
ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અને પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાથી આવા કિમિયા પણ કામ લાગતા નથી. આ દરમિયાન કેન્દ્ર શાસીત પ્રદેશ દિવમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરે નવો કિમિયા અજમાવ્યો હતો. પોસ્ટ ઓફિસના માર્કા વાળા થેલામાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સને ઊના પોલીસે ઝડપી પાડ્યો છે.
વિદેશી દારૂની 19 બોટલ મળી આવી
મળતી માહિતી અનુસાર, દિવથી ઊના તરફ બાઈક પર દારૂનો જથ્થો આવતો હોવાની બાતમીના ઊના પોલીસની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે દેલવાડા રોડ પર સઘન પેટ્રોલિંગ ગોઠવી દીધુ હતું. આ દરમિયાન દિવ તરફથી આવતા બાઈકને રોકીને ચાલક નયન જેઠવાની તપાસ કરી હતી.
પોસ્ટ ઓફિસના માર્કા વાળા થેલામાંથી મળ્યો જથ્થો
જેમાં તેની પાસેથી પોસ્ટ ઓફિસના માર્કા વાળા થેલામાંથી વિદેશી દારૂની 19 બોટલ મળી આવી હતી. પોલીસે તેની અટકાયત કરીને દારૂ અને બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.