
- અગોચર વિશ્વ
- કોઈ ઘટના ચમત્કાર એટલા માટે લાગે છે કે તે કુદરતના અજ્ઞાત નિયમથી બની હોય છે. તેને સમજવા આપણું જ્ઞાન ઓછું પડતું હોય એવું બની શકે
યોગ એટલે ચેતનાનું વિજ્ઞાન. વિજ્ઞાન પદાર્થની અંતર્ગત થતી ઊર્જા પર પ્રયોગો કરે છે, તે રીતે યોગ-આત્માની અંતર્ગત થતી ચેતના પર પ્રયોગો કરે છે. થોડા વર્ષો પૂર્વે વિજ્ઞાનને લાગતું હતું કે ઊર્જાથી વધારે સૂક્ષ્મ બીજું કંઈ નથી, પણ અત્યારે વિજ્ઞાન કહે છે કે ઊર્જાથી પણ વધારે સૂક્ષ્મ સત્તા અસ્તિત્વ ધરાવે છે અને તે છે આત્મ-ચેતનાની સર્વાધિક સૂક્ષ્મતમ સત્તા. યોગ અનેકવિધ સિદ્ધિઓ આપે છે. આ સિદ્ધિઓ એક પ્રકારથી ચમત્કાર જેવી લાગે છે. ભારતના મહાન યોગી વિશુદ્ધાનંદ સરસ્વતીના શિષ્ય, પદ્મવિભૂષણ સન્માનિત, મહામહોપાધ્યાય, સાહિત્ય વાચસ્પતિ પંડિત ગોપીનાથ કવિરાજે વિશુદ્ધાનંદજીના યોગ વિજ્ઞાન અંગે લખ્યું છે: આ વિજ્ઞાન પશ્ચિમનું જડ વિજ્ઞાન નથી, આ ભારતનું આત્મશક્તિ આધારિત ચેતન વિજ્ઞાન છે. યોગ પણ એક વિજ્ઞાન જ છે, માત્ર પ્રણાલિનો ભેદ છે. યોગમાર્ગમાં વિજ્ઞાન અને વિજ્ઞાન માર્ગમાં યોગ એકબીજાના સહાયક છે. પરમહંસ વિશુદ્ધાનંદે અનેક વિજ્ઞાનોનું જ્ઞાન ગ્રહણ કરી મહાન યોગસિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તે અનેકવાર એનું પ્રદર્શન પણ કરતા. આત્મ-ચેતનાની મહાશક્તિમાં, યોગ શક્તિમાં, ઈશ્વર અને ધર્મમાં શ્રદ્ધા જગાડવા માટે તે આ યોગસિદ્ધિઓના અકલ્પ્ય અને અદ્દભુત ચમત્કારો કરતા હતા.
ચમત્કારો વિશે સેન્ટ ઓગસ્ટિનનું એક સુંદર વિધાન છે: ‘Miracles are not contrary to nature, but only contrary to what we know about nature ' ચમત્કારો કુદરતની વિરુદ્ધ નથી હોતા, પણ માત્ર આપણે કુદરત વિશે જે જાણીએ છીએ એની વિરુદ્ધ હોય છે. સેન્ટ ઓગસ્ટિન અને સ્પિનોકાએ ચમત્કારિક ઘટનાઓ વિશે જે સિદ્ધાંતો રજૂ કર્યા હતા એને તત્ત્વચિંતક વિલિયમ વાલિસેલા (William Vallicei'a)એ ચમત્કારોની એપિસ્ટેમિક થિયરી એવું નામ આપ્યું છે. આ થિયરી પ્રમાણે કોઈ પણ ઘટના કુદરતથી વિરુદ્ધ હોતી જ નથી. ડેવિડ હ્યુમ જેને કુદરતના અફર નિયમો કહે છે એમનું આમાં ઉલ્લંઘન થતું નથી. કોઈ ઘટના ચમત્કાર એટલા માટે લાગે છે કે તે કુદરતના અજ્ઞાત નિયમથી બની હોય છે. તેને સમજવા આપણું જ્ઞાન ઓછું પડતું હોય એવું બની શકે. કુદરત વિશે આપણે બાંધી દીધેલી માન્યતાના મર્યાદિત ચોકઠામાં એ બંધ બેસતી ના આવતી હોય એવું બનતું હોય. પૂર્ણ વૈજ્ઞાનિક સમજણથી એને જોવામાં આવે તો તે ચમત્કાર પણ કુદરતના જ કોઈ અજાણ્યા નિયમથી બને છે એ સમજાઈ જાય. એપિસ્ટેમિક શબ્દ ગ્રીક શબ્દ એપિસ્ટેમી (Episteme) પરથી બન્યો છે જેનો અર્થ થાય છે - સુપ્રતિષ્ઠિત જ્ઞાન (Well-Founded Knowledge).
ફ્રેન્ચ બેરિસ્ટર અને મેજિસ્ટ્રેટ લુઈસ જેકોલિઓટે (Louis Jacolliot) તેમના પુસ્તક અકલ્ટ સાયન્સ ઈન ઈન્ડિયા એન્ડ એમોન્ગ ધ એન્સિયન્ટસ (Occult Science in India and among the ancients) માં તેમણે ગૂઢ વિજ્ઞાન, યોગ અને અધ્યાત્મ વિશે લખ્યું હતું. તેમાં તેમણે જાતે જોયેલા અને અનુભવેલા યોગસિદ્ધિના ચમત્કારો વિશે પણ લખ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું છે કે આમ તો તે રેશનલ હતા અને ચમત્કારોમાં બિલકુલ માનતા જ નહોતા પણ ભારતના કેટલાક સિદ્ધયોગીઓને મળ્યા પછી, સ્વયં તેમની યોગસિદ્ધિઓને ચકાસ્યા પછી તે યોગસિદ્ધિના ચમત્કારોમાં માનતા થઈ ગયાં હતા. લુઈસ જેકોલિયોટ (૧૮૩૭-૧૮૯૦) ૧૮૬૫થી ૧૮૬૯ દરમિયાન માહિતી અને ભારતમાં રહ્યા હતા. તેમણે મનુસ્મૃતિનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કર્યો હતો જે વાંચીને ફ્રેડરિક નીત્સે પણ પ્રભાવિત થયા હતા.
