
ગોધરા તાલુકા પંચાયતના સરકારી ક્વાટર્સની ફાળવણીમાં ગેરરીતીનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે વર્ષ 2011થી સરકારી નિયમોની વિરુદ્ધ કરાર આધારિત કર્મચારી પ્રવિણ સોનેરાને સરકારી ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો છે, જેના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે.
માત્ર 66 રૂપિયાના નજીવા દરે ફાળવવામાં આવ્યું
આ ક્વાર્ટર તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દ્વારા માત્ર 66 રૂપિયાના નજીવા દરે ફાળવવામાં આવ્યું હતું, જે સરકારી નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન દર્શાવે છે, કારણ કે સરકારી ક્વાર્ટર સામાન્ય રીતે કાયમી સરકારી કર્મચારીઓ માટે જ ફાળવવામાં આવે છે, ખાનગી એજન્સીના કરાર આધારિત કર્મચારીઓ માટે નહીં.
તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા
ગુજરાત મુલ્કી સેવા નિયમો, 2002 અનુસાર, સરકારી ક્વાર્ટર ફાળવણી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા છે, જેમાં કરાર આધારિત કર્મચારીઓને આવાસનો હક નથી. આ ઉપરાંત, નજીવા દરે ક્વાર્ટર ફાળવવું નાણાકીય નિયમોનું પણ ઉલ્લંઘન ગણાય. આ મામલે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.