Home / : What was thought to be a suicide turned out to be a murder, true story of Uttar Pradesh

Shatdal: આત્મહત્યા સમજતા હતા એ મામલો તો ખૂનનો નીકળ્યો, ઉત્તરપ્રદેશમાં બનેલી એક સત્યઘટના

Shatdal: આત્મહત્યા સમજતા હતા એ મામલો તો ખૂનનો નીકળ્યો, ઉત્તરપ્રદેશમાં બનેલી એક સત્યઘટના

- ક્રાઈમવૉચ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- પતિ-પત્ની એકબીજા માટે જીવ આપવાને બદલે જીવ લેવાની જાણે સ્પર્ધા જામી છે. એમાંય લિવ-ઈનમાં રહેતી યુવતીઓની હત્યાના કિસ્સાઓ તો રોજ સમાચારોમાં ચમકે છે

ઈંદોરના રાજા રઘુવંશીની હત્યા એની પત્ની સોનમે કરાવી, એના જાત જાતના સમાચાર હજુ પણ આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પત્ની દ્વારા પતિની હત્યાના કિસ્સાઓ આપણી આ કોલમમાં હું લખી ચૂક્યો છું. ઓરૈયાની પ્રગતિએ લગ્નના પંદર દિવસ પછી જ એના પતિ દિલીપની હત્યા કરાવેલી, કર્ણાટકમાં પ્રૌઢ પલ્લવીએ એના પતિ નિવૃત્ત ડી.જી.પી. ઓમપ્રકાશને છરીના ઘા મારીને રહેંસી નાખેલ, મેરઠની મુસ્કાને એના પતિ સૌરભની હત્યા કરાવેલી એ ઘટનાએ તો ચકચાર મચાવેલી, મહારાષ્ટ્રની રૂપાલીએ એના ડ્રાઈવર પતિ શંકરની હત્યા કરાવેલી- ક્રાઈમવૉચમાં લખેલી આ ઘટનાઓ ઉપરાંત બીજી ડઝન જેટલી આવી જ ઘટનાઓ નજીકના ભૂતકાળમાં બની ચૂકી છે. પતિ-પત્ની એકબીજા માટે જીવ આપવાને બદલે જીવ લેવાની જાણે સ્પર્ધા જામી છે. એમાંય લિવઈનમાં રહેતી યુવતીઓની હત્યાના કિસ્સાઓ તો રોજ સમાચારોમાં ચમકે છે.

આજે ક્રાઈમવૉચમાં વધુ એક વાર આવી જ કથા છે, એમાં પણ હત્યા છે, પરંતુ આખી વાત સાવ અલગ છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની આ ઘટનામાં પત્નીએ પોતાના જ હાથે પતિનું કતલ કર્યું છે, એ છતાં આ આખો કિસ્સો અનેક સવાલ ઊભા કરીને સમાજની આંખ ઉઘાડનારો છે. 

દિલ્હીથી હરિદ્વાર જતી વખતે નેશનલ હાઈવે પર વચ્ચે જ મુઝફ્ફરનગર શહેર આવેલું છે. તારીખ ૨૧-૬-૨૦૨૫ની અર્ધી રાત્રે મુઝફ્ફરનગરના ખાઈખેડા વિસ્તારના મદિના ચોકમાં ધમાલ મચી ગઈ. ચોવીસ વર્ષની શાહીન નામની યુવતીએ ઘરની બહાર આવીને ચીસાચીસ શરૂ કરી કે કોઈ બચાવો..મારા શૌહર સલમાને ગળે ફાંસો ખાધો છે અને તરફડે છે! પાડોશીઓ તરત દોડી આવ્યા. સલમાન-શાહીનના લગ્નને સાડા પાંચ વર્ષ થયા હતા. એમને ચાર વર્ષનો એક દીકરો પણ હતો. એ ત્રણેય અહીં ભાડાના મકાનમાં રહેતા હતા. ઉપરના માળે રૂમની વચ્ચોવચ પંખાની નીચે સલમાન ચત્તોપાટ પડયો હતો. બધાએ મળીને સલમાનને રિક્ષામાં નાખ્યો અને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં શાહીને ડૉક્ટરને કહ્યું કે ગળે દુપટ્ટો બાંધીને એ પંખે લટકી ગયા હતા, સાહેબ! ગમે તેમ કરીને મારા સલમાનને બચાવી લો!

