય અને કરૂણ રસની મિશ્રકથા

શતરંગ / ગુમ મહિલા, હાડપીંજર અને પોલીસ તંત્ર: હાસ્ય અને કરૂણ રસની મિશ્રકથા

- જજસાહેબે કહ્યું કે ભારત આઝાદ થયું એ પછી પોલીસખાતાની આવી ગંભીર બેદરકારીનો આ માત્ર ત્રીજો કે ચોથો જ કેસ છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- કુરૂબરા સુરેશ

- સુરેશ- મલ્લિગેની જૂની છબી

- હોટલમાં ગણેશ સાથે મલ્લિગે

આ જ સુધીની બધી ક્રાઈમ કથાઓમાં ગુનેગાર પુરુષ કે સ્ત્રીની પોલીસ ધરપકડ કરે એવો અંત આવ્યો છે, પરંતુ આજની કથા થોડી અલગ છે. જ્યારે  મારકણા માસ્તરને સ્કૂલના પ્રિન્સિપાલ ક્લાસમાં આવીને વિદ્યાર્થીઓની હાજરીમાં કચકચાવીને ધમકાવે ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ આનંદ થતો હોય છે. કંઈક આવી જ પરિસ્થિતિ તારીખ ૪-૪-૨૦૨૫ ના દિવસે કર્ણાટકના મૈસૂર જિલ્લામાં ઊભી થઈ હતી. મૈસૂરની પાંચમી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ ગુરૂરાજ સોમક્કલાવર બોલી રહ્યા હતા ત્યારે એમના અવાજમાં પીડાની સાથે આક્રોશ હતો. એમની સામે મૈસૂર જિલ્લાના પોલીસ વડા (SP) એન. વિષ્ણુવર્ધન અદબ વાળીને ઊભા હતા. એમની પાસે કોડાગુ જિલ્લાના પોલીસ વડા નીચું જોઈને ઊભા હતા. એમની સાથે એમના તાબાના બેટ્ટાડારાપુરા પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓની હાલત કાપો તો લોહી ના નીકળે એવી દયામણી હતી. હવે શું થશે એ વિચારીને એ ફફડી રહ્યા હતા. જજસાહેબ એમને જે આકરા સવાલો પૂછી રહ્યા હતા, એના તાત્કાલિક જવાબ આપવાની એમનામાં તાકાત નહોતી. જજસાહેબે કહ્યું કે ભારત આઝાદ થયું એ પછી પોલીસખાતાની આવી ગંભીર બેદરકારીનો આ માત્ર ત્રીજો કે ચોથો જ કેસ છે. એમણે મૈસૂર જિલ્લાના પોલીસ વડાને તેર દિવસનો સમય આપીને આદેશ આપ્યો કે કોડાગુ જિલ્લાના વડાને મેં જે જે સવાલો પૂછયા છે એના જવાબ માટે પૂરેપૂરી તપાસ કરીને તારીખ ૧૭-૪-૨૦૨૫ સુધીમાં કોર્ટમાં તમારો રિપોર્ટ આપો!

હવે આ આખી વાત જોઈએ. કર્ણાટકના કોડાગુ જિલ્લાના કુશલનગર તાલુકામાં બસવનાહલ્લી આદિવાસી કેમ્પમાં અનેક શ્રમજીવી પરિવારો રહે છે. આ આદિવાસીઓ દાડિયા તરીકે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં કુરૂબરા પરિવાર પણ આવી જ રીતે રહેતો હતો. વૃધ્ધ માતા અને પિતા સાથે રહેતા સુરેશના લગ્ન તો અઢાર વર્ષની ઉંમરે જ થઈ ગયા હતા. એની પત્નીનું નામ મલ્લિગે. સુરેશ અને મલ્લિગેને બે સંતાન હતા. પુત્ર ક્રિષ્ણા અને એનાથી ચાર વર્ષ નાની પુત્રી કીત. આખો પરિવાર મહેનત-મજૂરી કરીને સંતોષથી જીવતો હતો.

