Home / Sports : IND vs ENG Edgbaston test day 4 highlights

IND vs ENG / શુભમન ગિલની રેકોર્ડ સદી, સિરાજ-આકાશ દીપે મચાવી ધમાલ, જીત તરફ આગળ વધી ટીમ ઈન્ડિયા

IND vs ENG / શુભમન ગિલની રેકોર્ડ સદી, સિરાજ-આકાશ દીપે મચાવી ધમાલ, જીત તરફ આગળ વધી ટીમ ઈન્ડિયા

કેપ્ટન શુભમન ગિલની રેકોર્ડ ઈનિંગ બાદ, બોલરોના દમ પર ટીમ ઈન્ડિયા એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં જીત તરફ આગળ વધી છે. ગિલની બીજી ઈનિંગમાં 161 રનના આધારે, ભારતે ઈંગ્લેન્ડને 608 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શનિવારે ચોથા દિવસની રમતના અંત સુધીમાં, ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિવસના અંતે, ઓલી પોપ 24 રન બનાવીને અને હેરી બ્રુક 165 રન બનાવીને અણનમ પાછા ફર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ટાર્ગેટથી 536 રન પાછળ છે. ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 587 રન બનાવ્યા હતા. જેની સામે ઈંગ્લેન્ડે પોતાની પહેલી ઈનિંગમાં 407 રન બનાવ્યા હતા. આ સાથે ટીમ ઈન્ડિયા બીજી ઈનિંગમાં 180 રનની લીડ સાથે મેદાનમાં ઉતરી હતી. મહેમાન ટીમે છ વિકેટના નુકસાન પર 427 રનના સ્કોર પર પોતાની બીજી ઈનિંગ ડિકલેર કરી હતી.

ગિલની રેકોર્ડ સદી

ભારતે ચોથા દિવસની શરૂઆત એક વિકેટના નુકસાન પર 64 રનથી કરી હતી. કરુણ નાયરે સાત રન અને કેએલ રાહુલે 28 રન સાથે પોતાની ઈનિંગ આગળ વધારી. નાયર ફરી એકવાર સારી શરૂઆતને મોટી ઈનિંગમાં ન ફેરવી શક્યો. તેને બ્રાયડન કાર્સે આઉટ કર્યો. નાયર 46 બોલમાં 26 રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગાનો સમાવેશ થાય છે. રાહુલ પોતાની અડધી સદી પૂરી કર્યા પછી જોશ ટંગના બોલ પર બોલ્ડ થયો હતો. તેણે 84 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. આ પછી ગિલ અને રિષભ પંતે ઈંગ્લેન્ડના બોલરો પર સામે એટેક શરૂ કર્યો. બંનેએ સદીની પાર્ટનરશિપ કરી.

પંત 58 બોલમાં 65 રન બનાવીને આઉટ થયો, પરંતુ ગિલે પોતાનો જલવો બતાવ્યો અને જોરદાર બેટિંગ કરી. તેણે પોતાની સદી પૂર્ણ કરી અને આ સાથે તેણે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું. ગિલે પહેલી ઈનિંગમાં 269 રન બનાવ્યા હતા. તે એક જ ટેસ્ટ મેચમાં બેવડી સદી અને સદી ફટકારનાર વિશ્વનો નવમો અને ભારતનો બીજો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા સુનીલ ગાવસ્કર આ યાદીમાં એકમાત્ર ભારતીય હતા. આ ઉપરાંત, તે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે.

ગિલ અને જાડેજાની પાર્ટનરશિપ

પંત પછી આવેલા રવિન્દ્ર જાડેજાએ પણ ગિલને સપોર્ટ આપ્યો. તે બંનેએ પણ સદીની પાર્ટનરશિપ કરી. આ દરમિયાન, ગિલ 150 રનનો સ્કોર પાર કરી ગયો હતો અને બેટ જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. પછી બશીરનો એક બોલ ઉછળ્યો, જેના પર ગિલ છેતરાઈ ગયો અને બશીરે તેનો કેચ પકડ્યો. ભારતીય કેપ્ટને 162 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 161 રનની ઈનિંગ રમી હતી.

ગિલના ગયા પછી, નીતિશ કુમાર રેડ્ડી એક રન બનાવીને આઉટ થયો. ત્યારાબ્દ્દ આવેલા વોશિંગ્ટન સુંદરે 7 બોલમાં 12 રન બનાવ્યા અને આ સાથે ભારતે ઈનિંગ ડિકલેર કરી. વોશિંગ્ટન સુંદર સાથે જાડેજા 118 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 69 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારતીય બોલરોનું વર્ચસ્વ

ઈંગ્લેન્ડ સામે 608 રનનો પડકાર હતો. યજમાન ટીમ જાણતી હતી કે આ ટાર્ગેટને ચેઝ કરવો અશક્ય છે. તેના બેત્સ્મને મેચ ડ્રો કરવા માટે રમવા આવ્યા હતા. જોકે, ભારતીય બોલરોએ તેમના આ સ્વપ્નને જોખમમાં મૂક્યું છે. મોહમ્મદ સિરાજે જેક ક્રોલીને પવેલિયન મોકલીને ભારતને પહેલી સફળતા અપાવી હતી.

તેની વિકેટ 11 રનના કુલ સ્કોર પર પડી. આકાશ દીપના ઉત્તમ ઈનસ્વિંગથી બેન ડકેટ 25 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. આ પછી આકાશ દીપે જો રૂટને પણ આઉટ કર્યો અને ટીમ ઈન્ડિયાએ જીત તરફ વધુ એક પગલું ભર્યું. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે હજુ 536 રનની જરૂર છે, જ્યારે ભારતને જીત માટે 7 વિકેટની જરૂર છે.

ભારત માટે ઐતિહાસિક જીત હશે

જો ભારત આ મેચ જીતી જાય છે તો તે એક ઐતિહાસિક જીત હશે, કારણ કે ટીમ ઈન્ડિયા આજ સુધી ક્યારેય ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટનમાં એક પણ ટેસ્ટ મેચ નથી જીતી. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 8 ટેસ્ટ રમાઈ છે. જેમાંથી 7 મેચ ઈંગ્લેન્ડે જીતી છે અને 1 મેચ ડ્રો ગઈ છે. જો ભારત આજે (6 જુલાઈ) મેચ જીતે છે તો તે એક નવો રેકોર્ડ હશે.

Related News

Icon