
બિહારમાં અંધશ્રદ્ધાના નામે એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દેવાની ઘટના સામે આવી છે. લોકોએ પીડિત પરિવાર પર ડાકણ હોવાનો આરોપ લગાવીને માર માર્યો હતો. અંધશ્રદ્ધાને કારણે એક જ પરિવારના 5 લોકોને પહેલા માર મારવામાં આવ્યો હતો. પછી પીડિતોને જીવતા સળગાવી દેવાની ક્રૂરતાપૂર્વકની ઘટના સામે આવી છે. ઘટના બાદ ગામમાં શોકભર્યો માહોલ છે. આ કારણે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. છે.
બિહારના પૂર્ણિયામાં જે 5 લોકોની હત્યા કરવામાં આવી તેમાં મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ગામલોકોનું કહેવું છે કે, ગામના કેટલાક લોકોએ બાબુલાલ ઉરાંવની પત્ની પર ડાકણ હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ અનુસંધાને લોકોએ પહેલા તેના પરિવારને માર માર્યો અને પછી જીવતા સળગાવી દીધા. હત્યા પછી આરોપીઓએ મૃતકોના મૃતદેહને કોઈ નિર્જન જગ્યાએ દફનાવી દીધા છે.
https://twitter.com/ANI/status/1942215738976071971
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, ગામ લોકોએ મૃતકના પુત્રની સામે જ પરિવારને મારીને સળગાવી દીધો. જેમાં બે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ સીતા દેવી (48 વર્ષ), બાબુ લાલ ઉરાંવ (50 વર્ષ), કાટો દેવી (65 વર્ષ), મનજીત ઉરાંવ (25 વર્ષ) અને રાની દેવી (23 વર્ષ) તરીકે થઈ છે.
200 લોકોની સામે બની ઘટના
મૃતક મહિલાના પુત્ર સોનુએ કહ્યું કે, કેટલાક ગામ લોકોએ આશંકા કરી કે તેની માતા કાળો જાદુ કરે છે. ડાકણ હોવાનો આરોપ લગાવી રવિવારે રાત્રે ગામના મુખિયા નકુલ ઉરાંવએ પંચાયત બોલાવી હતી. જેમાં 200 જેટલા લોકો હાજર હતા. માતા સીતા દેવી અને પિતા બાબુ લાલ ઉરાંવ સહિત પરિવારને ડાકણ હોવાનો આરોપ લગાવી બોલાવ્યા હતા.
સોનુએ ભાગીને જીવ બચાવ્યો
ગામ લોકોએ ડાકણ હોવાનો આરોપ લગાવી લાકડીઓથી બધાને નિર્દયતાથઈ માર માર્યો. એ પછી પરિવારના બધા સભ્યો પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવ્યા. બધાના મોત થતાં મૃતદેહ ટ્રેક્ટરમાં ભરી નિર્જન જગ્યાએ ફેંકી દીધા. તેણે કહ્યું કે, પંચાયતે માતા-પિતાની એક પણ વાત ન સાંભળી. લાકડીઓથી મારતા હતા એ દરમિયાન પોતે કેમેય કરીને ત્યાંથી ભાગી નીકળ્યો. જેણે આ સમગ્ર ઘટનાનો ભાંડો ફોડ્યો.
3 પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી
આદિવાસી વિસ્તારમાં આવેલ રજીગંજ પંચાયતના ટેટાગામામાં આ ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ મુફસ્સિલ પોલીસ સ્ટેશન અને નજીકના 3 અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એસપી સ્વીટી સહરાવત અને એએસપી આલોક રંજન પણ ઘટનાસ્થળે પહોંચીને મામલાની ગંભીરતા ધ્યાને લઈ FIR નોંધી તપાસ આદરી છે.
મુફસ્સિલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઉત્તમ કુમારે જણાવ્યું હતું કે ગામના સરપંચ અને અન્ય લોકોએ ડાકણ હોવાનો આરોપ લગાવીને એક પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. ઘટના બાદ ટ્રેક્ટર ડ્રાઇવર અને ગામના સરપંચ નકુલ ઓરાવની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોડી સાંજે 3 મૃતદેહ કબજે કર્યા છે.