
એક વ્યક્તિ અને એક એક્ટર તરીકે અભિષેક બચ્ચન સાથે હમેશાં પરોક્ષ અન્યાય થતો આવ્યો છે. ૩૦ જૂન, ૨૦૦૦ ના રોજ એણે કરીના કપૂર સાથે જે.પી. દત્તાની ફિલ્મ 'રિફ્યુજી' થી ડેબ્યુ કર્યું. રિફ્યુજી અભિષેકની પહેલી મૂવી હોવા છતાં એનું પર્ફોર્મન્સ કોઈ રીતે નબળું નહોતું. ઓવર- ડ્રામેટિક થયા વિના એણે પોતાના પાત્રને સારો ન્યાય આપ્યો હતો. પરંતુ એના કમસનીબે કરીનાનું અપ્રતિમ સૌંદર્ય ફિલ્મ પર છવાઈ ગયું. લોકોએ જુનિયર બચ્ચન રિફ્યુજીમાં કપૂર પરિવારની પુત્રીની તાજગીસભર બ્યુટીની વધુ નોંધ લીધી. રિફ્યુજી એક હિટ નહિ તો એવરેજ ફિલ્મ તો હતી જ, પરંતુ એની આસપાસ જ રિલીઝ થયેલી હૃતિક રોશનની ડેબ્યુ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' સુપરડુપર હિટ થઈ ગઈ. એમાં અભિષેકના ભાગે આવેલી આંશિક સફળતા ઢંકાઈ ગઈ.
શરૂઆત જ અન્યાયથી થઈ અને પછી એ સિલસિલો વરસો સુધી ચાલતો રહ્યો. અભિષેકે હમણાં ૩૦ જૂને પોતાના કરીઅરની સિલ્વર જ્યુબિલી ઉજવી. ૨૫ વરસોમાં એણે કોઈ હિટ ફિલ્મ નથી આપી એવું નથી, પરંતુ ફિલ્મની સક્સેસનો શ્રેય બીજા એક્ટર્સ લઈ ગયા. 'બન્ટી ઔર બબલી 'નો જ દાખલો લઈએ. રાની મુખરજી અને એબી જુનિયરનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મ સુપર હિટ હતી પણ તેનો શ્રેય અમિતાભ બચ્ચનને મળ્યો! બન્ટી ઔર બબલીનું 'કજરા રે કજરારે...' ગીત એટલું પોપ્યુલર થયું કે રાનીને અભિષેકની મહેનત ભુલાઈ ગઈ. સૌથી મોટો ખેદ તો એ વાતનો છે કે અભિષકની સરખામણી એના મહાનાયક પિતા સાથે થતી આવે છે. એમનો દીકરો એમના જેટલી ઊંચાઈ પર પહોંચે એવી અપેક્ષા રાખવી યોગ્ય નથી.
અમિતાભ બચ્ચન આ વાત સમજે છે. એટલે એમણે પુત્રના ફિલ્મોમાં ૨૫ વરસનો પ્રવાસ પુરો કરવા પ્રસંગે વખાણ કરતા કહ્યું કે અભિષેક બધી રીતે પ્રશંસાને લાયક છે. એણે જે રીતે ફિલ્મો અને રોલ્સ પસંદ કર્યાં છે એ કાબેલિદાદ છે. એની દરેક ભૂમિકા એના ડેડિકેશનની સાક્ષી પુરે છે.
કમનસીબે, જુનિયર બચ્ચનને પોતાના ઘરમાં જ બે મોટી હસ્તીઓ સાથે કમ્પીટીશન કરવાની આવી. એક મિલેનિયમ સ્ટાર પિતા અને બીજી ઈન્ટરનેશનલ બ્યુટી ઐશ્વર્યા રાય! આવી મોટી સેલિબ્રિટીઝ વચ્ચે રહીને પણ અભિષેક ૨૫ વરસથી અડીખમ ઊભો રહ્યો છે. એ કદાચ નાસીપાસ થયો હશે પણ હાર્યો નથી. ચુપચાપ પોતાનું કામ કરતો રહ્યો છે. પરિણામે હવે એના ભાગે એક એક્ટર તરીકે સ્વીકૃતિ અને સક્સેસ મળ્યાં છે. જુનિયર બચ્ચનની 'દસવી' (૨૦૨૨) અને 'આય વાન્ટ ટુ ટોક' જેવી ફિલ્મો ઓટીટી પર સારી ચાલી. આ વરસે ઓટીટી પર આવેલી એની ફિલ્મ 'બી હપ્પી'ને પણ સક્સેસ મળી, વળી, અભિષેક બચ્ચન હવે શાહરૂખ ખાનની મલ્ટીસ્ટારર બિગ બજેટ ફિલ્મ 'કિંગ' માં પણ આવી રહ્યો છે. ટૂંકમાં, સમીક્ષકોની સાથોસાથ દર્શકો પણ એક્ટરના ઓવારણ લેતા થયા છે.
