
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બોઇંગ 787 વિમાન ક્રેશ થયાને આઠ દિવસ થઈ ગયા છે. વિમાનનું બ્લેક બૉક્સ અને કોકપિટ વોઇસ રૅકોર્ડર પણ મળી ગયું છે. પરંતુ તેની તપાસમાં સમય લાગી શકે છે. દુર્ઘટના સ્થળેથી મળેલા માનવ અંગોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, "સાંજે 5.45 વાગ્યા (20/06/2025) સુધીમાં મૃતકોના 231 ડીએનએ નમૂનાઓ તેમના પરિવારના સભ્યો સાથે મેચ કરવામાં આવ્યા છે. તે 231 મેચ થયેલા નમૂનાઓમાંથી 210 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. 21 મૃતદેહોના પરિવારો અન્ય પરિવારના સભ્યના ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યા છે. અમે 10 મૃતકોના પરિવાર સાથે સંપર્કમાં છીએ જેથી તેઓ આવીને મૃતદેહો લઈ શકે. ત્રણ મૃતદેહો એરપોર્ટથી મંજૂરીની રાહ જોઈને પોસ્ટમોર્ટમ રૂમમાં છે. આ 210 માંથી, 16 મૃતદેહો હવાઈ માર્ગે અને 194 રોડ માર્ગે મોકલવામાં આવ્યા છે."
https://twitter.com/AHindinews/status/1936075361399574969
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એક મુસાફર વિશ્વાસકુમારની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ લાગ્યું નથી. વિશ્વાસકુમારને હાલમાં હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેઓ પોતાના ઘરે છે. આ દુર્ઘટનામાં તેમણે પોતાના ભાઈને ગુમાવ્યા છે.
અમદાવાદ વિમાન અકસ્માતમાં અત્યાર સુધી શું થયું
- બપોરે 1 વાગ્યાને 40 મિનિટે વિમાન દુર્ઘટના સર્જાઈ.
- બપોરે 1 વાગ્યાને 42 મિનિટે પોલીસ કંટ્રોલ રૂમમાં સમાચાર આવ્યા.
- બપોરે 1 વાગ્યાને 44 મિનિટે અમદાવાદના કમિશ્નરે ગુજરાતના ડીજી અને ગૃહમંત્રીને જાણકારી આપી.
- બપોરે 1 વાગ્યાને 50 મિનિટ સુધીમાં CISF, આર્મી, RAF અને અમદાવાદ પોલીસના જવાનો રાહત કાર્યમાં લાગી ગયા.
- 12 તારીખે રાત્રે 12 વાગ્યા સુધીમાં DNAના 51 સેમ્પલ પહોંચાડી દેવામાં આવ્યા.
- ઘટના સાથે સંકળાયેલા તમામ વીડિયો અને ફોટાની તપાસમાં અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.