બાર ડિસેમ્બર, ૨૦૨૦ ના દિવસે એ પરિવાર ઉપર આભ તૂટી પડયું. રાત્રે આખો પરિવાર સાથે જમ્યો હતો, પણ સવારે જોયું તો મલ્લિગે ઘરમાં નહોતી. સુરેશ, ક્રિષ્ણા અને કીર્તિ -ત્રણેય જણાએ આખા કેમ્પમાં દોડાદોડી કરીને મલ્લિગેને શોધવા મથામણ કરી, પણ મલ્લિગે એવી રીતે ગૂમ થઈ ચૂકી હતી કે ક્યાંયથી એનો પત્તો ના મળ્યો. સુરેશના પિતા તો માંદા હતા, પણ વૃધ્ધ માતા પુત્રવધૂને શોધવા માટે બધે ફરી વળી, પરંતુ મલ્લિગે ના મળી.

નિરાશામાં ડૂબેલો આખો પરિવાર સાંજ સુધી ભૂખ્યો બેસી રહ્યો. સાંજે સુરેશનો મિત્ર નંદુ (આ નામ કાલ્પનિક છે.) ત્યાં આવ્યો. એણે બધાને સમજાવ્યું કે આવી રીતે બેસી રહેવાનો કોઈ અર્થ નથી, તમે પોલીસમાં ફરિયાદ નોંધાવશો, તો મલ્લિગે ગમે ત્યાં હશે, ત્યાંથી પોલીસ એને પકડી લાવશે. સુરેશ ઊભો થયો અને નંદુની સાથે કુશલનગર રૂરલ પોલીસસ્ટેશને ગયો. મલ્લિગેનો ફોટો આપીને એણે ફરિયાદ નોંધાવી કે મારી પત્ની ગૂમ થઈ ગઈ છે. પોલીસે પૂછયું કે તમને કોઈના ઉપર શંકા છે? નંદુ કંઈક બોલવા જતો હતો , પણ એને અટકાવીને સુરેશે પોલીસને જણાવ્યું કે મને કોઈના ઉપર શંકા નથી.

એક આદિવાસી દાડિયા મજૂરની પત્નીને શોધવા માટે પોલીસ પોતાનો સમય અને શક્તિ ફાળવે એની સંભાવના કેટલી ? સમય પસાર થતો રહ્યો, પણ મલ્લિગેનો પત્તો ના મળ્યો. દર પંદર દિવસે પોલીસસ્ટેશને ધક્કો ખાઈને સુરેશ પૂછવા જતો, પણ કંઈ જવાબ મળતો નહોતો એટલે એણે આશા છોડી દીધી.

બરાબર નવ મહિના પછી સપ્ટેમ્બર, ૨૦૨૧ માં કાવેરી નદીના કાંઠે ઝાડી-ઝાંખરાની વચ્ચે એક હાડપિંજર પડયું છે એવી કોઈએ બાતમી આપી એટલે પોલીસની દોડાદોડી વધી ગઈ. આ વિસ્તાર બેટ્ટાડારાપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાથી એ પોલીસસ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ. એ હાડપિંજર પાસે સાડી હતી, હાથમાં બંગડીઓ હતી અને પગમાં ચંપલ હતા. આ હાડપિંજર કોઈ યુવતીનું છે એની પોલીસને ખાતરી થઈ ગઈ. હાડપિંજરની હાલત જોઈને એમણે અનુમાન કર્યું કે છ-સાત મહિના અગાઉ કોઈએ આ યુવતીની હત્યા કરીને ગુનો છૂપાવવા માટે લાશને અહીં સંતાડી દીધી હશે. બેટ્ટાડારાપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે આસપાસના તમામ પોલીસસ્ટેશનમાં જાણ કરી કે છેલ્લા દસેક મહિનામાં ત્રીસેક વર્ષની કોઈ યુવતી ગૂમ થયાની તમારે ત્યાં ફરિયાદ આવી હોય તો એની વિગત તાત્કાલિક મોકલો.

એમને જવાબમાં માત્ર કુશલનગર રૂરલ પોલીસસ્ટેશન તરફથી જવાબ મળ્યો કે સુરેશ નામના એક યુવાને એની પત્ની મલ્લિગે ગૂમ થયાની ફરિયાદ ગયા ડિસેમ્બર મહિનામાં નોંધાવેલી છે. 

બેટ્ટાડારાપુરા પોલીસે પંચનામા વખતે સુરેશને બોલાવ્યો. અભણ આદિવાસી મજૂર સુરેશને જોઈને પોલીસે બીજું કશું વિચાર્યા વગર જ નિર્ણય કરી લીધો કે આ માણસે જ એની પત્નીની હત્યા કરી છે. આમ કરવાથી એ હાડપિંજર કોનું છે એ શોધવાની કડાકૂટ કરવી ના પડે અને કુશલનગર પોલીસસ્ટેશનમાં એની જે અરજી પેન્ડિંગ પડી છે, એનો પણ નિકાલ આવી જાય. આ સુરેશે એની પત્ની મલ્લિગેની હત્યા કરેલી અને આ હાડપિંજર મલ્લિગેનું જ છે-એવી ગોઠવણ થઈ શકે તો એક સાથે બે કેસનો ઝડપી ઉકેલ લાવવાની ક્રેડિટ પણ મળી જાય!

