
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને સમાચારમાં છે. બે વાર છૂટાછેડા લીધા બાદ આ અભિનેતા ફરી એકવાર પ્રેમમાં પડ્યો છે. હોળીના પ્રસંગે, તેણે ખુલાસો કર્યો હતો કે તે એક મહિલાને ડેટ કરી રહ્યો છે. તેણે પાપારાઝી સાથે મીટિંગનું પણ આયોજન કર્યું હતું પરંતુ તેમને વીડિયો અને ફોટા ક્લિક કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારથી આમિર ખાને તેની નવી ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે, ત્યારથી તે સમાચારમાં છે. 60 વર્ષની ઉંમરે અભિનેતાના પરિવારજનો તેના અફેર અંગે કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? આમિરની બહેન નિખતે આ વાતનો ખુલાસો કર્યો છે.
આમિરની બહેને ગૌરી વિશે શું કહ્યું?
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ સ્કિલ્સ બતાવી ચુકેલી નિખત ખાને આમિર ખાનના અફેર અને તેની નવી ગર્લફ્રેન્ડ પર પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં, નિખતે તેની આગામી મલયાલમ ફિલ્મ 'L2: એમ્પુરાણ' ના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી. આ દરમિયાન, જ્યારે નિખતને આમિરની નવી ગર્લફ્રેન્ડ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, "અમે આમિર અને ગૌરી માટે ખૂબ ખુશ છીએ કારણ કે તે ખૂબ જ સારી વ્યક્તિ છે અને અમે ઈચ્છીએ છીએ કે તેઓ હંમેશા ખુશ રહે."
આમિરનો સંબંધ ક્યારે શરૂ થયો?
હોળીના અવસર પર આમિર ખાને તેની ગર્લફ્રેન્ડનો પરિચય કરાવ્યો અને કહ્યું કે તે બેંગલુરુની રહેવાસી છે. આમિર છેલ્લા 25 વર્ષથી ગૌરી સ્પ્રેટને ઓળખતો હતો, પરંતુ કોઈ કારણોસર બંને સંપર્કમાં નહતા. પરંતુ તેઓ 2 વર્ષ પહેલા ફરી મળ્યા હતા અને દોઢ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ગૌરીના કરિયરની વાત કરીએ તો તે આમિરની પ્રોડક્શન કંપનીમાં કામ કરે છે. તેણે પહેલાથી જ છૂટાછેડા લીધેલા છે અને એક બાળકની માતા છે.
આમિરના બે વાર છૂટાછેડા થયા છે
આમિર ખાનની વાત કરીએ તો તેણે બે વાર લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન 1986માં રીના દત્તા સાથે થયા હતા અને 2002માં બંનેના છૂટાછેડા થયા હતા. રીનાથી તેને બે બાળકો છે. પછી 2005માં, તેણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને એક પુત્ર છે. કિરણ અને આમિરના 2021માં છૂટાછેડા થયા હતા.