Sabarkantha news: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા 4 લાખથી વધુ પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવવધારો ચૂકવવામાં મોડું કર્યું છે. જેથી અગાઉ પશુપાલકો રોષે ભરાઈને કલેકટરને આવેદનપત્ર આપી ચુક્યા છે. ખેતીની સિઝનમાં પશુપાલકોને નાણાં માટે અન્ય લોકો પાસે હાથ લાંબા કરવાની નોબત આવે છે. જેને લઈ બાયડના ધારાસભ્યએ જણાવ્યું કે, આગામી 7 દિવસ સુધી સાબર ડેરી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોને દૂધનો ભાવફેર નહિ ચૂકવે તો સાબર ડેરીનો ઘેરાવ કરવામાં આવશે. તેમજ બાયડથી પદયાત્રા કરી સાબર ડેરીના ડિરેકટરોને મળીને ભાવફેર અંગે જણાવવામાં આવશે.
અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ચોમાસાના સત્તાવાર આગમન અગાઉ દૂધના ભાવવધારા અંગે વિલંબ કરવામાં આવતે કલેકટરને રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું હતું. હવે જ્યારે વરસાદ વરસી રહ્યો છે, ખેતીની સિઝનમાં પશુપાલકોને નાણાં માટે વલખાં મારવા પડે છે. જેથી બીજા લોકો પાસેથી પૈસા લેવા પડે છે. આ અંગે સાબરકાંઠા જિલ્લાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખથી વધુ પશુપાલકોને ગેરમાર્ગે દોરી અને ઓડિટ ન થયું હોવાનું બહાનું આગળ ધરી સાબર ડેરીએ દૂધનો ભાવફેર પશુપાલકોને ચુકવ્યો નથી. જેને લઈને ખેતીની સિઝનમાં જ પશુપાલકોએ પૈસા માટે બીજાની આગળ હાથ લાંબા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે સાબર ડેરીનો ઘેરાવ થયા બાદ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આગળ આવ્યા છે. ધવલસિંહ ઝાલાએ આજે સાબરડેરીના ડિરેક્ટરોને સાત દિવસ સુધીમાં ભાવ ફેર ચૂકવી દેવાની અપીલ કરી છે. અને જો આ ભાવ ફેર નહીં ચૂકવાયો તો બાયડથી પદયાત્રા કરી સાબર ડેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપી છે.