Home / : Steel imports fall due to safeguard duty

Business Plus : સ્ટીલમાં સેફગાર્ડ ડયુટીના પગલે આયાતમાં પીછેહટ

Business Plus : સ્ટીલમાં સેફગાર્ડ ડયુટીના પગલે આયાતમાં પીછેહટ

- ઊભી બજારે 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- સ્ટેનલેસ સ્ટીલની માંગમાં વૃદ્ધીઃ દેશમાં ૧૧ હજાર કિલોમીટરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઈન્ફ્રામાં સ્ટેનલેસ સ્ટીલ વપરાશે એવા સંકેતો

દેશમાં  આયર્ન એન્ડ સ્ટીલની બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો બદલાતા જોવા મળ્યા છે. સામાન્યપણે મોનસૂનના આગમન વચ્ચે દેશમાં બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ચાલતા વિવિધ પ્રોજેકટોમાં કામકાજની ગતી ધીમી પડતી હોય છે તથા ચોમાસામાં આ ક્ષેત્રે ચહલ પહલ ઘટી જતી હોય છે અને આવા માહોલમાં દેશના સ્ટીલ તથા સિમેન્ટના બજારોમાં આ ક્ષેત્ર તરફથી આવતી માંગ મોનસૂન દરમિયાન ધીમી પડતી જોવા મળે છે જો કે સ્ટીલ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે મોનસૂન પૂર્વે મે મહિનામાં પણ બજારોમાં માંગ ધીમી રહી હતી અને હવે જૂનમાં માંગની આવી સુસ્તાઈ આગળ વધી હોવાનું સૂત્રો ધ્વારા જાણવા મળ્યું હતું.  ઈન્ડિયા ક્મપોઝીટ ઈન્ડેક્સ બીગમિન્ટમાં તાજેતરમાં સતત પીછેહટ જોવા મળી હતી. આ ઈન્ડેક્સ દેશનાં સ્ટીલ બજારોની પરિસ્થિતિનું બેરોમીટર બેન્ચમાર્ક ઈન્ડેક્સ ગણાય છે. દરમિયાન,  ભારતમાં આ પૂર્વે દરિયાપારથી સ્ટીલની આયાત એકધારી વધતાં આપણે સ્ટીલના સંદર્ભમાં નેટ ઈમ્પોર્ટર દેશ બની ગયા હતા. જો કે તાજેતરમાં સરકારે આવી બેકાબૂ આયાતને કાબુમાં રાખવા આયાતી સ્ટીલ પર સેફગાર્ડ ડયુટી લાદયા પછી આવી બેકાબુ આયાત કાબુમાં આવી રહ્યાના સંકેતો મળ્યા હતા. 

