Home / Entertainment : Anees Bazmee: Filmmaking has to keep both math and science in mind

Chitralok / અનીસ બઝ્મી: ફિલ્મ નિર્માણનાં ગણિત અને વિજ્ઞાન બન્ને ધ્યાનમાં રાખવા પડે

Chitralok / અનીસ બઝ્મી: ફિલ્મ નિર્માણનાં ગણિત અને વિજ્ઞાન બન્ને ધ્યાનમાં રાખવા પડે

ફિલ્મ નિર્માણનું ગણિત અને વિજ્ઞાન હોય છે. આ બંને પાસાં સચોટ હોય તો ફિલ્મ સફળ થાય. બાકી તો વિશ્વનો કોઇ દિગ્દર્શક એવો દાવો ન કરી શકે કે હું દર્શકોનો ગમો-અણગમો જાણું -સમજું છું. દર્શકો ૪૦-૫૦ વર્ષ પહેલાંનાં હોય કે આજનાં ૨૦૨૫ની સાલનાં, તેઓ બહુ જ પારખુ હોય છે. દર્શકોને મૂર્ખ ન બનાવી શકાય. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હિન્દી ફિલ્મના મજેદાર કથા-પટકથા લેખક અને સુપરહીટ દિગ્દર્શક અનીસ બઝ્મી બહુ સ્પષ્ટપણે માને છે કે ફિલ્મની સફળતા માટે પ્રામાણિક મહેનત સાથે થોડીક સૂઝબૂઝ પણ હોવી જરૂરી છે. બાકી તો દર્શકો જ સર્વોપરી હોય છે.

અનીસ બઝ્મી એટલે ભૂલભૂલૈયા -૨ અને ૩ ફિલ્મના સુપરહીટ દિગ્દર્શક. બોલીવુડના નંબર ૧ કોમેડી કિંગ દિગ્દર્શક ગણાતા ડેવિડ ધવનની શોલા ઔર શબનમ, આંખે, બોલ રાધા બોલ વગેરે ફિલ્મોના સફળ કથા-પટકથા લેખક અનીસ બઝ્મી કહે છે, મારી ભૂલભૂલૈયા -૩ ફિલ્મની સુપરહીટ સફળતા સાથોસાથ મારું રોજબરોજનું સમયપત્રક બહુ બહુ બદલાઇ ગયું છે. મારી મુંબઇની જોગેશ્વરીની ઓફિસમાંનો ધમધમાટ વધી ગયો છે.અખબાર-મેગેઝીન અને ટીવી ચેનલો સાથેના ઇન્ટર્વ્યુ, મિટિંગ, નવા વાર્તાકારો સાથેની મુલાકાતો વધી ગયાં છે. ઉપરાંત, અમુક વ્યક્તિઓ તો બોલીવુડમાં આછું પાતળું કામ અપાવવાની આશા સાથે પણ મળવા આવે છે.ખરું કહું તો મારા પ્રત્યે લોકોને આટલી આશા,અપેક્ષા છે તે માટે હું મારી જાતને ધન્ય સમજું છું. 

મૂળ ગુજરાતના મોડાસામાં જન્મેલા અને મુંબઇમાં ઉછરેલા અનીસ બઝ્મી કહે છે, મૂળ ભૂલભૂલૈયા(૨૦૦૭ : દિગ્દર્શન: પ્રિયદર્શન) ફિલ્મ સાયકોલોજીકલ થ્રીલર (મનોવિજ્ઞાનના તાણાવાણા ગૂંથતી રોમાંચક કથા) છે. જ્યારે ભૂલભૂલૈયા -૨-૩ બંને ફિલ્મમાં હોરર કોમેડી છે. અમે મૂળ ભૂલભૂલૈયા(૨૦૦૭)ની કથાવસ્તુમાં અમુક મહત્વના ફેરફાર કર્યા છે. ભૂલભૂલૈયા -૨-૩ બંને ફિલ્મમાં કાર્તિક આર્યન,કિયારા અડવાની,માધુરી દિક્ષિત, તબુ,રાજપાલ યાદવ વગેરે જેવા મોટાં નામ છે. આમ છતાં આ બંને ફિલ્મની કથા અને તેના પ્રસંગો બહુ અસરકારક રહ્યા હોવાથી દર્શકોને ગમી છે. 

