
- દ્રોણ દૂરંદેશી હતા તાલાવેલી જોઈ સમજી ગયા, આ યુવાન ભલભલાને ટપી જાય તેવો છે. દ્રોણે કહ્યું. ''યુવાન, હું રાજ્યનો આશ્ચિત છું. ફક્ત રાજકુમારોને જ ધનુર્વિદ્યા શીખવવા વચનબધ્ધ છું.''
એકલવ્ય નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર હતો. તે જંગલમાં રહેતો. તેને ધનુર્વિધા શીખવાની ધગશ હતી. સમજણો થયો ત્યારથી પિતાને કહેતો. ''હું શ્રેષ્ઠ બાણાવળી બનીશ. મેં ગુરુ દ્રોણાચાર્યનું નામ સાંભળ્યું છે. હું તેમની પાસે જ વિદ્યા શીખીશ.'' આ તેની તીવ્ર ઈચ્છા હતી. એક દિવસ કોઈને કહ્યા વગર ખભે ધનુષ્ય ભેરવી ભાથામાં બાણ નાખી હસ્તિનાપુર ભણી નીકળી પડયો. સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. આથમતી સાંજે દ્રોણ દૂરથી આવતા જોયા. તે દોડીને તેમના પગે પડયો દ્રોણ આશ્વર્ય પામ્યા. બે ઘડી તેને જોઈ જ રહ્યા. એકલવ્યએ કહ્યું ''ગુરુદેવ, મને ધનુર્વિધા શીખવાડશો ?'' દ્રોણ આવો ધારદાર સવાલ સાંભળી અવઢવમાં પડયા. તેમણે જોયું યુવાનમાં ખુમારી હતી. ધગશ હતી. થનગનાટ હતો. નીડરતા હતી. શિષ્ય બનવાનો વિનય વિવેક હતો. પણ દ્રોણ દૂરંદેશી હતા. તેની તાલાવેલી જોઈ સમજી ગયા. આ યુવાન ભલભલાને ટપી જાય તેવો છે. જો હું આને બાણવિદ્યા શીખવાડીશ તો અર્જુનનેય પાછો પાડી દેશે ! દ્રોણે કહ્યું. ''યુવાન, હું રાજ્યનો આશ્ચિત છું. ફક્ત રાજકુમારોને જ ધનુર્વિદ્યા શીખવવા વચનબધ્ધ છું.'' ભીલ કુમાર એકલવ્ય નતમસ્તકે પગનાં અંગૂઠાથી જમીન ખોતરતો ઊભો રહ્યો. જરાય કડવાશ રાખ્યા વગર ગુરૂને પગે પડયો. આંખમાંથી વહેતા આંસુ ગુરૂને ચરણે પડયાં. જતાં જતાં કહ્યું ''ગુરૂદેવ, જ્યારથી આપનું નામ સાંભળ્યું છે ત્યારથી મનોમન મેં આપને ગુરુ માની લીધા છે. હવે બીજા કોઈ પાસે વિદ્યા નહિ શીખું. શીખીશ તો આપની પાસેથી જ શીખીશ.''
સમય વીતતો ગયો. એકવાર પોતાની ધનુર્વિદ્યાની સાધનામાં વિક્ષેપ કરતા એક ભસતા કૂતરાના અવાજને શાંત કરવા એકલવ્યએ કૂતરાનું મોં તીરોથી એવી રીતે ગૂંથી દીધું કે તે મોં ના ખોલી શકે અને તેના મોઢા પર તીરની અણીનો જરા સરખો ધસરકો ના પડે ! એ કૂતરો ફરતો ફરતો દ્રોણ પાસે ગયો. ત્યાં રાજકુમારો પણ હતા. અર્જુનને વહેમ થયો. આટલી સૂક્ષ્મ બાણવિદ્યા ગુરૂદ્રોણ સિવાય કોઈ નથી જાણતું. તેણે ગુરુ સામે જોયું. ગુરુ દ્રોણ રાજકુમારો સાથે ચાલતા ચાલતા એકલવ્ય પાસે આવ્યા. વડની છાયા નીચે ભીલકુમાર દ્રોણની માટીની મૂર્તિની બાજુમાં ઊભો હતો. અને નિશાન તાકી એક પછી એક બાણ છોડતો હતો. ત્યાં તે દ્રોણમય બની ગયો હતો. જાણે ગુરુદ્રોણ તેનામાં એકાકાર થઈ ગયા હતા. દ્રોણાચાર્ય તેની પાસે ગયા. એકલવ્ય એ તેમના ચરણ સ્પર્શ કર્યા. દ્રોણે તેને બિરદાવ્યો. ''શાબાશ, ભીલકુમાર શાબાશ. તું મારી મૂર્તિ બનાવી, તેમાંથી વિદ્યા શીખવાની પ્રેરણા લઈ રહ્યો છે. તેથી હું પ્રસન્ન છું.'' એકલવ્યને આનંદ થયો. ''ગુરૂદેવ, તમે નારાજ તો નથી ને ? મેં તમને જ ગુરુ માન્યા છે. બોલો, ગુરૂ-દક્ષિણામાં શું આપું ?'' શાંતિ છવાઈ ગઈ. ગુરૂ ઘૂંટાતા સ્વરે બોલ્યા. ''ગુરૂ દક્ષિણા આપવી જ હોય તો તારા જમણા હાથનો અંગૂઠો આપ!!'' સૌ ચકિત થઈ ગયા. પણ એકલવ્યએ તરત તીક્ષ્ણ તીરથી અંગૂઠો કાપી ગુરુ ચરણે ધરી દીધો. ''ગુરુદેવ બસ, અંગૂઠો જ માંગ્યો ?'' માંગ્યો હોત તો આ જમણો હાથ પણ આપી દેત !! દ્રોણની આંખોના ખૂણા ભીના થઈ ગયા. ડૂમો બાઝી ગયો. પણ જતાં જતાં ઈશારાથી તેમણે એકલવ્યને સમજાવી દીધું કે કેવી રીતે તે તર્જની અને મધ્યમા આંગળીથી બાણ પકડી ધનુષ્યની દોરી ખેંચી શકે છે. (તત શરં તુ.... યથાપૂર્વ નરાધિપ - આદિપર્વ) એકલવ્યને વિદ્યા મળ્યાનું અભિમાન નહોતું - ગર્વ હતો. અંગૂઠો ગુમાવ્યાનો અફસોસ નહોતો-ખુમારી હતી. એકલવ્યએ પિતાને કહ્યું હતું તે શ્રેષ્ઠ-બાણાવળી બનશે, તેણે બની બતાવ્યું. મહાભારતમાં ત્યારપછી ક્યાંય ઉલ્લેખ નથી કે તેણે અંગૂઠા વગરનો હાથ જોઈને અફસોસ કર્યો હોય. તેની સાથે થયેલા દુરાચાર બાબતે હૈયાવરાળ ઠાલવી હોય. તેણે જે કહ્યું તે કર્યું અને જે કર્યું તે કોઈની આંખે ચડવાના દીધું. (ના પ્રાપ્તં તયસઃ કિંચિત્) આ દુનિયામાં એવું કંઈ જ નથી જે મહેનત કરવાથી, સંકલ્પ કરવાથી કે તપ કરવાથી પ્રાપ્ત ના કરી શકાય. જેની આંખોમાં કંઈક અલૌકિક મળી ગયાની ખુશી છલકાતી હોય તે તેની પાછળની પીડા કે યાતના જાહેર નથી કરતા. જેનામાં અવ્વલ દરજ્જાના સદ્દગુણોની મસ્તી હોય તે પોતાની ઈમાનદારી પવિત્રતા કે સહજ પ્રાવીણ્યને કિંમતી દાગીનાની માફક અંતરની તિજોરીમાં સાચવી રાખે છે. દેખાડો કરતા નથી.
મહારાજા સયાજીરાવના સમયે એ.આર. શિંદે નામના એક જિલ્લા ન્યાયાધીશ હતા. સયાજીરાવના પ્રિય અને આદરપ્રાત્ર હતા. મહારાજા જ્યાં જતાં તેમને સાથે લઈ જતા એકવાર તે ફ્રાન્સમાં હતા. પેરિસના એક સ્ટોરમાં શિંદેની સલાહથી મહારાજાએ કેટલાક હીરા ખરીદ્યા. બિલ બની ગયું. બીજે દિવસે સ્ટોરનો મેનેજર શ્રીશિંદેને મળ્યો. ''મિ. શિંદે તમને તમારૃં કમિશન ચેકથી આપું કે રોકડેથી ?'' શિંદે બે ઘડી જોઈ રહ્યા. સર, તમે મહારાજાને અમારા સ્ટોરમાંથી ખરીદી કરવા કહ્યું તેનું આ કમિશન છે. અમારા સ્ટોરની પ્રથા મુજબ જે વ્યક્તિ ગ્રાહકને લઈને આવે છે તેને કમિશન અપાય છે.'' શ્રી શિંદે જોતા જ રહ્યા. સ્ટોર મેનેજર સામે જોઈને કહ્યું, ''મિ.મેનેજર હું આવું કોઈ કમિશન લેતો નથી. તમે એક કામ કરો આ કમિશનની રકમ બિલની રકમમાંથી બાદ કરી આપો.'' મેનેજર આશ્વર્ય પામ્યો. પછી કહ્યું ''સર, તમારી ઈમારદારીની હું કદર કરું છું. મારે આ વાત તમારા મહારાજને જણાવવી જ જોઈએ. હું ઘણો પ્રભાવિત થયો છું. એટલે શિંદેએ કહ્યું - ''પ્લીઝ, આ વાત મહારાજને ના કરશો. પ્રામાણિકતા કે ઈમાનદારીએ મારો અંગત જીવનધર્મ છે. તેનું આ રીતે પ્રદર્શન ના કરાય.'' મેનેજર નતમસ્તક થઈ વિદાય થયો. એકવાર આતમનો અણસાર આવી જાય પછી દુનિયાદારી સામે કોણ જુએ ? આવા સદાચારી મળે ત્યારે હ્ય્દય નાનું પડે એટલો આનંદ થાય. જગતમાં એવા બહુ ઓછા જોવા મળે છે. જેમનો અંતઃપ્રવાહ ગંગાના નીર જેવો પવિત્ર હોય અને જેમને જોઈને એ નિર્મળ પ્રવાહમાં આપણને પૂજ્યતાના દીવા તરતા મૂકી દેવાનું મન થાય.''