જેકોલિઓટે તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે ગોવિંદ સ્વામી નામના એક યોગીના ચમત્કાર પણ જોયા હતા. ગોવિંદ સ્વામીએ તેમને કહ્યું હતું કે તે યોગ શક્તિથી ગમે તેટલી દૂર રહેલી વસ્તુને આજ ક્ષણે ત્યાંથી અહીં લાવી તેમને આપી શકે છે. જેકોલિઓટે એમને એમના તાળાબંધ ઓરડાના દૂરના ઘરમાં રહેલી કોઈ વસ્તુ તત્કાળ લાવી આપવા આહવાન આપ્યું હતું. ગોવિંદ સ્વામી થોડીવાર ધ્યાનમાં બેસી ગયા હતા. થોડી સેકંડો વીતી હશે ત્યાં એક વાંસળી જેકોલિયેટની સામે આવીને પડી. તેમણે તે હાથમાં લઈને જોયું તો તે એ જ કલા-કારીગરી વાળી તેમની વાંસળી હતી જે એક રાજાએ તેમને ભેટ આપી હતી. અને જે તેમણે તેમના ઘરના ઓરડામાં રહેલા એક કબાટમાં વસ્ત્રથી વીંટાળીને મૂકેલી હતી. પછી જ્યારે તે તેમના ઘેર ગયા અને પેલા કબાટમાં જોયું તો ત્યાં તેમની વાંસળી નહોતી. એટલે એ જ વાંસળીને યોગશક્તિથી ગોવિંદસ્વામીએ જેકોલિઓટ સમક્ષ પ્રગટ કરી હતી.
કિવન્સ કોલેજના પ્રાધ્યાપક અભયચરણ સાન્યાલની ઉપસ્થિતિમાં પરમહંસ વિશુદ્ધાનંદજીએ સૂર્ય વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિશિષ્ટ લેન્સ દ્વારા રૂ પર સૂર્યરશ્મિઓ ફેંકીને એને પથ્થરના રૂપમાં ફેરવી દીધી હતું. એ સંમોહનનો પ્રયોગ નથી, યોગ વિજ્ઞાનથી થયેલું પદાર્થ પરિવર્તન છે તે સાબિત કરવા તેમણે તે પથ્થર અભયચરણને આપી દીધો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળામાં તે ચકાસ્યો હતો જે પથ્થરના પારમાણ્વિક ગુણધર્મોવાળો જ સાબિત થયો હતો.
પેન્સિલ્વાનિયામાં આવેલી સ્વામી રામ હિમાલયન ઈન્સ્ટિટયૂટના યોગી સ્વામી રામ ૧૯૪૨માં બદ્રીનાથની યાત્રાએ નીકળ્યા ત્યારે તેના માર્ગમાં આવતા શ્રીનગરથી પાંચ માઈલ દૂર આવેલા એક શક્તિ મંદિરથી ૨ માઈલ નીચે આવેલી એક ગુફામાં રહેતા એક અઘોરીને મળવા ગયા હતા. અઘોરીએ તેમને અને તેમની સાથે ગયેલા એક સ્થાનિક પંડિતને પદાર્થ પરિવર્તનની સિદ્ધિ બતાવી હતી. તેમણે સ્વામી રામને થોડી રેતી લઈ આવવા જણાવ્યું હતું. તેમણે સ્વામી રામને તે પથ્થર અને રેતીને આંગળી અડકાડવા કહ્યું હતું. તેમણે તેના પર આંગળી મૂકી તે સાથે પથ્થર સાકરના રૂપે અને રેતીના કણો કાજુ અને બદામ રૂપે પરિવર્તિત થઈ ગયા હતા. તેમણે તે ખાવા આવ્યાહતા અને પોતાની સાથે લઈ જવા પણ દીધા હતા જેથી એ સંમોહનના સૂચન હેઠળનો અનુભવ નથી તેની ખાતરી થાય.
તાંત્રિક યોગના નિષ્ણાત તે અઘોરીએ સ્વામી રામને સમજાવ્યું હતું - આ યોગની શક્તિ છે. યોગ એક વિજ્ઞાન છે. સિદ્ધિ પ્રાપ્ત કરનારા યોગીઓ આવા ચમત્કાર આ વિજ્ઞાનનું સમર્થન કરાવવા અને લોકકલ્યાણ માટે જ કરતા હોય છે. પદાર્થને અને ઊર્જાનું નિયમન કહે છે તે ચેતના એક જ અને એક સમાન છે. પ્રાચીન યોગશાસ્ત્રએ ચેતનાની રહસ્યમય શક્તિઓ વિશે સમજાવ્યું છે અને તેને નિયંંત્રણમાં લેવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે. આત્મ-ચેતનાના સિદ્ધાંત પર કામ કરતું યોગવિજ્ઞાન યોગસિદ્ધિના અદ્દભુત ચમત્કારો કેવી રીતે કરી શકાય તેનાં રહસ્યો અનાવૃત કરે છે.