હું મારા બહોળા અનુભવના આધારે બહુસ્પષ્ટપણે માનું છું કે કોઇપણ ફિલ્મની સફળતાના પાયામાં તેની મન-હૃદયને સ્પર્શતી વાર્તા છે. ત્યારબાદ દિગ્દર્શકની સૂઝબૂઝ અને છેલ્લે કલાકારો અને તેમનો અભિનય હોય છે. મારા માટે તો દર્શકો જ ખરા પારખુ હોય છે. સિનેમાગૃહમાં બેઠેલાં દર્શકોનું નિરીક્ષણ અને સમજણ બહુ સુક્ષ્મ હોય છે. 

મેં તો બોલીવુડનાં મોટાં, લોકપ્રિય કલાકારોની ફિલ્મોને દર્શકોએ પહેલી જ નજરમાં માપી લઇને બહુ મોટું આવજો કહી દીધું હોવાનાં ઉદાહરણ જોયાં છે.

પિતા અબ્દુલ હમીદ - નેરંગ- અચ્છા ઉર્દુ કવિ હોવાથી અનીસ બઝ્મીમાં પણ ઉર્દુ અને હિન્દી ભાષાની સુંદરતા એમ કહો કે વારસામાં મળી છે. 

 બાળપણથી જ કવિતા, શાયરી,ગઝલ લેખનનો શોખ ધરાવતા અનીસ બઝ્મી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મારું બાળપણ બહુ સંઘર્ષમાં પસાર થયું છે. મેં બાળ ગોઠિયા સાથે રમવાની અને ધીંગામસ્તી કરવાની ફક્ત ૧૩ વર્ષની ઉંમરે જ હિન્દી ફિલ્મ જગતમાં સ્પોટબોય, ક્લેપબોય તરીકે કામ શરૂ કરી દીધું હતું. મેં કિતાબ અને નસીબ ફિલ્મોમાં તો બાળ કલાકાર તરીકે પણ અભિનય કર્યો છે. પરિવારને મદદરૂપ થવા માટે. હા, હું મારા સંસ્કાર મુજબ જે કોઇ કામ કરતો તે મન-હૃદયથી કરતો. પૂરી પ્રામાણિકતાથી. મને મારી મહેનત, લગન, પ્રામાણિકતાથી ભવિષ્યમાં જરૂર મીઠાં ફળ મળશે તેવો ભરપૂર આત્મવિશ્વાસ હતો અને આજે પણ છે. 

મને મારા વાર્તા લેખનના શોખથી બોલીવુડમાં ફિલ્મની કથા-પટકથા લખવાની તક મળી. મેં લગભગ ૩૦ ફિલ્મની કથા-પટકથા લખી. આમાંની ઘણી ફિલ્મ સફળ પણ થઇ. આમ છતાં આમાંની એક પણ ફિલ્મમાં મારા નામનો ઉલ્લેખ નહોતો થયો. છેવટે મને દિગ્દર્શક ડેવિડ ધવનની સ્વર્ગ ફિલ્મમાં સ્વતંત્ર સ્ટોરી રાઇટર તરીકે તક મળી તો ખરી.આમ છતાં ફિલ્મ રજૂ થઇ ત્યારે મારા નામનો ક્યાંય ઉલ્લેખ નહોતો.  

 મેં જોકે આખા મુંબઇમાં સ્વર્ગ ફિલ્મનાં જેટલાં પોસ્ટર્સ ગોઠવવામાં આવ્યાં હતાં ત્યાં જઇને મારું નામ લખી નાખ્યું. બીજા દિવસે આખા બોલીવુડને અને મુંબઇને ખબર થઇ. એક મેગેઝીને તો આ સમગ્ર ઘટના વિશે લખીને મોટા અક્ષરે લખ્યું, જુઓ, એક અચ્છા ફિલ્મ લેખકનું આગમન થયું છે. 