મિડીયા સમક્ષ પોતાની અઢી દશકની જર્નીનું મૂલ્યાંકન કરતા ૪૯ વરસનો શાંત અને ધીરગંભીર એક્ટર કહે છે, 'આ ૨૫ વરસોમાં એક્ટર તરીકે મારામાં સારો એવો સુધારો થયો છે એવી આશા રાખું છું. ગમે તે હોય, એક વાત ચોક્કસ કરતા આજે હું એક્ટર તરીકે વધુ કમ્ફર્ટેબલ છું. એક વ્યક્તિ તરીકે પણ હવે હું પરિસ્થિતિઓને વધુ સારી રીતે સંભાળી શકું છું. ધેટ ઈઝ ઓલ ધેટ મેટર્સ.'
અભિષેકે પાછલા વરસોમા વિવિધ જોનર્સની ફિલ્મો પર હાથ અજમાવ્યો છે. ધીરુભાઈ અંબાણીની બાયોપિક મનાતી મણિત્નમની ફિલ્મ 'ગુરુ'માં એક ઉદ્યોગપતિની લાઈફમાં આવતી ઉથલપાથલને પડદા પર જીવંત કરી. 'ધૂમ' સિરીઝમાં એ એક્શન અવતારમાં જોવા મળ્યો તો 'બોલ બચ્ચન' અને 'હાઉસફૂલ-૫' એણે કોમેડી રોલ્સ કર્યાં. એ બધામાં કોમેડી કરવાનું સૌથી અઘરું લાગ્યું હોવાનું કબુલતા એક્ટર કહે છે, 'એક્ટર માટે કોમેડી સૌથી મોટી કસોટી કરનારું જોનર છે. ડ્રામેટિક સીનમાં તમે વચ્ચે એક પોઝ લઈ શકો, પરંતુ કોમેડીમાં તમને એ છૂટ ન મળે. તમારે ટાઈમિંગ જાળવવું પડે. ઈન શોર્ટ, કોઈપણ સીનને ફની બનાવવો ડિફિકલ્ટ છે.'
હૃતિક રોશન અને અભિષેક બાળપણથી સારા મિત્રો છે. બંનેએ લગભગ સાથે કરીઅર શરૂ કર્યુ હતુ. હૃતિકની પહેલી જ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' એ રેકોર્ડ બિઝનેસ કર્યો. બોલિવૂડમાં એની ગણના નવા સુપરસ્ટાર તરીકે થવા માંડી, જ્યારે અભિષેકની શરૂઆત પ્રમાણમાં નબળી રહી.
થોડા અરસા પહેલા એક ઈન્ટરવ્યુમાં એ વિશે વાત કરતાં એબી જુનિયર કહે છે, ' હા, મારી અને હૃતિકની તુલના થતી હતી એ વાત સાચી છે, પણ મને એની કદી ઈર્ષ્યા નહોતી થઈ. મેં ક્યારેય એ વિશે વિચાર્યું જ નથી કારણ કે હું કદી કોઈ સાથે સ્પર્ધામાં નથી ઉતર્યો. કોઈ જાતના અભિમાન વગર કહું છું કે હું કરી શકું એ બીજું કોઈ કરી ન શકે. એ જ રીતે બીજા કરે એવું હું ન કરી શકું. આર્ટિસ્ટોની સરખામણી કરવી મને ગમતી નથી, કારણ કે એ કળાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.'
તાજેતરમાં અભિષેકની 'કાલિધર લાપતા' નામની ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થઈ છે. અભિષકમાં ધીરજ છે, અને હવે તો પરિપક્વતા અને અનુભવ બન્ને છે. અભિષેક ભવિષ્યમાં આશ્ચર્યો સર્જી શકે છે...