
Bitcoin Prices: વિશ્વની ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઈને આજે નવી સર્વોચ્ચ ટોચ નોંધાવ્યું છે. જેની કિંમત આજે એક કરોડ રૂપિયાનું લેવલ ક્રોસ થતાં વિશ્વની સૌથી મોંઘી ક્રિપ્ટો કરન્સી બની છે. બિટકોઈન આજે 118856.47 ડોલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસીસ અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ વધતાં બિટકોઈન સહિત અમુક ટોચની ક્રિપ્ટો કરન્સી રેકોર્ડ સ્તરે પહોંચી છે.
સંસ્થાકીય રોકાણકારો દ્વારા વધતી માગ અને અમેરિકામાં બિટકોઈન ETFમાં રેકોર્ડ રોકાણના કારણે બિટકોઈને આજે રૂ. 1.02 કરોડનું લેવલ વટાવ્યું છે.
બિટકોઈનમાં આકર્ષક તેજી
વૈશ્વિક અનિશ્ચતતાઓ વચ્ચે કિંમતી ધાતુ અને ક્રિપ્ટોમાં રોકાણ સતત વધી રહ્યુ હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. સોના અને ચાંદીનો ભાવ પણ રૂ. 1 લાખની સપાટીએ ક્વોટ થઈ રહ્યો છે. જ્યારે મોટાભાગના તમામ રોકાણ માધ્યમોમાં બિટકોઈનની કિંમત સૌથી વધુ રૂ. 1 કરોડે પહોંચી છે. ક્રિપ્ટો કરન્સીમાં કોન્સોલિડેશન બાદ બુલિશ સેન્ટિમેન્ટ અને સંસ્થાકીય રોકાણકારોની માગને કારણે બિટકોઈનમાં ફરી તેજી આવી છે. ટ્રમ્પ સરકારની ક્રિપ્ટો સમર્થક નીતિઓના કારણે ક્રિપ્ટો કરન્સીમાં સેન્ટિમેન્ટ સુધર્યા છે. તેમણે બિટકોઈન રિઝર્વ તેમજ ઈટીએફ અપ્રુવલ નિયમોમાં રાહત આપી છે.
નબળો ડોલર, વધતી ટ્રેઝરી માગ, અને સોવરિન ક્રેડિટમાં ઘટાડો સહિતના પરિબળોના કારણે પણ બિટકોઈન એક સુરક્ષિત વૈકલ્પિક રોકાણ તરીકે ઉભરી આવ્યું છે. કોઈનબેઝ પણ S&P 500માં સામેલ થતાં ક્રિપ્ટોને એસેટ ક્લાસ તરીકે માન્યતા મળી રહી હોવાના દરવાજા ખુલ્યા છે.
ક્રિપ્ટો માર્કેટ કેપ 243 અબજ ડોલર વધી
ટોચની બીજા નંબરની ક્રિપ્ટો કરન્સી ઈથેરિયમમાં બિટકોઈન જેવી તેજી જોવા મળી નથી. હજી તે 3000 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની રેકોર્ડ ટોચ 4891.70 ડોલરથી 38.47 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, છેલ્લા એક સપ્તાહમાં તેમાં 17.94 ટકા ઉછાળો જોવા મળ્યો છે. આજે XRP 8.28 ટકા, BNB 2.88% ઉછાળે ટ્રેડ થઈ રહી છે. એકંદરે ક્રિપ્ટો માર્કેટમાં વોલ્યૂમ વધતાં માર્કેટ કેપ 243.97 અબજ ડોલર વધી 3.68 લાખ કરોડ ડોલર થઈ છે.