
- ઊભી બજારે
- મે મહિનામાં પામંતેલની આયાત વધી છ લાખ ટન થયા પછી જૂનમાં આવી આયાત સાડા સાત લાખ ટન થવાની શક્યતા!
દેશમાં તેલ તથા તેલીબિંયા બજારોમાં તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. ભારત કૃષી પ્રધાન દેશ ગણાય છે. છતાં હજી પણ દેશમાં ઘણી કૃષી ચીજોનો આપણે પુરવઠા માટે દરિયાપારથી આવતા માલો પર આધાર રાખવો પડે છે એ વાત આશ્ચર્ય પમાડે એવી છે! દેશમાં હજી પણ વિવિધ ખાદ્યતેલોની આયાત કરવી પડે છે. તથા વિવિધ કઠોળમાં આયાત પર પણ આધાર રાખવો પડે છે. ઘરઆંગણે ઉત્પાદન વધારવા સરકાર પ્રયત્નો જો કે સતત કરતી રહી છે તથા આવા પ્રયત્નોમાં તાજેતરમાં વેગ પણ આવ્યો છે એ જોતાં આગળ ઉપર ઘરઆંગણે કૃષી ઉત્પાદનમાં અપેક્ષીત વૃદ્ધી થાય છે કે નહિં તેના પર બજારના જાણકોરાની નજર રહી છે.
દરમિયાન, તાજેતરમાં ઘરઆંગણે પામતેલની આયાત વધ્યાના વાવડ મળ્યા હતા. જાન્યુઆરીથી એપ્રિલના ગાળામાં ઘરઆંગણે જો કે પામતેલની આયાતમાં પીછેહટ દેખાઈ હતી પરંતુ ત્યારબાદ મે મહિનાના બહાર આવેલા આંકડા આયાતમાં ફરી વૃદ્ધી બતાવતા જોવા મળ્યા છે. આ દરમિયાન, ભારત સરકારે દેશમાં આયાત થતા કાચા (ક્રૂડ) ખાદ્યતેલો પરની ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કર્યાના સમાચાર પણ આવ્યા છે. દેશમાં ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ), ક્રૂડ સનફલાવર ઓઈલ, ક્રૂડ સોયાતેલ (ડિગમ) વિ. વિવિધ પ્રકારના કાચા તેલો આયાત થઈ રહ્યા છે તથા આવા કાચા (ક્રૂડ) ખાદ્યતેલો ઘરઆંગણે રિફાઈન્ડ કરીને બજારમાં મૂકવામાં આવે છે.
ઘરઆંગણે કાચા ખાદ્યતેલોની ઈંમ્પોર્ટ ડયુટી તથા રિફાઈન્ડ થયેલા ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી વચ્ચે આ પૂર્વે તફાવત ઓછો રહેતો હતો તથા તેના પગલે દેશમાં રિફાઈન્ડ થયેલા ખાદ્યતેલોની આયાત વધી હતી અને તેના કારણે દેશમાં સ્થાપવામાં આવેલી વિવિધ ઓઈલ રિફાઈનરીઓની સ્થાપિત ક્ષમતાનો વપરાશ ઘટયો હતો. જોકે હવે સરકારે ડયુટીમાં ફેરફાર કરતાં કાચા ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી તથા રિફાઈન્ડ ખાધ તેલોની ઈમ્પોર્ટ ડયુટી વચ્ચેનો તફાવત વઘી ગયો છે અને આના કારણે ઘરઆંગણે હવે આગળ ઉપર રિફાઈન્ડ થયેલા ખાદ્યતેલોની ઈંમ્પોર્ટ ઘટવાની તથા કાચા ખાદ્યતેલોનીઈમ્પોર્ટ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આમ થશે તો હવે દેશની ઓઈલ રિફાઈનરીઓનો સ્થાપીત ક્ષમતાનો વપરાશ વધવાની આશા બજારો તથા ઉદ્યોગમાં જન્મી છે.
દરમિયાન, ભારતમાં તાજેતરમાં મે મહિનામાં પામતેલની આયાત આશરે ૮૬થી ૮૭ ટકા વધી છ મહિનાની નવી ઊંચી ટોચે પહોંચ્યાના વાવડ મળ્યા હતા.ખાદ્યતેલોની બજારના જાણકારોના જણાવ્યા મુજબ દેશમાં મે મહિનામાં પામતેલની આયાત એપ્રિલ મહિનાની સરખામણીએ ૮૬થી ૮૭ ટકા વધી આશરે ૬ લાખ ટનની સપાટીને આંબી ગઈ છે. આવી આયાત આ પૂર્વે ગયા વર્ષના નવેમ્બરમાં દેખાઈ હતી અને ત્યારબાદ ડિસેમ્બરથી આવી આયાત ઘટાડા તરફી થઈ હતી તથા આયાતમાં આવો ઘટાડો છેક આ વર્ષના એપ્રિલ મહિના સુધી જોવા મળ્યો હતો.
જોકે હવે મે મહિનામાં પામતેલની ઈમ્પોર્ટ બાઉન્સ-બેક થતી દેખાઈ છે. પાછલા વર્ષે દર મહિને સરેરાશ આશરે સાડા સાત લાખ પામતેલ ભારતમાં આયાત થતું હતું પરંતુ આ વર્ષે સિનારીયો બદલાયો હતો. તાજેતરમાં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન વૈશ્વિક સ્તરે પામતેલના ભાવ ઉંચા તથા સોયાતેલના ભાવ સરખામણીએ નીચા રહ્યા હતા અને તેના પગલે દેશમાં આ ગાળામાં સોયાતેલની આયાતમાં વૃદ્ધી સામે પામતેલની આયાતમાં પીછેહટ જોવા મળી હતી. જો કે હવે પ્રવાહો પલ્ટાયા છે. દરમિયાન, ભારતમાં ખાદ્યતેલોનો સ્ટોક પણ મે મહિનાના આરંભમાં ઘટી ૧૩થી ૧૫ લાખ ટન આસપાસ ઉતરી ગયો હતો જે જુલાઈ ૨૦૨૦ પછીનું નવું તળિયું બતાવતું હતું. આના પગલે મે મહિનામાં આવી આયાત વધતી દેખાઈ હતી અને જૂનમાં પણ આવો પ્રવાહ જળવાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. દરમિયાન દેશમાં સોયાતેલની આયાત મે મહિનામાં આશરે ૧૦ ટકા વધી ચાર લાખ ટન નજીક પહોંચી છે.
સનફલાવર તેલની આયાતમાં જોકે નજીવી બે ટકાની વૃદ્ધી મે મહિનામાં નોંધાઈ છે તથા આવી આયાત ૧ લાખ ૮૪ હજાર ટન જેટલી જોવા મળી છે.દેશમાં વિવિધ ખાદ્યતેલોની કુલ આયાત મે માં આશરે ૩૬થી ૩૭ ટકા વધી ૧૨ લાખ ટન નજીક પહોંચી છે. પામંતેલની આયાત જૂનમાં સાડા સાત લાખ ટન તથા જુલાઈમાં સાડા આઠ લાખ ટન થવાની શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. નેપાળથી આયાતમાં વૃદ્ધી થતી જોવા મળી હતી. ફ્રી-ટ્રેડ કરારના પગલે નેપાળથી આયાત વધી હતી.