
America News: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાસાના વડા બનાવવા માટેનું જેરેડ ઈસાકમેનનું નામાંકન પાછું ખેંચવા જઈ રહ્યા છે. જેરેડ ઇસાકમેન એક અબજોપતિ ઉદ્યોગપતિ છે અને એલોન મસ્કના નજીકના માનવામાં આવે છે. જો કે, વ્હાઇટ હાઉસ અને નાસા દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ટ્રમ્પ દ્વારા નવા ઉમેદવારની જાહેરાત કરાશે
અહેવાલો અનુસાર, નાસાના આગામી વડા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ સાથે સંપૂર્ણપણે સુસંગત હોય તે જરૂરી છે અને ટ્રમ્પ દ્વારા ટૂંક સમયમાં નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. ડિસેમ્બરમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેરેડ ઈસાકમેનને નાસાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઈસાકમેન એલોન મસ્કના ખાસ ગણાય છે
ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા નાસાના વડા પદ પરથી એલોન મસ્કના નજીકના સહાયકનું નામ પાછું ખેંચવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે. જ્યારે મસ્કે તાજેતરમાં ટ્રમ્પ સરકારમાં સરકારી કાર્યક્ષમતા વિભાગના વડાનું પદ પણ છોડી દીધું છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. બંને વચ્ચે ઘણાં મુદ્દાઓ પર મતભેદો છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પ દ્વારા ઈસાકમેનનું નામાંકન પાછું ખેંચવાના નિર્ણય પાછળ આ પણ કારણ હોઈ શકે છે. ઈસાકમેન શિફ્ટ4 નામની કંપનીના સ્થાપક અને સીઈઓ છે. ઈસાકમેન વર્ષ 2021માં એલોન મસ્કની સ્પેસએક્સની પ્રથમ ચાર્ટર્ડ ફ્લાઇટમાં ટિકિટ ખરીદી હતી, ત્યારથી બંને વચ્ચે સારી મિત્રતા છે.