
વિક્કી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના અને વિનીત કુમાર સિંહ સ્ટારર ફિલ્મ 'છાવા'ને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ સાથે, તે આ વર્ષે સૌથી ઝડપી 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. અગાઉ અક્ષય કુમાર, વીર પહાડિયા, સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'સ્કાય ફોર્સ' એ 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, પરંતુ આ માટે 3 અઠવાડિયાથી વધુ સમય લાગ્યો હતો. પરંતુ વિક્કીની ફિલ્મે આટલું કલેક્શન ફક્ત 3 દિવસમાં જ કરી નાખ્યું.
સેકનિલ્કના રિપોર્ટ મુજબ, વિક્કી કૌશલની 'છાવા' એ ત્રીજા દિવસે એટલે કે રવિવારે 48.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે તેણે 37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઓપનિંગ ડે પર 'છાવા'નું કલેક્શન 31 કરોડ રૂપિયા હતું. આ રીતે, ફિલ્મે ત્રણ દિવસમાં 116.5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ક્રિટીક્સ અને ટ્રેડ એનાલિસ્ટ માને છે કે આ ફિલ્મ વિક્કી માટે કરિયર ચેંજિંગ ફિલ્મ સાબિત થશે.
'છાવા'ના વીક ડે કલેક્શન પર નજર
'છાવા' વિક્કી કૌશલની અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ છે. હવે બધાની નજર આગામી દિવસોમાં તેના પ્રદર્શન પર ટકેલી છે. જો 'છાવા' વીક ડેમાં સારું પ્રદર્શન કરે છે, તો તે વિક્કીના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે. નિર્માતાઓ અને ટ્રેડ એનાલિસ્ટ પણ ફિલ્મ વીક ડેમાં ચાલવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
'પદ્માવત' એ 585 કરોડ રૂપિયાની કમાણી કરી હતી
'છાવા' એ મહારાષ્ટ્રમાં સારું પ્રદર્શન કર્યું છે. મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી 'છાવા' ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. એ જોવું રસપ્રદ રહેશે કે શું આ પીરિયડ એક્શન-ડ્રામા ફિલ્મ 'પદ્માવત' ના લાઈફટાઈમ બોક્સ ઓફિસ કલેક્શનને વટાવીને બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી પીરિયડ ડ્રામા ફિલ્મ બનશે કે નહીં. સેકનિલ્કના અહેવાલ મુજબ, 'પદ્માવત' એ ભારતમાં 400 કરોડ રૂપિયા અને અન્ય દેશોમાં 185 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન 585 કરોડ રૂપિયા છે.