ભારતીય રિઝર્વ બેંકએ શુક્રવારે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે રેપો રેટ ઘટીને 5.5 ટકા થઈ ગયો. વર્ષ 2025 માં આ ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં એક જ સમયે કરવામાં આવેલ આ સૌથી મોટો દર ઘટાડો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ની ત્રણ દિવસીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રેપો રેટમાં ઘટાડા બાદ હોમ લોન, ઓટો લોન જેવી રિટેલ લોન સસ્તી થવાની અને માસિક હપ્તો એટલે કે EMI ઘટવાની અપેક્ષા છે.

