
'પંચાયત'માં સચિવજીનું પાત્ર ભજવીને અભિનેતા જિતેન્દ્ર કુમારને ઘર-ઘરમાં ઓળખ મળી છે. તેના અભિનયની હંમેશા દર્શકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. હવે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'માં જિતેન્દ્ર કુમાર એક્ટર વિજય વર્મા, પ્રતીક ગાંધી, જયદીપ અહલાવત સાથે ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો. તેમણે શૉમાં પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી.
માતા-પિતાની વિરુદ્ધ જઈને બન્યો અભિનેતા
શૉમાં કપિલ શર્માએ જિતેન્દ્ર કુમારની પ્રશંસા કરતા કહ્યું કે તેણે IITથી ગ્રેજ્યુએશન કર્યું છે અને છતાં તેણે અભિનયને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યો હતો.
કપિલે જિતેન્દ્રને પૂછ્યું કે તમારા માતા-પિતાની આ અંગે શું પ્રતિક્રિયા હતી? કપિલના સવાલ પર જિતેન્દ્ર કુમારે કહ્યું કે, 'જ્યારે મેં એક્ટિંગ માટે IITથી ગ્રેજ્યુએશન કર્યા બાદ એન્જિનિયરિંગ કરિયર છોડી દીધું ત્યારે મારા માતા-પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. જોકે, જ્યારે મને અભિનેતા તરીકે ફેમ મળવા લાગી, ત્યારે તેઓ મારા અભિનયને સ્વીકારવા લાગ્યા. પરંતુ હજુ પણ તેઓ ક્યારેક મને પૂછે છે કે શું હું UPSC કરવા માંગુ છું?'
પંચાયતથી તગડી ઓળખ મળી
તમને જણાવી દઈએ કે, જીતેન્દ્ર કુમારે 2014માં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી ચૂક્યો છે. પરંતુ એક અભિનેતા તરીકે તેણે 'પંચાયત'માં સચિવજીની ભૂમિકા ભજવીને તગડી ઓળખ મેળવી. 'કોટા ફેક્ટરી' સીરિઝમાં જીતુ ભૈયાની ભૂમિકામાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.