
ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વિશ્વ બજારમાં Crude Oilના ભાવોમાં આગ ઝરતી તેજી આવી છે. તેલની કિંમતો વધવાની અસર ભારત પર પણ પડવા લાગી છે. ક્રૂડમાં એકઝાટકે ભાવ વધરા ભારતે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.
Crude Oil કિંમતો 120 ડૉલર પર પહોંચવાની સંભાવના
ક્રૂડ ઓઈલની કિંમતોની વાત કરીએ તો તેના ભાવમાં 7.02 ટકાનો વધારો થયો છે. એક સમયે ટ્રેડિંગ દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત 78.50 ડૉલર પર પહોંચી ગઈ હતી. ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમતો 10 ટકા વધી ગઈ છે. જો આ હુમલાઓ વધતા રહેશે તો આગામી સમયમાં ક્રૂડ કિંમતોમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલર સુધી વધી શકે છે.
ક્રૂડની કિંમતો વધતા ભારતમાં બેઠકોનો દોર શરૂ
પેટ્રોલીયમ સચિવ પંકજ જૈન અને જાહેર ક્ષેત્રની ઓઈલ રીફાઈનરીઓ અને રિટેલરોના ટોચના અધિકારીઓ વચ્ચે યોજાયેલી સમીક્ષા મીટિંગ બાદ કેન્દ્રિય પ્રધાન હરદિપ સિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ભારત પાસે પર્યાપ્ત ઊર્જા-એનર્જી ભંડાર છે. ભારતની વ્યુહરચના વડાપ્રધાન નેરન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ એનર્જી ઉપલબ્ધતા, પોષણક્ષમતા અને ટકાઉપણાના ત્રિકોણને સફળતાપૂર્વક નેવિગેટ કરીને ઘડવામાં આવી છે, એમ તેમણે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું.
ઈરાન અને ઇઝરાયલના વિવાદની ભારત પર શું અસર થશે?
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સીધી અસર ક્રૂડ ઓઇલ પર પડશે અને તે નિશ્ચિત છે કે તેની અસર ભારત જેવા દેશો પર પડશે જે તેના મોટા આયાતકાર છે. ભારત તેની ઇંધણની જરૂરિયાતનો લગભગ 80% આયાત કરે છે. એવામાં જો ક્રૂડના ભાવ વધે છે, તો ભારતની વેપાર ખાધમાં વધારો થશે જ, પરંતુ રૂપિયા પર પણ ભારે દબાણ આવશે અને ફુગાવો વધી શકે છે. જોકે, RBI દ્વારા આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
ભારત 80 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરે છે
ભારત ક્રૂડ ઓઇલની જરૂરિયાતના લગભગ 80 ટકા વિદેશથી આયાત કરે છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસ બંનેના ભાવમાં અસ્થિરતા આવશે, જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડશે. જો ઈરાન-ઈઝરાયેલ યુદ્વ મિડલ ઈસ્ટમાં વધુ દેશોમાં ફેલાવાના અને અમેરિકા સહિતને ઈરાનની ચેતવણીને જોતાં જો અમેરિકા યુદ્વમાં ઈઝરાયેલના પક્ષમાં સીધું ઉતરી આવશે તો યુદ્વ વકરવાના અને ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાય એવી શકયતા રહેશે.