
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સેનાની ત્રણેય પાંખના DGMOની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ છે. જેમાં સેનાની ત્રણેય પાંખના વડા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી રહ્યા છે. ડીજીએમઓએ જણાવ્યું કે, અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતાં. પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો.
પ્રેસ બ્રીફિંગમાં એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, "અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે. અમે ઓપરેશન સિંદૂર થકી પહેલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓને સપોર્ટ કરવાનું ચાલુ રાખ્યું. એટલે પાકિસ્તાને આ લડાઈને પોતાની લડાઈ બનાવી. આતંકીઓના ઠેકાણા પરના હુમલા સામે પાકિસ્તાને પોતાની લડાઈ બનાવી એટલે તેમને જવાબ આપવો જરૂરી હતો. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓનો સાથ આપતાં અમારી જવાબી કાર્યવાહી અત્યંત આવશ્યક હતી, તેમાં જે પણ નુકસાન થયું તેના માટે તે પોતે જવાબદાર છે.
ભારતની એર ડિફેન્સ અભેદ્ય રહી
ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત રહી હતી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર દેખાવ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા વાપરવામાં આવેલી ચીનની PL-15 મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. જેના અમુક ટુકડાંઓ મળી આવ્યા છે. આતંકવાદીઓ પર હુમલાઓ અમે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કર્યા વિના જ કર્યા હતાં. અમે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.
પાકિસ્તાનના ડ્રોન અને શસ્ત્રો નિષ્ફળ રહ્યા
લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ડ્રોન અને શસ્ત્રો નિષ્ફળ રહ્યા છે. ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડવામાં સફળ રહી છે. હું BSF ની પણ પ્રશંસા કરવા માંગુ છું. બોર્ડર પર પહેરો આપનારા જવાનો અમારા આ અભિયાનમાં જોડાયા અને બહાદુરીથી અમને ટેકો આપ્યો. આના કારણે પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓનો વિનાશ થયો. જ્યારે હોંસલા બુલંદ હોય ત્યારે લક્ષ્યો પણ તમારા પગને ચુંબન કરે છે.
પ્રેસ બ્રીફિંગ દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું, "આપણે હવાઈ સંરક્ષણ કાર્યવાહીને સંદર્ભમાં સમજવાની જરૂર છે. પહેલગામ હુમલા સુધીમાં આંતકીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. અમે પહેલેથી જ બધી તૈયારીઓ કરી લીધી હતી. અને જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
નૌકાદળે જમીન, હવાઈ અને ભૂગર્ભ જોખમો શોધી કાઢ્યા
વાઇસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું કે, હવાઈ ક્ષેત્ર સહિત સતત દેખરેખને સ્થિર કરવા માટે નૌકાદળનો ઉપયોગ કરાયો. નૌકાદળ એકસાથે વારાફરતી હવાઈ, જમીન અને ભૂગર્ભ જોખમોને શોધી કાઢવામાં સક્ષમ હતું. નૌકાદળે અનેક સેન્સરો ઇનપુટ્સનો અસરકારક રીતે ઉપયોગ કરીને પાકિસ્તાનની ઘટના પર સતત દેખરેખ રાખી. જેથી અમે આ જોખમોને નિષ્ક્રિય કરવામાં સક્ષમ રહ્યા. અમે મહત્તમ રડારનો ઉપયોગ કર્યો અને બધી ઉડતી વસ્તુઓ જેવી કે ડ્રોન અને ફાઈટર ઉપર નજર રાખી. આ બધી એક જટિલ સ્તરીય સંરક્ષણ મિકેનિઝમ હેઠળ ઓપરેટ થાય છે. કોઈપણ હવાઈ લક્ષ્ય આ રડારની રેન્જમાં આવે કે તુરંત તેને શોધવામાં સક્ષમ છે. તે સચોટતાથી જોખમી વસ્તુઓ વચ્ચેનું અંતર કરીને તેની ઓળખ કરી લે છે.
વાઇસ એડમિરલ એએન પ્રમોદે કહ્યું કે, "અમારા પાઇલટ્સ અમારા વિમાનમાં દિવસ-રાત કામ કરવા સક્ષમ છે. કોઈ પણ દુશ્મનના વિમાનને અમારી જમીનના કિલોમીટરની અંદર આવવાની મંજૂરી નહોતી. કોઈપણ વિમાન ભારતીય બોર્ડરની અંદર આવી શકતું નહોતું. અમે અમારી એન્ટી મિસાઈલ અને એન્ટી એરક્રાફ્ટ ટેકનોલોજીને પ્રમાણિત કરી. અમારું શક્તિશાળી યુદ્ધ જૂથ દુશ્મન પર સક્ષમતાથી તૂટી પડવા સજ્જ હતું. તેણે અસરકારક રીતે પાકિસ્તાની સમકક્ષોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. તેણે પાકિસ્તાનને સરહદની નજીક રહેવા મજબૂર કર્યું. ભારતીય નૌકાદળના વર્ચસ્વથી સ્પષ્ટ થાય છે કે જો આપણે ઈચ્છીએ તો આપણી ઈચ્છા મુજબ હુમલો કરી શકીએ છીએ.
આ પછી એર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું કે અમારા બધા લશ્કરી થાણા, સાધનો અને સિસ્ટમો કાર્યરત છે અને જરૂર પડ્યે કોઈપણ મિશન માટે તૈયાર છે.
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, 'આપણા એરફિલ્ડ અને લોજિસ્ટિક પર હુમલો કરવો અત્યંત મુશ્કેલ છે. આજે મેં સાંભળ્યું કે, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે મારો પણ ફેવરિટ ખેલાડી રહ્યો છે. 1970માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના બે બોલરે ઈંગ્લેન્ડને હંફાવી દીધી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા માટે એક રૂઢિપ્રયોગ બનાવવામાં આવ્યો કે, એશિસ ટુ એશિસ, ડસ્ટ ટુ ડસ્ટ, ઈફ થોમો ડોન્ટ ગેટ યા, લીલી મસ્ટ. તેના પરથી હું કહેવા માગુ છું કે, આપણી સિસ્ટમ પર પણ અનેક આવરણો આવેલા છે. જો તમે તમામ આવરણો ભેદવાનો પ્રયાસ કરશો તો તેની ગ્રીડ સિસ્ટમનું એકાદ આવરણ તમારી ઉપર જ હુમલો કરશે.'