સલમાનને તપાસીને ડૉક્ટરે નિરાશાથી માથું ધૂણાવીને કહ્યું કે એ મરી ગયો છે. વળી, આત્મહત્યાનો કેસ છે એટલે અમારે પોલીસને પણ જાણ કરવી પડશે. હોસ્પિટલમાંથી ફોન ગયો એટલે પોલીસસ્ટેશનમાંથી જીપ આવી ગઈ. ઈન્સ્પેક્ટરે શાહીનને પૂછયું કે રાત્રે તમારે કોઈ ઝઘડો થયેલો? એમણે તમને મરી જવાની ધમકી આપીને પોતાનો ઈરાદો જણાવેલો? ત્યારે શાહીને કહ્યું કે સાહેબ, નાના-મોટા, ખાટા-મીઠા ઝઘડા તો દરેક ઘરમાં થાય એવા કાયમ થતા હતા, પણ એ આ હદે જાય એવો ઝઘડો તો ક્યારેય નથી થયો. હા, એમને કોઈ નોકરી નહોતી એટલે બેકારીને લીધે એમના મગજ પર સખત ટેન્શન રહેતું હતું. એને લીધે જ એમણે આ પગલું ભર્યું હશે. બાકી, તમે બધા પાડોશીઓને પણ પૂછી જોજો. ક્યારેય મોટો ઝઘડો તો થયો જ નથી. પોલીસે પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

મદિના ચોક અને આખા મહોલ્લામાં બધા શાહીનની દયા ખાતા હતા. સલમાન તો આપઘાત કરીને છૂટી ગયો, પણ આ બાપડી એના ચાર વર્ષના દીકરાને કઈ રીતે મોટો કરશે? સલમાનના માતા-પિતા તો ફર્રૃખાબાદ રહેતા હતા. સલમાનનો નાનો ભાઈ ફૈઝલ મુઝફ્ફરનગરમાં જ પણ જુદા વિસ્તારમાં રહેતો હતો. સમાચાર જાણીને આ બધા મદિના ચોક સલમાનના ઘેર આવી ગયા હતા. પોસ્ટમોર્ટમ પછી લાશ પરિવારને સોંપવામાં આવી. એ પછી પિતા અને ભાઈએ મળીને સલમાનની દફનવિધિ પણ પતાવી દીધી. સલમાને આત્મહત્યા જ કરી છે, એ વાત પોલીસ અને પરિવારે સ્વીકારી લીધી હતી.

બીજા દિવસે પોલીસસ્ટેશનમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહોંચ્યો, એટલે પોલીસ ચોંકી ઉઠી. રિપોર્ટમાં જણાવાયેલું કે સલમાને આત્મહત્યા નથી કરી, એનું ગળું ભીંસીને એની હત્યા કરવામાં આવી છે! પોલીસની ટીમ સીધી જ મદિના ચોક સલમાનના ઘેર પહોંચી. પોલીસે પરિવારને જણાવ્યું કે સલમાને આપઘાત નથી કર્યો, એનું ગળું દબાવીને એની હત્યા કરવામાં આવી છે. આ સાંભળીને આખો પરિવાર હચમચી ઉઠયો. સલમાનના ભાઈ ફૈઝલે તો જરા પણ શરમ રાખ્યા વગર તરત જ ઊભા થઈને પોલીસને કહ્યું કે તમે મારી ફરિયાદ નોંધી લો. મારા ભાઈ સલમાનનું ખૂન મારી ભાભી શાહીને જ કર્યું છે! આમ પણ સલમાનનું મૃત્યુ થયું એ સમયે ઘરમાં તો માત્ર શાહીન અને એનો નાનકડો દીકરો જ હતા, એટલે પોલીસની દ્રષ્ટિએ પ્રથમ શકમંદ તરીકે શાહીનનું જ નામ હતું.