 બસ, મેં ત્યારબાદ તો ડેવિડ ધવનની પ્રતિબંધ, શોલા ઔર શબનમ, આંખે, બોલ રાધા બોલ વગેરે ફિલ્મોની કથા-પટકથા લખી. આ બધી ફિલ્મો સુપરહીટ થઇ. બોલીવુડમાં મારા નામ અને કામનો સન્માન સાથે સ્વીકાર થયો. બરાબર આ જ તબક્ક એટલે કે ૧૯૯૩--૯૪ દરમિયાન બોલીવુડમાં સાઉથ(તમિળ અને તેલુગુ)ની ફિલ્મોની કથા પર આધારિત ફિલ્મ બનતી. બોલીવુડના બધા નિર્માતા -- દિગ્દર્શકો મારો આગ્રહ રાખતા.હું ૧૫ દિવસ મુંબઇ અને ૧૫ દિવસ હૈદરાબાદ રહીને તમિળ અને તેલુગુ ફિલ્મોની કથાનું હિન્દીમાં રૂપાંતર કરતો પણ નવા ફેરફાર સાથે. અનીસ બઝ્મી રાજીપો વ્યક્ત કરતાં કહે છે, મને સ્ટોરી રાઇટર તરીકે સુપરહીટ સફળતા મળી એટલે મારી કારકિર્દીમાં નવો અને સુખદ વળાંક આવ્યો. હુ ં હલચલ ફિલ્મ(૧૯૯૫)થી દિગ્દર્શક બની ગયો. જોકે મને દિગ્દર્શક તરીકે પ્યાર હોના હી થા(૧૯૯૮) ફિલ્મથી ઉજળી સફળતા મળી. એમ કહો કે મારો નવો અવતાર થયો. ત્યારબાદ દિવાનગી (૨૦૦૨), નો એન્ટ્રી(૨૦૦૫), વેલકમ (૨૦૦૭), સિંગ ઇઝ કિંગ (૨૦૦૮), રેડી (૨૦૧૧), વેલકમ બેક (૨૦૧૫), ભૂલભૂલૈયા -૨ -૩ સુધીની યાત્રા બહુ જ મજેદાર રહી છે.

આજે બોલીવુડના સુપરહીટ દિગ્દર્શક ગણાતા અનીસ બઝ્મી ભારોભાર નમ્રતા સાથે કહે છે, હું હિન્દી ફિલ્મ જગતના મહાન સર્જક રાજ કપૂરને મારા ગુરુ અને પ્રેરણાસ્રોત માનું છું. મેં રાજ સાહેબના છઠ્ઠા -- સાતમા આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. રાજ કપૂરમાં ફિલ્મ સર્જનની અને ગીત-સંગીતનીજબરી સૂઝ અને કળા હતી. શૂટિંગ દરમિયાન દરેક દ્રશ્ય જીવંત બને તે માટે ભારોભાર આગ્રહ રાખતા. ૬૦ - ૭૦ ના દાયકામાં ફિલ્મ નિર્માણમાં કથા-પટકથા,ગીત-સંગીત, દિગ્દર્શન, અભિનય એમ દરેક પાસાંમાં સુંદરતાનો અંશ રહેતો. આજે બધું જલદી છતાં થોડુંક ં શિસ્તબદ્ધ રીતે પણ થાય છે.વળી, આજનાં કાર્તિક આર્યન, કિયારા અડવાની, રાજકુમાર રાવ, આયુષાન ખુરાના વગેરે કલાકારો બહુ મહેનતુ છે. બસ, હું રાજ સાહેબના સુવર્ણયુગથી લઇને નવા જમાનાનો સીધો સાક્ષી છું તેનો બેહદ આનંદ છે.હું તો કર્મ યોગમાં માનું છું. મીઠાં ફળ જરૂર મળશે. 

Related News

Icon