
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલા સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાયનેક ડૉકટરોના અભાવે ગર્ભવતી અને પ્રસૂતા મહિલાઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગરમાં આરોગ્યની કથળતી પરિસ્થિતિ વચ્ચે હવે ગાયનેક ડૉક્ટરો પણ સરકારી હોસ્પિટલમાં અભાવ જોવા મળી રહ્યો છે.
આરોગ્ય સેવાઓ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ કરાતું હોવા છતાં સુવિધાના નામે મીંડું હોવાથી ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ સામે દર્દીઓ અને તેના પરિવારજનોનો રોષ ભભૂકી ઉઠયો છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મહત્ત્વના શહેર એવા ધ્રાંગધાની સરકારી હોસ્પિટલમાં આસપાસના ગામડાઓ અને શહેરમાંથી સેંકડો દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. જો કે, ખાટલે મોટી ખોડ હોય તેમ આવડી મોટી સરકારી હોસ્પિટલમાં ગાયનેક તબીબો ન હોવાથી અહીં સારવાર લેવા આવતા ગર્ભવતી તેમજ પ્રસૂતા મહિલાઓને ભારે હાલાકી સહન કરવાની નોબત આવી પડી છે. સરકારી હોસ્પિટલમાં જ ગાયનેક ડૉકટર ન હોવાથી મહિલાઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ગરીબ મહિલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કરોડો રૂપિયાના ખર્ચ કરતી સરકાર હોસ્પિટલમાં ગાયનેક તબીબની નિમણૂક નથી કરી શકતી જેથી ધ્રાંગધા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને જનતાએ રોષ વ્યક્ત કર્યો હતો.