
સંજીવકુમારના પરિવારમાં હાર્ટ અટેકને કારણે એટલાં બધાં મોત થયેલાં કે તેમને ખાતરી હતી કે તેઓ પણ પચાસ વર્ષ પૂરાં કરતાં પહેલાં તેનો ભોગ બનશે. અને એવું જ થયું!
૯ જુલાઇ ૧૯૩૮ના રોજ સુરતમાં જન્મેલા હરિહર જેઠાલાલ જોશી યાને સંજીવ કુમાર એક એવા એક્ટર હતાં જેમણે પોતાના અભિનયના જોરે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન જમાવેલું. રોમેન્ટિક સુપરસ્ટાર રાજેશખન્ના અને પછી એક્શન સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જમાનામાં માત્ર અભિનયના જોરે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ટકી રહેવું એટલું જ નહીં પણ એક એક્ટર તરીકે એવું પ્રદાન કરવું કે જેને આગામી પેઢીઓ પણ યાદ કરતી રહે એ મોટી સિદ્ધિ છે. આવી અસામાન્ય સિદ્ધિ મેળવનાર સંજીવ કુમાર વાસ્તવિક જીવનમાં એક સંવેદનશીલ માણસ હતા. તેમના દાદા શિવલાલ જરીવાલા અને પિતા જેઠાલાલ જરીવાલા હાર્ટ એટેકને કારણે ૫૦ વર્ષના થાય એ પહેલાં જ ગુજરી ગયા હતા. એકવાર સંજીવકુમારે કહેલું કે હું વૃદ્ધની ભૂમિકાઓ એટલા માટે ભજવું છું કે મારા નસીબમાં ઘરડા થવાનું લખ્યું જ નથી. તેમનો ડર સાચો પડતો હોય તેમ તેમના નાના ભાઇ નિકુલનું ૧૯૮૪માં, સંજીવ કુમારનું પોતાનું ૧૯૮૫માં અને ૧૯૮૬માં વચલા ભાઇ કિશોર જરીવાલાનું અવસાન થયું. આવા પ્રતિભાશાળી કાકાના ભત્રીજા ઉદય જરીવાલાએ તેમના સંસ્મરણોનું અંગ્રેજી પુસ્તક સંજીવ કુમાર: ધ એક્ટર વી ઓલ લવ્ડ પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં તેમણે આલેખેલાં સંસ્મરણો તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે:
રંગીલા સુરતમાં મોજીલી શરૂઆત
મારા કાકા સંજીવ કુમાર જેઠાલાલ જરીવાલા અને શાંતા બેનના સૌથી મોટાં પુત્ર હતા. તેમના બીજા પુત્ર કિશોર જરીવાલા સંગીતકાર અને એક્ટર હતા.તેમણે દો વક્ત કી રોટી ફિલ્મનું સહનિર્માણ કર્યું હતું.સંજીવ કુમારનો જન્મ સુરતમાં હિરહર જેઠાલાલ જોશી તરીકે થયો હતો અને ફિલ્મ ઉદ્યોગમાં તેઓ હરીભાઇ તરીકે જાણીતા હતા. તેમની માતા શાંતાબેન સાથે તેમનો ઘેરો લગાવ હતો અને તેઓ તેમને બા કહીને બોલાવતાં હતા. મારા દાદા જેઠાલાલ સુરતમાં જરીકામના ધંધામાં હતા. તેઓ તેમના વ્યવસાયમાં અવ્વલ હતા. પણ તેમના ભાગીદારોએ તેમને છેતરી લીધાં અને એક સમય એવો આવ્યો કે તેમની પાસે કશું રહ્યું નહીં. બા એ તેના સંતાનોને ઉછેરવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. બા તેમના સંતાનો સાથે બાદમાં સુરત છોડી મુંબઇમાં ભૂલેશ્વરમાં રહેવા આવ્યા હતા. બાના ટેકાથી મારા કાકા તેમનું એક્ટર બનવાનું તેમનું સપનું પુરૂ કરી શક્યા હતા. એટલે જ તો તેઓ કહેતા, મેં ભગવાનને જોયા નથી. મારા માટે મારી બા એ જ ભગવાન છે. મુંબઇમાં હરીભાઇએ ઇપ્ટામાં પ્રોમ્પટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. એ સમયે આર્થર મિલરના નાટક ઓલ માય સન્સનું હિન્દી રૂપાંતર ડમરૂ દિગ્દર્શક એ.કે.હંગલ ભજવી રહ્યા હતા.આ નાટકમાં પિતાની ભૂમિકા ભજવનાર એક્ટર આવ્યો જ નહીંએ સમયે ૨૨ વર્ષના સંજીવ કુમારે આ નાટકમાં ૬૦ વર્ષના પિતાની ભૂમિકા ભજવી રંગભૂમિ પર પ્રવેશ કર્યો.