અભણ સુરેશને વાંચતા- લખતા નહોતું આવડતું, પરંતુ એ પોતાનું નામ લખીને સહી કરવાનું શીખી ગયો હતો. પંચનામા પછી પોલીસે સુરેશને કાગળો આપીને એમાં સહી કરવા આદેશ આપ્યો. એમણે જ્યાં કહ્યું ત્યાં સુરેશે સહી કરી આપી. એ પછી પોલીસે સુરેશને કહ્યું કે તેં તારી બૈરીને મારી નાખી છે અને ગુનો છૂપાવવા માટે પોલીસમાં ગૂમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી છે. આ હાડપિંજર તારી બૈરી મલ્લિગેનું જ છે! સુરેશ રડી-કકળીને કરગર્યો કે મેં હત્યા નથી કરી, પરંતુ પોલીસે એને ધમકાવીને- મારીને ચૂપ કરી દીધો. હાડપિંજર મલ્લિગેનું જ છે  એ સાબિત કરાવા માટે મલ્લિગેની માતા ગૌરીને બોલાવવામાં આવી. હાડપિંજરની સાથે ગૌરીના લોહીનો નમૂનો ડી.એન.એ. ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો. 

ડી.એન.એ. ટેસ્ટનો રિપોર્ટ આવે, ત્યાં સુધી રાહ જોવાની પોલીસને ધીરજ નહોતી. ફટાફટ કામ પતાવવા માટે રિપોર્ટ આવે એ અગાઉ પોલીસે ફાઈનલ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી. આડાસંબંધની શંકાને લીધે સુરેશે મલ્લિગેની હત્યા કરી છે- એવા આરોપસર સુરેશની ધરપકડ કરી લીધી! 

મેં હત્યા નથી કરી- એવું સુરેશ કરગરતો રહ્યો, પરંતુ મારપીટ, ટોર્ચરિંગ અને એ ઉપરાંત આખા પરિવારને જેલમાં ખોસી દેવાની ધમકીને લીધે સુરેશ લાચાર હતો.

છ મહિના પછી ડી.એન.એ. રિપોર્ટ આવ્યો. એમાં સ્પષ્ટ જણાવેલું કે બંને નમૂના મેચ નથી થતા, એટલે કે આ હાડપિંજર મલ્લિગેનું નથી! સુરેશના વકીલ પાંડુ પૂજારીએ કોર્ટમાં ડિસ્ચાર્જ માટે અરજી કરી. કોર્ટે ડીએનએ રિપોર્ટ સ્વીકારવાને બદલે વિટનેસ એક્ઝામિનેશન માટે મલ્લિગેની માતા અને એ ઉપરાંત સાત ગ્રામજનોને કોર્ટમાં લાવવાનો આદેશ કર્યો. સુરેશનો મિત્ર નંદુ પણ સાક્ષીઓની એ ટીમમાં હતો. મલ્લિગેની માતા ગૌરી સહિત સાતે સાત સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું કે મલ્લિગેને બીજા એક પ્રેમી સાથે લફરું હતું, એની સાથે એ ભાગી ગઈ છે અને હજુ જીવતી જ છે, તમે એને શોધી કાઢો, તો સચ્ચાઈ બહાર આવશે! કોર્ટે બેટ્ટાડારાપુરા પોલીસ અને કુશલનગર પોલીસને પૂછયું તો એ બંને પોલીસસ્ટેશનના અધિકારીઓએ ખાતરીથી કહ્યું કે અમારા ઈન્વેસ્ટિગેશનમાં કોઈ ચૂક નથી, પરફેક્ટ તપાસ કરીને કહ્યું છે કે મલ્લિગેની હત્યા સુરેશે જ કરી છે! 

કોર્ટે પોલીસની વાતને વધારે મહત્વ આપ્યું અને સુરેશ જેલમાં જ રહ્યો.

