
- વિચાર-વીથિકા
આળવાર તમિલ શબ્દ છે જેનો અર્થ થાય છે- ભગવાનમાં ડૂબેલો. આળવાર તમિલ કવિ અને સંત હતા. એમનો સમય છઠ્ઠીથી નવમી શતાબ્દી વચ્ચેનો રહ્યો. એમના પદોના સંગ્રહને 'દિવ્ય પ્રબંધ' કહેવાય છે જે વેદો સમાન માનવામાં આવે છે. આળવાર સંત કવિઓને ભક્તિ આંદોલનના જન્મદાતા માનવામાં આવે છે. વિષ્ણુ કે નારાયણની ઉપાસના કરનારા આળવાર સંતોની સંખ્યા બાર છે. આમાંના એક મધુર કવિ આળવારનો જન્મ ઇ.પૂ.૮ મી સદીમાં થયો તિરુક્કોળૂર (તૂત્તૂક્કુડિ)માં ચૈત્ર સુદ પૂનમના રોજ થયો હોવાનું મનાય છે. તેમને વૈનતેય એટલે કે ગરુડનો અંશાવતાર કહેવામાં આવે છે.
મધુર કવિ આળવાર બાળપણથી ભગવાન વિષ્ણુના અનન્ય ભકત હતા. તેમને બધા વેદો, શાસ્ત્રો અને કલાઓનું શિક્ષણ અપાયું હતું અને તેમાં તે નિપુણ પણ બની ગયા હતા. તેમણે ભગવાન શ્રી નારાયણ અને દેવી લક્ષ્મીના મહિમાનું વર્ણન કરતી અનેક કવિતાઓ રચી હતી. મધુર કવિ માત્ર તમિલમાં જ નહીં, પણ સંસ્કૃતમાંય કાવ્યો અને ગીતો લખવામાં પારંગત હતા. તેમનું બાળપણનું નામ અરુણ હતું કેમકે તેમના શરીરનો રંગ સવારના ઉગતા સૂર્ય જેવો લાલ હતો. કવિતા લેખનમાં કુશળતા પ્રાપ્ત કર્યા બાદ તેમને 'મધુર કવિ' નામ આપવામાં આવ્યું હતું.
મધુર કવિ આળવારે (આલવારે) ઉત્તર ભારતના વૈષ્ણવમંદિરોની તીર્થયાત્રા કરી તે પછી તે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાની પાવન ભૂમિ પર ગયા હતા અને ત્યાં થોડો સમય રહ્યાં હતાં. તે સમયે તેમણે એક સોળ વર્ષના કિશોર (નમ્માળવાર) જે ભોજન અને જળનું સેવન કર્યા વિના મૌન ધારણ કરી એક આંબલીના ઝાડ નીચે રહેતો હતો તેના વિશે સાંભળ્યું. તેમણે તે પણ જાણ્યું કે તેનું જન્મસ્થળ આળવાર તિરુ નગરી હતું.
થોડા સમય બાદ તેમણે અચાનક દક્ષિણ દિશામાંથી પ્રકાશનું એક દિવ્ય તેજસ્વી કિરણ નીકળતું જોયું. પ્રકાશનો એ સ્રોત જાણવાના હેતુથી મધુર કવિ દક્ષિણ તરફથી યાત્રાએ નીકળી પડયા. તે તમિલનાડુના તિરુચ્ચિરાપલ્લિમાં આવેલા શ્રીરંગ પહોંચ્યા તો પણ એ અલૌકિક પ્રકાશનો સ્રોત શોધી ન શક્યા કેમકે એની આભા દક્ષિણ તરફ વધારે આગળ જઇ રહી હતી. તે ત્યાંથી આગળ વધ્યા અને કુરુગુર નામના સ્થાને પહોંચ્યા જ્યાં તે આભા સંત નમ્માળવારની અંદર વિલીન થઈ ગઇ. સંત નમ્માળવાર ત્યાં પણ આંબલીના વૃક્ષના નીચે ધ્યાનાવસ્થામાં આનંદમય સ્થિતિમાં બિરાજમાન હતા.
કિશોર અવસ્થાવાળા નમ્માળવારને જોઈને તેમના વિસ્મયનો પાર ન રહ્યો. તેમને તેની બધી વાત યાદ આવી ગઈ અને વિચારવા લાગ્યા કે ૧૬ વર્ષનો કિશોર ભોજન અને જળ વગર મૌન રહીને કેવી રીતે જીવતો હશે ? તેમણે તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. તેમણે તેને ધ્યાનાવસ્થામાંથી બહાર લાવવાના અનેક પ્રયત્નો કર્યા પણ તે ન આવ્યા.
છેલ્લે તેમણે એક પથ્થર ઉઠાવી તેમની પાસેની દીવાલ પર ફેંક્યો. તેના અવાજથી તે જાગ્યા અને મધુર કવિને જોઈને સ્મિત કરવા લાગ્યા. મધુર કવિએ તેમને પ્રશ્ન કર્યો-'નાનું બાળક મૃત શરીર (કે પેટમાં) ઉત્પન્ન થાય તો તે શું ખાશે અને ક્યાં રહેશે ? (ચેત્તદિન્ વયિરિલ ચિરિયદુ પિરન્દાલ એત્તેત્ તિન્હુ એંગે કિડક્કુમ્ ?) સંત નમ્માળવારે તેમનું મૌન તોડી મધુર કવિને જવાબ આપતાં કહ્યું- તે એને ખાશે અને ત્યાં જ રહેશે (અત્તૈ તિન્હુ અંગે કિડક્કુમ્) નમ્માળવારના જવાબનો ગૂઢાર્થ એ હતો કે જો આત્મા શરીરને ઓળખી લે તો તે શરીરમાં જ રહેશે અને તેના વિશે વિચારશે. જો આત્મા દિવ્ય ભગવાન નારાયણને ઓળખી લે તો તે વૈકુંઠ (પરમ સ્થાન)માં નિવાસ કરશે અને માત્ર તેમનું જ ચિંતન-મનન કરશે. એટલે સૂક્ષ્મ આત્મા હૃદયના અંત:સ્થળમાં રહીને પ્રકૃતિના કર્મોનો દ્રષ્ટા રૂપે ઉપભોગ કરે છે. તે ક્ષેત્રજ્ઞાના રૂપે અસંગ થઈને પ્રકૃતિની ક્રીડાનો આનંદ લે છે. મધુર કવિ તેમના ગુરુ મળી ગયા અને બાળ નમ્મળવારને તેમનો પ્રથમ શિષ્ય મળી ગયો.
શિષ્ય મધુર કવિએ ગુરુ પાસેથી ગહનજ્ઞાન ગ્રહણ કર્યું, ભગવાન નારાયણની ઉત્કૃષ્ટ ભક્તિ કરવાની ઊંચી અવસ્થા પ્રાપ્ત કરી અને એમની પ્રેમ ભક્તિના કાવ્યો અને ગીતોની શ્રેષ્ઠ રચનાઓ કરી જીવન સાર્થકતા પ્રાપ્ત કરી. તેમના પદસંગ્રહ દિવ્ય પ્રબંધમાં તેમણે વિષ્ણુ ભક્તિનો મધુર મહિમા સમજાવ્યો છે.