આત્મહત્યાને બદલે મામલો ખૂનનો બની ગયો, એટલે સિનિયર એસ.પી. સંજય વર્માને પણ માહિતગાર કરવામાં આવ્યા. એમના માર્ગદર્શન અનુસાર શાહીનની પૂછપરછ શરૂ કરવામાં આવી. પોલીસની પ્રારંભિક પૂછપરછમાં શાહીનનો એક જ જવાબ હતો કે સાહેબ! બેવા બનવાનો કોઈ ઔરતને શોખ થોડો થાય? મારા ખાવિંદની હત્યા હું શા માટે કરું? હું તો મારા દીકરાને સોડમાં લઈને સૂતી હતી અને એ પછી શું થયું હશે, એની મને કંઈ ખબર નથી.

પતિને ગૂમાવનાર સ્ત્રી પ્રત્યે સહાનુભૂતિ રાખીને પોલીસે શરૂઆતમાં સીધીસાદી પૂછપરછ ત્રણ દિવસ કરી, પરંતુ શાહીનનો એક જ જવાબ હતો કે આ બધું કઈ રીતે બન્યું એની મને કંઈ ખબર નથી. એ પછી તારીખ ૨૪-૬-૨૦૨૫ના દિવસે અસલ પોલીસ સ્ટાઈલમાં શાહીનની આકરી પૂછપરછ કરવામાં આવી, ત્યારે શાહીન ભાંગી પડી.

શાહીને કબૂલાત કરી કે એ દિવસે સવારમાં એણે સલમાનને કહેલું કે મને રાત્રે ઊંઘ નથી આવતી, એને લીધે આખો દિવસ બેચેની લાગે છે. કોઈ ડૉક્ટર પાસે લખાવીને મારા માટે ઊંઘની ગોળીઓ લાવી આપો. બપોરે સલમાન બહાર ગયો અને ઊંઘની ગોળીઓ લાવીને એણે શાહીનને આપી દીધી. રાત્રે જમવામાં શાહીને રોટલી અને ખીમો બનાવ્યો હતો. શાહીને ઊંઘની સાત ગોળીઓ સરસ રીતે વાટીને સલમાનના ખીમામાં ભેળવી દીધી. રાત્રે જમ્યા પછી ક્યારેક કોલ્ડ્રિંક લેવાની  સલમાનને આદત હતી. વધેલી ત્રણ ગોળી શાહીને કોલ્ડ્રિંકમાં ભેળવી દીધી. પેટ ભરીને ખીમો ખાધા પછી સલમાને કોલ્ડ્રિંક પણ પી લીધું. રાત્રે બે વાગ્યે સલમાનને ઢંઢોળીને શાહીને ખાતરી કરી લીધી કે એ જરાયે ભાનમાં નથી. એ પછી શાહીને સલમાનના ગળે દુપટ્ટો વિંટાળ્યો અને પૂરી તાકાતથી ગળું ભીંસી નાખ્યું. પાંચેક મિનિટના તરફડાટ પછી સલમાનના શ્વાસ થંભી ગયા. એ મરી ગયો છે, એની ખાતરી થયા પછી ચીસો પાડીને પાડોશીઓને કહ્યું કે સલમાને પંખે લટકીને આપઘાતની કોશિશ કરી છે, એને તાત્કાલિક દવાખાને લઈ જવો પડશે. એ પછી બધા સલમાનને દવાખાને લઈ ગયા.

શાહીનની આવી કબૂલાત પછી પોલીસે પૂછયું કે તમારી વચ્ચે એવો તે કેવો ઝઘડો હતો કે આવું અંતિમ પગલું ભરવું પડયું? ખાવિંદ પર આટલો ખાર કેમ?

