
સોશિયલ મીડિયા પર અશ્લીલ કોમેડીના કારણે સર્જાયેલા વિવાદને ધ્યાનમાં લેતાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઓટીટી પ્લેટફોર્મને આઈટી રૂલ્સ, 2021 પ્રમાણે, કન્ટેન્ટને વય આધારિત વર્ગીકૃત કરવાનો નિયમ અનિવાર્યપણે અનુસરવા આદેશ આપ્યો છે. તેમજ ઓટીટીને અશ્લીલ, પોર્નોગ્રાફિક કન્ટેન્ટથી બને ત્યાં સુધી દૂર રહેવા આગ્રહ કર્યો છે.
મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરતી વખતે જણાવ્યું હતું કે, તેને ડિજિટલ પ્લેટફોર્મ પર અયોગ્ય કન્ટેન્ટ મામલે સંસદના સભ્યો, કાયદાકીય એકમો અને જનતા પાસેથી અનેક ફરિયાદો મળી હતી. જેને ધ્યાનમાં લેતાં ઓટીટી પ્લેટફોર્મને આઈટી રૂલ્સ, 2021 હેઠળ કોડ ઓફ એથિક્સ અને ભારતીય કાયદાનું અનુપાલન કરવા એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
કાયદા દ્વારા પ્રતિબંધિત કન્ટેન્ટ ન દર્શાવવા અપીલ
કોડ ઓફ એથિક્સ હેઠળ ઓટીટી પ્લેટફોર્મ્સ કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ કન્ટેન્ટ પ્રસારિત કરી શકે નહીં. વધુમાં કન્ટેન્ટને વય આધારિત વર્ગીકૃત કરવાનો નિયમનું અનુપાલન અનિવાર્ય છે. જનરલ ગાઈડલાઈન્સ પર આધારિત નિયમોનું પણ ફરિજ્યાતપણે પાલન કરવુ પડશે.