
'જો તમે દિલથી પૂરેપૂરી મહેનત કરી હોય તો નિષ્ફળતાની ટીકા પણ ડંખતી નથી. જ્યારે બધું સમુસુતરું ચાલતું હોય ત્યારે નકારાત્મકતા આસપાસ પણ ફરકતી નથી, પણ કઠિન દિવસોમાં શંકાની ફૂંક પણ ભારે પડે છે.'
તો,અક્ષયકુમારની હિટ ફિલ્મ 'કેસરી'ની આગામી સિક્વલ 'કેસરી - ચેપ્ટર ટુ'માં અનન્યા પાંડેનો લુક જાહેર થઈ ગયો છે. એના પાત્રનું નામ છે, દિલરીત કૌર. જલિયાવાલા બાગના હત્યાકાંડ પછીના ઘટનાક્રમ વિશે આ ફિલ્મમાં વાત થઈ છે. 'કેસરી - ચેપ્ટર ટુ'
અનન્યાનું છેલ્લું એક વર્ષ ખાસ્સું ઘટનાપ્રચુર રહ્યું - પર્સનલી અને પ્રોફેશનલી, એમ બન્ને રીતે. અનન્યા તેના દર્શકો સાથે અગાઉ કરતા વધુ મજબૂત સંધાન અનુભવી રહી છે. એની આ લાગણી ત્યારે વધુ મજબૂત બની જ્યારે એક બાળકીએ સ્કૂલની વકતૃત્વ સ્પર્ધામાં પૂરા જોશથી 'આઈ એમ બૅ, આઈ એમ હીયર ટુ સ્લે' વાક્ય ઉચ્ચાર્યું. આ અનન્યાની વેબ સિરીઝનો ડાયલોગ છે. અનન્યાને એના ફાધર ચંકી પાંડેએ કહેલી એક વાત યાદ આવી ગઈ. ચંકી પાંડેએ કહેલું કે બેટા, જ્યારે કોઈ કલાકારની નકલ કે મિમિક્રી થાય ત્યારે સમજવું કે તેણે દર્શકો પર છાપ છોડી છે.
અન્ય સ્ટાર કિડ્સની જેમ અનન્યાએ પણ સતત ટ્રોલિંગ અને નેપોટિઝમના આક્ષેપો સહેવા પડયા છે. અનન્યા કહે છે, 'સારો સમય ચાલી રહ્યો હોય ત્યારે નકારાત્મક ટિપ્પણીઓ વધુ અસર નથી કરતી, પણ કઠિન સંજોગો હોય ત્યારે નજીવાં નિવેદનો પણ ઘા કરી જાય છે. સ્ટાર કિડ હોવાનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ છે કે અભિનય ક્ષમતા હોવા છતાં પોતાની જાતને સતત સાબિત કરતાં રહેવું પડે છે, અન્યથા તેમના પર નેપોટિઝમના આરોપ લાગવા માંડે છે.'
ખાસ કરીને 'લાઈગર'ની નિષ્ફળતાવાળો ગાળો અનન્યા માટે મુશ્કેલ સમય હતો. આ ફિલ્મથી વિજય દેવકોન્ડા જેવો સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર બોલિવુડમાં એન્ટ્રી મારી રહ્યો હતો. 'લાઇગર' એક ખૂબ હાઇ પ્રોફાઇલ ફિલ્મ હતી, પણ એનો એવો ધબડકો થયો કે ન પૂછો વાત. ફિલ્મ રિલીઝ થઈ તેના બે જ દિવસ પછી અનન્યાએ 'ડ્રીમગર્લ-ટુ' માટે શૂટિંગ કરવાનું હતું. 'લાઈગર'ની ટીકા અને નિષ્ફળતાએ તેના આત્મવિશ્વાસને હચમચાવી નાખ્યો. 'ડ્રીમગર્લ-ટુ'ના સેટ પર પહેલી વાર એવું બન્યું કે એ સંવાદો બોલતી વખતે થોથવાતી હતી. એ કહે છે, 'લાઈગર'નું શૂટિંગ કરવાની બહુ મજા આવી હતી, પણ જો મેં પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપ્યું હોત તો સારું થાત. જો તમે દિલથી પૂરેપૂરી મહેનત કરી હોય તો નિષ્ફળતાની ટીકા પણ ડંખતી નથી. જ્યારે બધું સમુસુતરું ચાલતું હોય ત્યારે નકારાત્મકતા આસપાસ પણ ફરકતી નથી, પણ કઠિન દિવસોમાં શંકાની ફૂંક પણ ભારે પડે છે.'
અનન્યાનો અભિનયની કળા પ્રત્યે ચોક્કસ દ્રષ્ટિકોણ ઘડાયો 'ગહરાઈયાં' ફિલ્મને કારણે. તેની પહેલાં તેનું સ્વપ્ન સાદું અને સરળ હતું. એ કરણ જોહરની ફિલ્મોમાં શિફોન સાડી પહેરીને ગીતો ગાવા ને નાચવા માગતી હતી. પણ 'ગહેરાઇયાં'ના દિગ્દર્શક શકુન બાત્રાએ તેના અભિગમને બદલી નાખ્યો. અનન્યાને અહેસાસ થયો કે કલાકારોએ પણ પોતાના પાત્રની જવાબદારી ઉઠાવવી જોઈએ, શૂટિંગ શરુ થયા તે પહેલાં જ તૈયારી કરવી જોઈએ અને પોતાના પાત્રને સ્વતંત્રપણે આકાર આપવો જોઈએ. આ અટિટયુડ અને માર્ગદર્શન અનન્યાની અભિનય કારકિર્દીમાં વળાંકરૂપ સાબિત થયાં.
પોતાના ટીનેજ વર્ષો દરમ્યાન અનન્યાને લોકો 'ચિકન લેગ્સ' કહીને મશ્કરી કરતા. તને ખૂંધ નીકળી ગઈ છે એવું એને કહેવામાં આવતું. ખેર, આ બધું હવે ભૂતકાળ બની ગયું છે. અનન્યા હવે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને ચેલેન્જિંગ રોલ્સ કરવા માગે છે. 'કેસરી - ચેપ્ટર ટુ' કદાચ આ દિશામાં ભરેલું સાચું પગલું છે.
ઓલ ધ બેસ્ટ, ગર્લ!