કાકા-ભત્રીજાનો પ્રેમાળ સંબંધ
હું તેમના નાના ભાઇ નિકુલનો પુત્ર એટલે કે તેમનો સૌથી મોટો ભત્રીજો હતો. કાકા પરિવારમાં મારા ભાઇબહેન પૃથ્વી અનેએક્તાને પણ ચાહતા હતા પણ હું તેમનો સૌથી લાડકો ભત્રીજો હતો. અમે એ સમયે બાન્દ્રામાં આવેલી પેરીન વિલામાં સાથે રહેતા હતા. મારી સૌથી જુની યાદદાસ્ત અનુસાર હું તેમની સાથે ડબિંગ માટે જતો હતો. વેકેશનમાં હું તેમની સાથે આઉટડોર શૂટિંગમાં પણ જતો. તેમને ઘરમાં બનાવેલી ગુજરાતી રસોઇ ખૂબ ભાવતી. ઘરમાં કદી નોન-વેજ બનતું નહીં.એટલે જ્યારે રવિવારે કાકા ફ્રી હોય ત્યારે અમે ચાઇનીઝ ખાવા માટે ગઝેબો રેસ્ટોરાંમાં જતા. તેમને પાયા અને ખિચડો ખાવાનું પણ ખૂબ ગમતું. હું તેમની સાથે રહીને જ આ વાનગીઓ ખાતા શીખ્યો.
એ સમયે અમારી પાસે પાંચ કાર હતી અને તેઓ મને પૂછતાં કે કઇ કારમાં જવું છે. પણ એકદિવસ મેં કારમાંથી ઉતરી તેમને કહ્યું કે મારે તો ઓટોરિક્ષામાં બેસવું છે. સહેજ પણ અચકાયા વિના તેઓ મને ઓટોમાં બેસાડી જમવા લઇ ગયા. તેમની પાસે એ સમયે ઓટોવાળાને ચૂકવવા માટે પૈસા નહોતાં એટલે તેમણે રેસ્ટોરાંના સ્ટાફ પાસેથી તે ઉછીના લીધાં અને ઓટો ડ્રાઇવરને ચૂકવ્યા. અમને પાછાં મુકી જવા માટે ઓટોવાળો અમે જમી રહ્યા ત્યાં સુધી રાહ જોતો રહ્યો હતો.
સામાન્ય રીતે અમે જમીને હીલ રોડ, માઉન્ટ મેરી ચર્ચ અને બેન્ડ સ્ટેન્ડ પર ડ્રાઇવ પર જતાં. એ સમયે તે પોતાંની ફિલ્મોના ગીતો મોટેમોટેથી ગાતાં. ઘણીવાર મોજ મસ્તીમાં તેઓ રાહદારી પાસેથી કાર એકદમ નજીકથી પસાર કરતાં એને તેને ચોંકાવી દેતાં. અમે વર્ષમાં બે જન્મદિનની જ ઉજવણી કરતાં.એક તેમનો અને બીજો મારો. મને બર્થ ડે પર તેઓ ખૂબ ભેટો આપતાં. હું ભણવામાં નબળો હતો એટલે મને પ્રતિષ્ઠિત બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં એડમિશન અપાવવા માટે તેઓ પ્રિન્સિપાલને મળી આવ્યા હતા. તેમની પાસે એ જમાનામાં વિડિયો કેસેટનું મોટું કલેકશન હતું. જેમાં તેમની ફિલ્મો ઉપરાંત હોલીવૂડની પણ ઘણી ફિલ્મો હતી.મેં તેમની સાથે બેસીને હોલીવૂડની ઘણી ક્લાસિક ફિલ્મો જોઇ છે. હું તેમના આ વિડિયો કેસેટ સંગ્રહને વ્યવસ્થિત ગોઠવી જાળવતો હતો. તેમણે જુહુમાં પણ દરિયાની સામે બંગલો લીધો હતો પણ કાનુની સમસ્યાને કારણે તેનો કેસ લાંબો ચાલ્યો હતો. બાને પણ બાન્દ્રાનું ઘર ખૂબ ગમતું હતું એટલે સંજીવ કાકા પણ બાની યાદમાં ત્યાં જ રહેવાનું ચાલુ રાખેલું.
