
- 'મેં એકાંતમાં ઘણો સમય વીતાવ્યો છે. એકાંતવાસ તમારા માટે બેસ્ટ ટીચર બની રહે છે. એનું હું જાત અનુભવ પરથી કહી શકું'
હમણાં મુંબઇમાં યોજાયેલી વર્લ્ડ ઓડિયો વિડીયો એન્ટરટેઇનમેન્ટ સમિટ (વેવ્સ)ની પેનલ ડિસ્કશનમાં બોલિવુડ અને સાઉથના સ્ટાર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. એમાં 'પુષ્પા' ફેમ અલ્લુ અર્જુન સૌથી જુદો તરી આવ્યો.
એક એક્ટરની કરીઅરમાં ફિઝિકલ ફિટનેસ કેટલી અગત્યની છે એ વિશે ચર્ચા કરતા અલ્લુ અર્જુન કહે છે, 'હું ૧૯ વરસનો હતો ત્યારથી વર્કઆઉટ કરું છું. ફિઝિકલ ફિટનેસને સૌ કોઈએ ટોપની પ્રાયોરિટી આપવી જોઇએ એવુ હું માનું છું.' પોતે સિક્સ પેક સેલ્સ બનાવનાર સાઉથ ઇન્ડિયાનો પહેલો એક્ટર છે એવું મસ્તીથી ઉમેરીને એ કહે છે, 'મારી સાથે કામ કરનાર એક એક્ટ્રેસે અમસ્તા જ એવી કમેન્ટ કરી કે મને નથી લાગતું કે સાઉથનો કોઇ એક્ટર સિક્સ-પેક એબ્સ બનાવી શકે. મેં એ વાતને એક ચેલેન્જ તરીકે લીધી અને મારા તેલુગુ ઓડિયન્સને માટે સિક્સ-પેક બોડી બનાવી. આ બધુ તમારી મનોવૃત્તિ પર આધાર રાખે છે. ૨૦ વરસ પહેલા સાઉથનો કોઇ એક્ટર સિક્સ પેક્સ બનાવવાનું વિચારી પણ નહોતો શકતો. અમારે ત્યાં તો તે કલ્ચરલી જ સ્વીકાર્ય નહોતું. આ બાબતમાં ઘણી મનાઇઓ હતી. એ અભિશાપને કોઇએ તોડવો પડે તેમ હતો.'
નેપોટિઝમ (બેટાબેટીવાદ) બોલિવુડનો એક ખૂંચે એવો મુદ્દો છે. જોકે અલ્લુએ સહેજ પણ સંકોચ રાખ્યા વિના પોતાના કૌટુંબિક ફિલ્મી વારસાને ગૌરવભર સ્વીકાર્યો. એણે કહ્યું, 'તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા પરિવારનો વારસો મને ચોક્કસપણે મદદરૂપ થયો છે. એમાં કોઇ બેમત ન હોઇ શકે. માંડીને વાત કરું તો મારા દાદા ટોપના એક્ટર હતા અને એમણે હજારથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. જ્યારે મારા પિતા જાણીતા પ્રોડયુસર છે. એમના સપોર્ટ અને માર્ગદર્શનનું મારા કરીઅરમાં અમૂલ્ય કહી શકાય એવું યોગદાન રહ્યું છે. તમારા પરિવારમાં આટલા બધા સ્ટાર્સ હોય ત્યારે તમે ઓટોમેટિકલી વિનમ્ર બનીને જીવો છો. તમારે નમ્રતા કેળવવી નથી પડતી. હું જે છું એનો ઘણો બધો શ્રેય હું મારા પરિવારને આપું છું.'
આટલું કહીને એ ઉમેરે છે, 'એવું કહેવામાં મને જરાય સંકોચ નથી થતો કે આય એમ નોટ અ સેલ્ફમેડ મેન. મારું ઘડતર કરવામાં મારા ડિરેક્ટર્સ, ટેક્નીશયન્સ, ફેમિલી, ફેન્સ અને બીજા દરેકનો ફાળો છે. બીજા શબ્દોમાં કહું તો હું આગળ વધવા, મારો વિકાસ કરવા નિસંકોચપણે બધાની હેલ્પ લેતો આવ્યો છું અને લેતો રહીશ.'
સમાપનમાં, પેન-ઇન્ડિયા સ્ટાર બની ચૂકેલા અલ્લુએ થોડી પર્સનલ વાત પણ કરી, 'મેં એકાંતમાં ઘણો સમય વીતાવ્યો છે. એકાંતવાસ તમારા માટે બેસ્ટ ટીચર બની રહે છે. એનું હું જાત અનુભવ પરથી કહી શકું. અલબત્ત, મારે બહારથી પણ ઘણી હેલ્પ લેવી પડી છે. મે લિડરશીપ વિશે જાણવા એક કોચ રાખ્યો હતો. મારા એક ફેમિલી લાઇફ કોચ પણ હતા. બીજા એક એક્સપર્ટ મને જુદી જુદી બાબતોમાં ગાઇડ કરતા. તેમને લીધે હું ફુરસદે આત્મનિરીક્ષણ કરતો થયો. આજે પણ મારા એક લાઇફ કોચ છે. હું તો મક્કમપણે માનું છું કે દરેકના લાઇફમાં એક કોચ હોવો જોઇએ. એક્ટર માટે તો એ પહેલી જરૂરિયાત છે.'
ભઈ, અલ્લુ અર્જુનની તો વાત જ નિરાળી.