એ પછી સુરેશના વકીલ પાન્ડુ પૂજારીની વેધક દલીલોના આધારે સપ્ટેમ્બર, ૨૦૨૩ માં સુરેશના જામીન મંજૂર તો થયા, પરંતુ એક લાખ રૂપિયાના સિક્યોરિટી બોન્ડની જોગવાઈ કરી શકે એવી સુરેશની આર્થિક તાકાત નહોતી એટલે એણે જેલમાં જ રહેવું પડયું. 

ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ તરીકે એક માત્ર સુરેશ હતો. સુરેશ જેલમાં ગયો એ પછી એની વૃધ્ધ માતા અને પિતાએ વધારે મજૂરી કરવાનું શરૂ કરી દીધું. સુરેશનો દીકરો ક્રિષ્ણા દસમા ધોરણમાં આવ્યો હતો. એણે અભ્યાસ છોડીને મજૂરી કરીને પરિવારને ટેકો કરવાનું શરૂ કર્યું. નાની બહેન કીતને એ કહેતો કે તું સારી રીતે ભણી શકે એ માટે મેં ભણવાનું છોડીને કમાવાનું સ્વીકાર્યું છે. બાપા જેલમાંથી છૂટીને આવશે, એ પછી હું ફરીથી ભણવા જઈશ.   

એક વર્ષ પછી સપ્ટેમ્બર,૨૦૨૪ માં ગમે તે રીતે જામીનની વ્યવસ્થા થઈ ગઈ એટલે બે વર્ષના જેલવાસ પછી સુરેશ જામીન મેળવીને બહાર આવ્યો. મિત્ર નંદુને સુરેશ ઉપર સાચી લાગણી હતી. એણે ધમકાવીને પૂછયું કે સુરેશ, તેં ફરિયાદ વખતે પણ પોલીસને સાચી વાત કેમ નહોતી કરી?

એમાં હકીકત એવી હતી કે મલ્લિગેને ગણેશ નામના એક યુવાન સાથે લફરું હતું. સુરેશને પણ એની થોડીઘણી ખબર હતી. મલ્લિગે ભાગી ગઈ ત્યારે સુરેશની ધારણા એવી હતી કે બે-ચાર દિવસમાં એ પસ્તાઈને પાછી આવી જશે. જો પોતે પોલીસ ફરિયાદમાં આ વાત જણાવી હોત તો મલ્લિગેની આબરૂનો ભવાડો થઈ જાત. એ પછી એ પાછી આવે તો પણ સમાજમાં એનું સ્થાન બદનામ સ્ત્રી તરીકે ખરડાઈ જાત. એ પાછી આવશે એવી આશા સાથે આ હકીકત સુરેશે કોઈને જણાવી નહોતી. પોતે ચૂપચાપ ઝેરનો ઘૂંટડો ગળી લીધો હતો.

પોતાના મિત્રને મદદ કરવા માટે નંદુ તત્પર હતો. એણે સુરેશને સમજાવ્યું કે મલ્લિગે સો ટકા જીવે છે અને આસપાસના કોઈક ગામમાં જ એ ગણેશની સાથે જલસા કરતી હશે. એક વાર એનો અતોપતો મળી જાય તો તારો કેસ ક્લિયર થઈ જશે. 

બે વર્ષના જેલવાસને લીધે સુરેશ માનસિક રીતે ભાંગી પડયો હતો. એ છતાં, નંદુએ એને પાણી ચડાવ્યું અને બંને મિત્રોએ મલ્લિગેને શોધવાનું કામ શરૂ કર્યું. 

પહેલી એપ્રિલ, ૨૦૨૫, મંગળવારે નંદુની મહેનત ફળી. એમના ગામથી પચીસેક કિલોમીટર દૂર મડિકેરી નામના ગામમાં એ ચક્કર લગાવતો હતો અને એણે મલ્લિગેને જોઈ! મલ્લિગે એના પ્રેમી ગણેશની સાથે એક હોટલમાં અંદર જતી હતી! મલ્લિગે અને ગણેશને જાણ ના થાય એ રીતે ચાલાકીથી નંદુએ પોતાના 

મોબાઈલમાં એ બંનેના ફોટા લીધા અને એનો વીડિયો પણ ઉતાર્યો! એ બંને જમતા હતા એની પણ એણે વીડિયોગ્રાફી કરી. એ પછી દોડીને એ મડિકેરી પોલીસસ્ટેશને ગયો અને ફોટા- વીડિયો બતાવીને આખી વાત કહીને પોલીસ અધિકારીને કરગર્યો કે તમે અત્યારે જ આ  સ્ત્રીને પકડી લેશો તો મારા નિર્દોષ ભાઈબંધની જિંદગી બચી જશે.