મહોરાં પાછળનો મૃદુ માણસ
સંજીવ કુમાર સ્વભાવે એકદમ સૌમ્ય હતા. તેઓ કદી તેમનો પિત્તો ગુમાવતાં નહી. એક અપવાદ રૂપે તેમણે પિત્તો ગુમાવી મને થપ્પડ મારી દેતાં મને ધોળે દહાડે તારા દેખાઇ ગયા હતા. એ સમયે મારા પિતા નિકુલને હાર્ટ એટેક આવ્યો હોઇ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘરમાં તંગદિલી હતી અને હું તોફાની બની ગેરવર્તન કરતો હતો. તેમાં હું તેમની ઝપટે ચડી ગયો હતો. સંજીવ કાકા તેમના ભાઇ અને મારા પિતા માટે કશું ન કરી શકવાની લાચારી અનુભવતા હતા. તેમાં મને મારવાની દોષ ભાવના પણ ભળતાં તેઓ તેમના આસું ખાળી શક્યા નહોતાં. તેમાં પણ ૧૯૮૪માં મારા પિતાના અવસાન બાદ તો સંજીવ કાકા સાવ ભાંગી પડયા હતા. હું એ વખતે બાર-તેર વર્ષનો હતો સંજીવ કાકાએ પણ આ જ ઉંમરે તેમના પિતાને ગુમાવ્યા હતા. મારા પિતાના મૃત્યુ અગાઉ તેમણે કદી તેમની તબિયતની ફિકર કરી નહોતી. પણ હવે તેઓ તબિયતની કાળજી લેવા માંડયા હતા. વક્રતા તો એ હતી કે યુએસમાં હ્યુસ્ટનમાં મારા પિતા પર સર્જરી થવાની હતી પણ તેમના બદલે ૧૯૮૪માં સંજીવ કાકા પણ એ સર્જરી કરવામાં આવી. એ પછી તેમણે વજન ઘટાડી નાંખ્યું. પીવાનું બંધ કરી દીધું. તેમના નિર્માતાઓની ચિંતા હોઇ તેમણે અધૂરાં પ્રોજેક્ટ પુરાં કરવા માંડયા. આજે તેમના અંતિમ દિવસો ભણી પાછો વળીને જોઉં છું તો ખ્યાલ આવે છે કે એ દિવાળીના દિવસોમાં મારી માતા જ્યોતિબેન અને બાકીનો પરિવાર કલક્ત્તા ગયા હતા જ્યાં મારી નાની રહેતાં હતા. મને સંજીવ કાકાની સાથે રહેવાનું જણાવાયું હતું. દસેક દિવસ હું તેમની સાથે ડબિંગ અને શૂટિંગ માટે ગયો. રાત્રે અમે સાથે ફિલ્મ જોતાં. ત્રીજી નવેમ્બરે હું મારી માતાએ પુરીના જગન્નાથ મંદિરના દર્શને જવાની બાધા લીધી હતી તે પુરી કરવા તેની સાથે ગયો. મારી માતાએ સંજીવ કાકાની તબિયત સારી થાય એ માટે માનતા રાખી હતી. અમે જ્યારે કલકત્તાથી પુરી પાછાં ફરી રહ્યા હતા ત્યારે અમને સમાચાર મળ્યાં કે સંજીવ કાકાની તબિયત અચાનક બગડી ગઇ છે.
અમે મુંબઇ ફલાઇટમાં પાછાં ફરી રહ્યા હતા ત્યારે જ અમને અહેવાલ વાંચવા મળ્યા કે ૬ નવેમ્બર ૧૯૮૫ના રોજ તેઓ અવસાન પામ્યા છે. એ જ દિવસે પાછી તેમની માતાની પૂણ્ય તિથિ પણ હતી. તેઓ એક સરળ સ્વભાવના ઉમદા માણસ હતા તેમણે કદી સ્ટારની જેમ નખરાં કર્યા નહોતા. તેઓ હમેંશા એક કાળજી લેનાર વ્યક્તિ તરીકે યાદ રહેશે.