સહેજ સંકોચ સાથે શાહીન નીચું જોઈ ગઈ. એ પછી મન મક્કમ કરીને એ જે બોલી, એ સાંભળીને પોલીસ અધિકારીઓને જબરજસ્ત આંચકો લાગ્યો. જરાયે શબ્દો ચોર્યા વગર શાહીને નિખાલસતાથી સાચું કારણ બતાવ્યું.  'સાહેબ! સલમાન કોઈ કામધંધો નહોતો કરતો. અમારો દીકરો અઢી વર્ષનો થયો, એ પછી એટલે કે છેલ્લા દોઢેક વર્ષથી સલમાને મને વેશ્યા બનાવી દીધી હતી! નવા નવા ગ્રાહકો શોધીને એ મને એમના પલંગમાં પીરસી દેતો હતો! શૌહર થઈને એ મારી દલાલી કરવાનો ધંધો કરતો હતો, સાહેબ! મેં પહેલી વખતથી જ વિરોધ કરેલો, ત્યારે એણે મને ઝૂડી નાખેલી. મારા પિયરમાં પણ કોઈ મદદ કરે એવું નથી એટલે બેબસ થઈને, માર ખાઈને મારે એને સાથ આપવો પડયો અને અજાણ્યા માણસો મારું શરીર ચૂંથતા રહ્યા. દિલ્હી, ગૌતમબુધ્ધનગરથી માંડીને છેક મણીપુરના ઈમ્ફાલમાં પણ એણે મારા માટે ગ્રાહકો શોધી રાખ્યા હતા. એ મને ત્યાં લઈ જતો. બંધ ઓરડામાં ગ્રાહક સાથેની મારી પ્રેમલીલાની એ વીડિયોગ્રાફી પણ કરતો. સગી બીબીના આવા વીડિયો વેચીને પણ એ સેતાન પૈસા મેળવતો હતો! 

પોલીસ અધિકારીઓ સ્તબ્ધ બનીને સાંભળતા હતા. શાહીન પોતાની વ્યથા વર્ણવી રહી હતી.

આવી જહન્નમ જેવી જિંદગી જીવવાને બદલે મરી જવાનું મન થતું હતું, પણ મારા પછી મારા દીકરાનું કોણ? એના મોઢા સામે જોઈને દોઝખમાં જીવતી હતી. હમણાં હમણાં એનો ત્રાસ વધી ગયો હતો. મારી પણ સહનશીલતાનો અંત આવી ગયો હતો. પૈસા ખર્ચનારા ગ્રાહકો મારા શરીરને રમકડું માનીને જે ચિત્રવિચિત્ર હરકતો કરે એ મારા માટે અસહ્ય બની ગયું હતું. આવી લ્યાનતની જિંદગીમાંથી છૂટવા માટે મારે સલમાનના સકંજામાંથી છૂટવું હતું. એ માટે એના મોત સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો. મારે એની હત્યા પહેલા જ કરવાની જરૂર હતી, પણ એ વખતે એના માર સામે મારી હિંમત નહોતી. માનસિક અને શારીરિક ત્રાસથી હું ગળે આવી ગઈ હતી, અને એને લીધે જ એ હરામીને મારવાની હિંમત આવી ગઈ! એની જ પાસે ઘેનની ગોળીઓ મંગાવીને ખીમામાં ભેળવી દીધી અને એ બેહોશ થયો એ પછી મારી બેઈજ્જતીનો કચકચાવીને બદલો લઈ લીધો. જેલની જિંદગી આવા દોઝખ કરતા સો ગણી સારી હશે!

આટલું બોલીને શાહીન ભાંગી પડી. બધા પોલીસ અધિકારીઓ મૌન હતા. તારીખ ૨૫-૬-૨૦૨૫ના દિવસે પ્રેસ કોન્ફરન્સમાં સિનિયર એસ.પી. સંજય વર્માએ શાહીનની કબૂલાત અને હત્યાના કારણની વાત કહી ત્યારે બધા મીડિયાકર્મીઓ પણ સ્તબ્ધ બનીને શાહીન સામે જોઈ રહ્યા હતા. પોલીસે ખીમાના વધેલા અંશ, કોલ્ડ્રિંકનો ગ્લાસ અને હત્યામાં વપરાયેલો દુપટ્ટો કબજે કર્યો છે. શાહીનના દીકરાને સલમાનના મા-બાપ પોતાની સાથે ફર્રૃખાબાદ લઈ ગયા છે.

હત્યા એ ગુનો છે, એનો બચાવ ના થઈ શકે, પરંતુ જે સંજોગોમાં ચોવીસ વર્ષની એક યુવતીએ પોતાના પતિની હત્યા કરી છે, એ પણ વિચારવા જેવો મુદ્દો છે. શાહીન અત્યારે જેલમાં છે, પરંતુ જ્યારે કોર્ટમાં કેસ ચાલશે ત્યારે સામસામે જે દલીલો થશે એ ખૂબ રોમાંચક અને ટ્રેન્ડસેટર હશે એવી ધારણા છે.

- મહેશ યાજ્ઞિક

 

Related News

Icon