Home / Entertainment : Asia's first huge theme 'Jurassic Park' will be built in this neighboring country

આ પાડોશી દેશમાં બનશે એશિયાનો પહેલો 'જુરાસિક પાર્ક', ક્લાઉડ ફોરેસ્ટમાં બનશે વિશાળ થીમ પાર્ક

આ પાડોશી દેશમાં બનશે એશિયાનો પહેલો 'જુરાસિક પાર્ક', ક્લાઉડ ફોરેસ્ટમાં બનશે વિશાળ થીમ પાર્ક

‘જુરાસિક પાર્ક’ એક એવી ફિલ્મ હતી જે આબાલ-વૃદ્ધ સૌ કોઈને પસંદ આવી હતી. આ ફિલ્મ પછી એની અનેક સિક્વલ પણ રિલીઝ થઈ. પ્રત્યેક ફિલ્મમાં માનવ વિરુદ્ધ ડાયનોસોરનો જંગ દેખાડાયો છે. સાડા છ કરોડ વર્ષ અગાઉ નામશેષ થઈ ગયેલા ડાયનોસોરને પુનઃજીવિત કરી શકાય કે કેમ, કરવા જોઈએ કે નહીં, એ બાબત પણ અવારનવાર ચર્ચાતી રહે છે. સાચુકલા ડાયનોસોર તો જીવતાં થાય કે નહીં, પણ લોકોના મનોરંજન માટે નકલી ડાયનોસોરના થીમ પાર્ક જરૂર બન્યા છે અને એવો એક જુરાસિક પાર્ક તાજેતરમાં સિંગાપોરમાં શરૂ થયો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એશિયાનો પહેલો જુરાસિક પાર્ક

29 મે, 2025 ના રોજ સિંગાપોરમાં એશિયાનો પહેલો જુરાસિક પાર્ક શરૂ થયો છે. ‘જુરાસિક વર્લ્ડ: ધ એક્સપિરિયન્સ’ નામનું આ અદભુત આકર્ષણ ‘ગાર્ડન્સ બાય ધ બે’ ખાતે આવેલા ક્લાઉડ ફોરેસ્ટમાં બનાવાયું છે. લોકો આ પાર્કની મુલાકાત લેવા માટેgstv પડાપડી કરી રહ્યા છે.

શું છે થીમ પાર્કના આકર્ષણો?

આ થીમ પાર્કનું મુખ્ય આકર્ષણ જીવંત લાગે એવા ડાયનોસોર છે. પાર્કમાં 10 અલગ-અલગ ઝોન બનાવાયા છે, જે જુદા જુદા પ્રકારના અનુભવો પ્રદાન કરે છે. અહીં પહાડો, ધોધ, જંગલ બનાવીને કુદરતી લાગે એવા દૃશ્યો ઊભાં કરવામાં આવ્યા છે. લાંબી ગરદન ધરાવતા શાકાહારી ડાયનોસોરથી લઈને ખૂંખાર ટી-રેક્સ, ભયાનક વેલોસિરાપ્ટર અને ઉડતા પેટેરાનોડોન જેવા વિવિધ પ્રજાતિના ડાયનોસોર અહીં જોવા મળે છે. તમામ ડાયનોસોર એકદમ સાચુકલા લાગે એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે. 

ફક્ત જોવાનો નહીં સહભાગી થવાનો પણ આનંદ 

કોસ્ટારિકાના કાલ્પનિક ટાપુ ઇસ્લા નુબ્લરથી પ્રેરિત આ પાર્કના ડાયનોસોર ફક્ત જોવા પૂરતા નથી. પ્રેક્ષકો એમની નજીક જઈને એમને સ્પર્શી શકે, એમની સાથે ફોટો પડાવી શકે, એમની સાથે થોડીઘણી રમત પણ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે, જે આ થીમ પાર્કની મુલાકાતને યાદગાર બનાવી દે છે. ચિચિયારી પાડતા, હલનચલન કરતા એનિમેટ્રોનિક ડાયનોસોર મુલાકાતીઓને જુરાસિક કાળની સફર કરાવવામાં સફળ થાય છે. મીઠડાં લાગે એવાં બેબી ડાયનોસોર આ પાર્કનું વિશેષ આકર્ષણ બની જાય એમ છે. ગુસ્સે ભરાયેલા ડિલોફોસોરસ તો પ્રેક્ષકો પર ‘ઝેરીલી લાળ’ પણ થૂંકે છે. અલબત્ત, એ ફક્ત રંગીન પાણી હોય છે, પરંતુ એ અનુભવથી પ્રેક્ષકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

લાઈટિંગ થકી અનેરો અનુભવ પ્રદાન કરે છે

દિવસના અજવાળામાં સાફસાફ દેખાતા ડાયનોસોર સાંજ પડતાં જ કૃત્રિમ લાઇટોમાં ઝળહળી ઊઠે છે અને એમાં તેઓ વધુ ડરામણા લાગે છે. પાર્ક અન્ડરગ્રાઉન્ડ પણ વિસ્તરે છે. સુવિનિયર શૉપમાંથી મુલાકાતીઓ ડાયનોસોરને લગતાં સંભારણાં અને રમકડાં પણ ખરીદી શકે છે.   

શું છે ટિકિટની કિંમત? 

દરરોજ સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ પાર્કની મુલાકાત માટે પુખ્ત વયના વિદેશીઓએ ટિકિટના 46 SGD (સિંગાપોર ડોલર) એટલે કે લગભગ 3046 રૂપિયા ખર્ચવા પડશે. 3 થી 12 વર્ષના બાળકો માટેની ટિકિટ 32 ડોલર (2,119 રૂપિયા)ની થશે. 3 વર્ષથી ઓછી વયના બાળકો માટે એન્ટ્રી ફ્રી છે. સિંગાપોરના રહેવાસીઓ માટે ટિકિટના દર ઓછા રાખવામાં આવ્યા છે. પુખ્ત વયના સિંગાપોરના નાગરિકે ટિકિટ માટે 26 ડોલર (1,721 રૂપિયા) ખર્ચવા પડશે. 3 થી 12 વર્ષના બાળકો અને 60 થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટના દર 22 ડોલર (1,456 રૂપિયા) રાખવામાં આવ્યા છે.

Related News

Icon