
- 'હું માત્ર 15 વર્ષની તરૂણી હતી ત્યારથી કામ કરતી હતી. મને બ્રેકની જરૂર હતી. ત્યાર પછી મેં માતા બનવાનો નિર્ણય કર્યો. મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે. મા બનવાનો સમગ્ર અનુભવ ખૂબ આનંદદાયક પૂરવાર થયો છે'
આજથી છેક ચાર-પાંચ વર્ષ પહેલા વેબ સિરીઝ 'ડેન્જરસ' માં નજરે પડેલી અભિનેત્રી બિપાશા બાસુ તેની પુત્રી દેવી સાથે સમય પસાર કરીને બહુ ખુશ છે. 'રાઝ' ની આ અદાકારા અમસ્તા અમસ્તા લાઈમલાઈટમાં રહેવાનો પ્રયાસ પણ નથી કરતી. એક તબક્કે સતત ચર્ચામાં રહેનારી આ બંગાળી બ્યુટીને આમ સાવ જ ઝાકઝમાળની દુનિયાથી દૂર થવાનું શી રીતે ગોઠતું હશે?
આના જવાબમાં બિપાશા કહે છે કે, "હું ઇન્ટરવ્યુ પણ ત્યારે જ આપું ,જ્યારે હું કાંઈક કહેવા માગતી હોઉં. કારણ વગરની હો-હા પણ શાને કરવી? હમણાં હું એકદમ સાદગીભર્યું જીવન આનંદપૂર્વક જીવી રહી છું. બિપાશાની ફિલ્મ 'અલોન' પણ એક દશક પહેલા આવી હતી. આટલો લાંબો સમય બ્રેક લેવાનું કારણ આપતાં બિપાશા કહે છે કે હું માત્ર ૧૫ વર્ષની તરૂણી હતી ત્યારથી કામ કરતી હતી તેથી મને બ્રેકની જરૂર હતી. ત્યાર પછી મેં માતા બનવાનો નિર્ણય કર્યો. મારી વહાલસોઈનો સંગાથ માણવાનો મારો નિર્ણય આનંદદાયક રહ્યો."
બિપાશા ભલે લાંબો સમય ફિલ્મોથી દૂર રહી છે. પણ અભિનય પ્રત્યેના તેના લગાવમાં લગીરેય ઓટ નથી આવી. તેને ગ્લેમરની ખોટ પણ નથી સાલી. હા, તેને કેમેરા અચૂક સાંભરતો. તે કહે છે કે, "મને કેમેરાનો સામનો કરવાનું મન થતું ખરૃં. અને તે સ્વાભાવિક પણ છે. મેં બબ્બે દશક સુધી સતત આ જ કામ કર્યું હતું. અને હવે હું ફરીથી મારી આ મૂળભૂત લગન તરફ પરત ફરવા માગું છું. મેં અભિનય ક્ષેત્રે લાંબો અંતરાલ લીધો તેનો મને કોઈ રંજ નથી. એ સમય પણ મેં મનભરીને માણ્યો છે. અને હવે અભિનય ક્ષેત્ર મહિલાઓ માટે અનેક માધ્યમોમાં બહોળી તકો ઊભી થઈ છે. અદાકારાઓને હવે નવી નજરે જોવામાં આવે છે. અગાઉની જેમ તેમને એકવિધતામાં બંધાઈ રહેવાની જરૂર નથી રહી. મેં મારી કારકિર્દીના આરંભથી જ કાંઈક નવું-નોખું કરવાના પ્રયાસો કર્યાં છે. તક મળે તો હજુ પણ હું કશુંક નવું કરવા ઉત્સુક છું."
ઓલ ધ બેસ્ટ, બિપાશા.