આવી સેફગાર્ડ ડયુટી પછી મે મહિનામાં દેશમાં સ્ટીલની ઈંમ્પોર્ટમાં આશરે ૪૦ ટકાનો ઘટાડો (વાર્ષિક ધોરણે) જોવા મળ્યો હોવાનું સ્ટીલ બજારના જાણકારોએ જણાવ્યું હતું.  ગયા વર્ષે મે મહિનામાં આવી આયાત ૦.૭૦ મિલિયન ટન થઈ હતી તે આ વર્ષે મે મહિનામાં ઘટી ૦.૪૩ મિલીયન ટન થયાના વાવડ મળ્યા હતા.  ચીનથી આયાત ઘટી  છે. ભારતમાં આ વર્ષે એપ્રિલમાં સ્ટીલની આયાત ૦.૫૨ મિલીયન ટન થઈ હતી તે મે મહિનામાં ઘટી ૦.૪૩ મિલીયન ટન નોંધાઈ હતી. એલોય તથા નોન-એલોય સ્ટીલ તેમ જ સ્ટેનલેસ સ્ટીલની ઈમ્પોર્ટ મે મહિનામાં ઘટતી જોવા મળી હતી. દેશમાં મે મહિનામાં ચીનથી સ્ટીલની ઈમ્પોર્ટમાં ૨૭થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. જો કે આ ગાળામાં સાઉથ કોરિયાથી આયાતનો પ્રવાહ જળવાઈ રહ્યાના વાવડ પણ મળ્યા હતા. ભારતમાં આ વર્ષે જાન્યુઆરીમાં સ્ટીલની આયાત વધી ૦.૯૫ મિલિયન ટન થયા ને ત્યારબાદના મહિનાઓમાં આવી આયાતમાં સતત પીછેહટ જોવા મળી છે. સરકારે સ્ટીલની આયાત પર એપ્રિલમાં ૧૨ ટકાની સેફગાર્ડ ડયુટી લાદી હતી. એ પૂર્વે દેશમાં ચીન તથા વિયેતનામથી મોટા પ્રમાણમાં સ્ટીલની આયાત થતી હતી. આ ઉપરાંત જાપાન તથા સાઉથ કોરિયાથી પણ આવી આયાત ઉંચીસરહેતી હતી. જો કે હવે સિનારીયો બદલાયો છે. ઘરઆંગણે સ્ટીલનાં ઉત્પાદન તથા વપરાશમાં વૃદ્ધી જોવા મળી છે. હોટરોલ્ડ સ્ટીલના બજારભાવ ટનના રૂ.૫૨થી ૫૪ હજાર જ્યારે કોલ્ડ રોલ્ડ સ્ટીલના ભાવ ટનના  રૂ.૬૦ હજાર આસપાસ જોવા મળ્યા છે.

દરમિયાન, ઈન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં ૨૦૨૪-૨૫માં સ્ટેનલેસ સ્ટીલની માગ આશરે ૪૮થી ૪૯ લાખ ટન જેટલી નોંધાઈ છે. ૨૦૨૩-૨૪ની સરખામણીએ ૨૦૨૪-૨૫માં આવી માંગમાં આશરે ૮ ટકાની વૃદ્ધી જોવા મળી છે. ભારતમાં સ્ટેનલેસ સ્ટીલની માંગ વધતી જોવા મળી છે. જો કે ચીનથી થતી આયાતના કારણે ઘરઆંગણાના સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદકોને અસર પડતી જોવા મળી છે. સરકારે સ્ટીલની આયાત પર તાજેતરમાં સેફગાર્ડ ડયુટી લાદી છે તથા હવે સ્ટેનલેસ સ્ટીલની આયાત પર પણ આવી સેફગાર્ડ ડયુટી લાદવાની માંગ શરૂ થઈ છે. ભારતમાં હાલ સ્ટેનલેસ સ્ટીલની કુલ સ્થાપીત ઉત્પાદન ક્ષમતા આશરે ૭૫ લાખ ટનની રહી છે તથા આ ઉત્પાદન ક્ષમતાનો વપરાશ હાલ આશરે ૬૦ ટકાનો રહ્યો છે.  આયાત પર અંકુશો આવશે તો ઘરઆંગણે સ્થાપીત ઉત્પાદન ક્ષમતાનો વપરાશ વધારી શકાશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.  દેશમાં સ્ટેનલેસ સ્ટીલની વાર્ષિક માગ વધી ૨૦૪૭ સુધીમાં ૨૦૦ લાખ ટનને આંબી જવાની શકયતા જાણકારો બતાવી રહ્યા હતા. ચીન તથા વિયેતનામથી થતી સ્ટેનલેસ સ્ટીલની આયાતો પર અંકુશો લાદવા આવશ્યક છે.  દરમિયાન, ભારતમાં દરિયાકાંઠાના પ્રદેશોમાં આશરે ૧૧ હજાર કિલોમીટરની કોસ્ટલ લાઈનમાં ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ફેરફારો કરવા સરકારે સ્ટેનલેસ સ્ટીલનો વપરાશ કરવા વિચારી રહી છે.

- દિલીપ શાહ

Related News

Icon