
સુરતની મુખ્ય ઓળખ બનેલી હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાંક સમયથી મંદીનો માહોલ છવાયો છે. અનેક રત્ન કલાકારો રોજગારની અસુરક્ષા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ડાયમંડ વર્કર યુનિયન અને GJEPC (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા હાથ ધરવામાં આવેલી નવી પહેલ રત્ન કલાકારો માટે આશાની કિરણ સમાન સાબિત થઈ રહી છે.
10 હજાર રત્નકલાકારોને સહાય
ડાયમંડ વર્કર યુનિયન અને GJEPCના સહયોગથી સુરતમાં કાર્યરત હજારો રત્ન કલાકારોને રૂ. 35,000 નો આરોગ્ય વીમો આપવામાં આવશે. આ વીમો હેઠળ કોઈ પણ તાત્કાલિક આરોગ્ય સેવા માટે તેમને આરોગ્ય સુરક્ષા મળશે, જે આર્થિક સંકટની ઘડીમાં અત્યંત ઉપયોગી બની રહેશે.આ સાથે, સંસ્થાઓ દ્વારા 10,000 રત્ન કલાકારોના બાળકોને શૈક્ષણિક સાહિત્ય — ખાસ કરીને ચોપડાં — વિતરણ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પગલું બાળકના ભવિષ્યના નિર્માણમાં મદદરૂપ બનશે અને ભણતરથી તેમને દૂર રહેવું ન પડે તે જ મુખ્ય ઉદ્દેશ છે.
મંદીમાં રાહત
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો આ કામગીરીમાં સક્રિય રીતે જોડાયા છે. રસ ધરાવતા કર્મચારીઓ 20 મે 2025 સુધીમાં ફોર્મ ભરી આ યોજનાનો લાભ લઈ શકે છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે,"આજના સમયમાં જ્યારે રત્ન કલાકારો રોજગારી અને આરોગ્ય સંબંધિત સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે અમારું ધ્યેય છે કે તેમને આરોગ્ય સુરક્ષા મળી રહે અને તેમના બાળકોનું ભવિષ્ય અંધારું ન બને. અમે રત્ન કલાકારોની સાથે હંમેશા ઊભા છીએ."આ પહેલ સુરતના રત્ન ઉદ્યોગમાં કામ કરતા લોકો માટે એક મહત્વપૂર્ણ સહારો સાબિત થઈ રહી છે, જે નહીં માત્ર હાલના પડકારો સામે લડવામાં મદદરૂપ બનશે પરંતુ આવનાર સમય માટે પણ હિંમત પૂરી પાડશે.