
સુરત શહેરની 26 ખાનગી સ્કૂલો એવી હાલતમાં મળી છે કે જેઓએ હજી સુધી ફાયર એનઓસી મેળવી નથી. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સંબંધિત આ ગંભીર બેદરકારી સામે જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરીને તાત્કાલિક પગલાં લેતાં તમામ સ્કૂલોને નોટિસ પાઠવી છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગિરથસિંહ પરમારે આ સ્કૂલોને ફાયર સેફ્ટી ના હોય તો તાત્કાલિક ઊભી કરીને એનઓસી મેળ વીને તેનું પ્રમાણપત્ર કચેરીમાં રજૂ કરવા આદેશ કર્યો છે. તે સાથે સાથે એવી પણ ચેતવણી આપી છે કે જો આ આદેશનું પાલન નહીં થાય તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ફાયર એનઓસી વિના સ્કૂલો ચલાવવી એ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પણ વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મુકવાનો ગંભીર મુદ્દો હોવાનો ડીઇઓ ડો. ભગિરથસિંહે મત રજૂ કર્યો છે. ડીઇઓએ જણાવ્યું છે કે આવશ્યક સુરક્ષા પ્રમાણપત્રો સાથે જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવી ફરજિયાત છે.
વિદ્યાર્થીઓની સલામતી અમારા માટે પ્રથમ
DEO ડો. ભગિરથસિંહ પરમારે કહ્યું કે, વિદ્યાર્થીઓની સલામતી અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે. જે સ્કૂલો ફાયર એનઓસી વગર ચલાઈ રહી છે, તેઓએ તાત્કાલિક પ્રમાણપત્ર મેળવી આપવું જરૂરી છે. નિયમોનું પાલન ન કરનાર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.
અન્ય મુદ્દાઓ પર પણ તપાસ શરૂ
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ ફાયર સેફ્ટી સિવાય સ્કૂલોની અન્ય સુવિધાઓ અંગે પણ તપાસ હાથ ધરી છે. તેમાં સ્કૂલ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સલામત છે કે નહીં, ટોઇલેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં, તથા સ્કૂલની માન્યતા સંબંધિત દસ્તાવેજો સચોટ છે કે નહીં તે બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. નિયમભંગ સામે કડક કાર્યવાહી થશે.