મડિકેરી પોલીસસ્ટેશનના અધિકારીઓએ તાબડતોબ એક્શન લઈને મલ્લિગેને ઝડપી લીધી એ પછી વકીલે એડવાન્સમેન્ટ એપ્લિકેશન કોર્ટમાં રજૂ કરી એટલે કોર્ટે એની ગંભીરતા પારખીને મલ્લિગેને કોર્ટમાં હાજર કરવા આદેશ આપ્યો. મલ્લિગે કોર્ટમાં આવી. એણે તો તદ્દન સહજતાથી કહ્યું કે હું ગણેશના પ્રેમમાં હતી એટલે કાયમ માટે એની સાથે રહેવા માટે હું સુરેશના ઘરમાંથી ભાગીને અહીં ગણેશ પાસે આવી ગઈ હતી. મેં ગણેશ સાથે લગ્ન પણ કરી લીધા છે. સુરેશનું ઘર છોડીને હું નીકળી ગઈ એ પછી સુરેશનું શું થયું એની મને કંઈ ખબર નથી, મેં એ જાણવાની પરવા પણ નથી કરી!

કોર્ટે પૂછયું કે સુરેશે તો તારા ગૂમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવેલી, એ તને ખબર નથી?

મલ્લિગેએ કહ્યું કે એવી કોઈ ફરિયાદની મને ક્યાંથી ખબર હોય? હું કંઈ ઘરમાં સંતાઈને નહોતી રહેતી, ગણેશની સાથે બધી જગ્યાએ ખુલ્લેઆમ ફરતી હતી, પણ કોઈ દિવસ કોઈ પોલીસવાળો મને શોધવા આવ્યો નથી!

પોલીસની ગંભીર બેદરકારી જોઈને પાંચમી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ ગુરૂરાજ સોમક્કલાવરે ત્વરિત કાર્યવાહી કરીને મૈસૂર જિલ્લાના પોલીસ વડા (SP) એન. વિષ્ણુવર્ધન, કોડાગુ જિલ્લાના પોલીસવડા અને બેટ્ટાડારાપુરા પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને તારીખ  ૪-૪-૨૦૨૫ ના દિવસે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો. કોડાગુ જિલ્લા પોલીસને એમણે પૂછયું કે ડીએનએ રિપોર્ટ આવે એ અગાઉ તમે ફાઈનલ ચાર્જશીટ કઈ રીતે બનાવી? માત્ર તમારી ધારણાના આધારે કોઈ જ પુરાવા વગર એ હાડપિંજર મલ્લિગેનું છે એવું તમે કેમ માની લીધું? એ હાડપિંજર ખરેખર કોનું હતું એની તમે તપાસ કેમ ના કરી? એક સાથે બે કેસનો વીંટો વાળવાની બેદરકારીને લીધે એક નિર્દોષ યુવાનને બે વર્ષ સુધી જેલમાં શા માટે રહેવું પડયું?  મૈસૂર જિલ્લાના પોલીસવડાને પૂરી તપાસની જવાબદારી સોંપીને ૧૭-૪-૨૦૨૫ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો કોર્ટે આદેશ આપ્યો.

સુરેશના વકીલ પાન્ડુ પૂજારીએ પત્રકારોને જણાવ્યું કે સત્તરમી તારીખ પછી કોર્ટનો ફાઈનલ ઑર્ડર આવી જશે અને સુરેશ નિર્દોષ જાહેર થઈ જશે. એ પછી હું હાઈકોર્ટમાં રીટ પિટિશન કરીને સુરેશને યાતના આપનાર, ખોટી ચાર્જશીટ બનાવનાર પોલીસ ઉપર કેસ કરીશ. સુરેશ અને એના પરિવારે જે પીડા વેઠી છે એને ન્યા મળે અને વળતર મળે એ માટે પણ હું લડીશ. માનવ અધિકાર કમિશન અને શિડયુલ ટ્રાઈબન કમિશન પાસે જઈને આ નિર્દોષ આદિવાસી પરિવારને વળતર અપાવીશ.

પોલીસની ગંભીર બેદરકારીના આ કિસ્સાની અત્યારે કર્ણાટકમાં ચર્ચા ચાલી રહી છે. 

Related News

Icon